મોરબી જીલ્લાના હળવદમાં આવેલ સરા ચોકડી નજીક રાત્રીના સમયે ફાયરીંગ થયાની ધટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તેમજ પંકજ ગોટી નામના શખ્સે ફાયરિંગ કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે સરા ચોકડી પાસે આવેલ શાકમાર્કેટની સામે ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે પંકજ ગોઠી તથા દિલીપસિંહ ઝાલા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મામલો બિચકાતા બંને પક્ષે લોકોએ આવી ચડી બંને જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
ત્યારે હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેઓએ બે રાઉન્ડ ફાયરિંગ થયાનો અવાજ સાંભળ્યો હતો.
ત્યારે જાહેર સ્થળ પર ફાયરિંગની ઘટનાથી પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમજ તહેવારો નજીક આવતા હોય અને આવી ઘટના બનતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળેથી બે કારતુશો કબ્જે કર્યા છે અને આ ઘટનાની ગંભીર નોંધ લઇ પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરીઓ પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ જયંતીભાઈ ગોઠી, દિલીપસિંહ જયુભા ઝાલા અને સિધ્ધરાજસિંહ ગેલુભા ઝાલા એમ કુલ સાત લોકો સામે પોલીસે આઇપીસી કલમ 307, 308, 143, 144, 147, 148, 160 અને જીપી એકટ 135 તેમજ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.