• મૃતક દંપતીએ આપઘાત પૂર્વે મોબાઇલમાં પાંચ વીડિયો રેકોર્ડીક કરી વાયકલ કર્યા
  • પાડોશી દ્વારા ચારિત્ર્ય અંગે ખોટો આરોપ મુકી બદનામ કરતા જીવન ટૂંકાવ્યાનો નોંધાતો ગુનો
  • દંપતી ઝેરી દવા પી કરેલા આપઘાતથી ત્રણ માસુમ બાળકો નોંધારા બનતા પરિવારમાં અરેરાટી

હળવદ તાલુકાના ટીકરના રણ વિસ્તારમાંથી ચારેક દિવસ પહેલાં કોળી દંપત્તીએ ઝેરી દવા પી કરેલા સજોડે આપઘાતના બનાવ અંગે પોલીસ દ્વારા કરાયેલી છાનભીનમાં પાડોશી પરિવાર દ્વારા ચારિત્ર્ય આરોપ મુકી બદનામ કરતા જીવન ટૂંકાવ્યાનું બહાર આવ્યું છે. મૃતક દંપત્તીએ પોતાના મોબાઇલમાં જુદા જુદા પાંચ જેટલા વીડિયો રેકોર્ડીંગ કરી પાડોશી પરિવાર ત્રાસ દેતા હોવાનું બહાર આવતા પોલીસે બે મહિલા સહિત ચાર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામના વતની અને ટીકર રણ વિસ્તારમાં મીઠાના અગરમાં મજુરી કામ કરતા સરોજબેન સુરાણી અને તેમના પતિ શૈલેષભાઇ સુરાણીને પાડોશમાં રહેતા માવજી નાનજી, ચંપાબેન માવજી, મુરીબેન નાની અને નાનજી જીવા ચારિત્ર્ય અંગે ખોટો આરોપ મુકી બદનામ કરતા ગત તા.8 ડિસેમ્બરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચારેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગે રાજુ નાગર સુરાણીએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શૈલેષભાઇ સુરાણી અને તેમના પત્ની સરોજબેન સુરાણી ગત તા.8 ડિસેમ્બરે ઘરેથી કામ પર જવાનું કહીને મોડી સાંજ સુધી પરત ન આવતા શૈલેષભાઇના નાના ભાઇ રાજુ સુરાણી, બનેવી સુરેશભાઇ અને ફઇના દિકરા અરવિંદ ચંદુભાઇ શોધખોળ કરી રહ્યા હતા.

તે દરમિયાન ટીકર રણની ઢસી ખારી ગુંદરાણી પાસે શૈલેષ સુરાણીનું બાઇક જોવા મળ્યું હતું. ત્યાં જઇને તપાસ કરતા શૈલેષભાઇ અને તેમના પત્ની સરોજબેનના મૃતદેહ જોવા મળ્યા હતા. બંનેના મોત અંગે પોલીસને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હળવદ હોસ્પિટલ ખસેડયા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેએ ઝેરી દવા પી આપઘાત કર્યાનો રિપોર્ટ આવ્યો હતો. બીજી તરફ મૃતક શૈલેષ સુરાણીના ભાઇ રાજુ સુરાણીની પૂછપરછ કરતા પંદર દિવસ પહેલાં પોતાના ભાભી સરોજબેનને માવજી નાનજી સાથે આડો સંબંધ હોવા અંગે માવજીની પત્ની ચંપાએ ઝઘડો કરતા આવો ખોટો આરોપ ન મુકવા અંગે તેઓને સમજાવવા ગયા ત્યારે શૈલેષભાઇ સુરાણી અને તેમના પત્ની સરોજબેન સુરાણીને માવજી નાનજી, તેની પત્ની ચંપા, મુરીબેન નાનજી અને નાનજી જીવાએ ઝઘડો કરી ગાળો દીધી હતી.

શૈલેષભાઇ સુરાણી અને સરોજબેન સુરાણીની સમાજમાં ખોટી બદનામી થતા પોતાને જીવવું મુશ્કેલ બની ગયા અંગેનો મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કર્યુ હતી. પાંચ જેટલા વીડિયો રેકોર્ડીંગમાં માવજી નાનજી છેલ્લા છ માસથી પોતાની સાથે સંબંધ રાખવાની ફરજ પાડતો હોવાનું અને તેની પત્ની ચંપા સહિતના શખ્સો ચારિત્ર્ય બાબતે ખોટા આરોપ મુકી રહ્યાનું જણાવ્યું હતું. પોતાના નવ વર્ષની પુત્રી સંજના, સાત વર્ષના પુત્ર સુરજ અને ત્રણ વર્ષના પુત્ર શક્તિને સાચવવા અંગે વીડિયો રેકોર્ડીગમાં પોતાના પિતા અને ભાઇને ભલામણ કરી હતી તેમજ ટીકરના માવજી નાનજી, તેની પત્ની ચંપા, મુરીબેન અને નાનજીભાઇને ફાંસીની સજા કરાવી પોતાને ન્યાય અપાવવાનું, જય માતાજી, જય વેલનાથ અને જય ક્ષત્રિય ઠાકોરનો વીડિયો વાયરલ કર્યો છે. હળવદ પી.એસ.આઇ. કે.એન.જેઠવા સહિતના સ્ટાફે ચારેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.