જામનગર સમાચાર
એક સમય હતો જ્યારે રાજા-રજવાડાઓમાં અશ્વ પ્રેમ ખુબ જ જોવા મળતો હતો, આજે પણ કેટલાક અશ્વપ્રેમીઓએ આ શોખ જાળવી રાખ્યો છે. આવા જ એક અશ્વપ્રેમી જામનગરમાં છે. ચરણજીતસિંહ નામના અશ્વપ્રેમી પાસે કેસરિયા નામનો ઘોડો છે, આ ઘોડાની સુંદરતાની ચર્ચા દેશ વિદેશમાં થાય છે. દર વર્ષે રાજસ્થાનમાં યોજાતા પુષ્કર મેળામાં બધાના મોઢે માત્ર જામનગરના કેસરિયા ઘોડાની જ ચર્ચા થાય છે. આ વર્ષે પણ પુષ્કર મેળામાં કેસરિયા ઘોડાને ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યો હતો જે જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યાં છે.
રાજસ્થાનમાં પુષ્કર મેળામાં પ્રાણીઓની લે-વેંચ થતી હોય છે. ઉંચ, ગાય, બળદ અને અશ્વો આ મેળામાં આવે છે. ફ્રાંસ, અમેરિકા, લંડન સહિત દેશભરમાંથી લોકો ખાસ આ પુષ્કરના મેળો જોવા માટે આવે છે. આ મેળામાં દર વર્ષે અશ્વોની રેસ પણ યોજાય છે. તો કેટલાક અશ્વો માત્ર ડિસ્પ્લે માટે રાખવામાં આવતા હોય છે. આવો જ એક ઘોડો કેસરિયો પણ આ વખતે ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યો હતો. મંતવ્ય સાથેની વાતચિતમા ચારણજીતસિંહે જણાવ્યું કે કેસરિયાને જોઇને જ પ્રવાસીઓ આકર્ષિત થઇ ગયા હતા. ફ્રાંસના પેરિસમાંથી આવેલા એક વિદેશી પ્રવાસીએ તો કેસરિયાને ખરીદવા માટે રૂપિયા 10 કરોડની ઓફર પણ કરી, પરંતુ કેસરિયાના માલિક ચરણજીતસિંહે હસતા મોઢે આ ઓફર ઠુકરાવી દીધી અને અશ્વપ્રેમ રજૂ કર્યો હતો. જો કે કેસરિયાના વછેરાની 51 લાખમાં ખરીદી કરી હતી.
કેસરિયાના માલિક જામનગરના લોઠિયા ગામમાં રહેતા ચરણજીતસિંહ મેહડું છે. તેઓને અશ્વપ્રેમ ખુબ જ હોવાથી અશ્વો માટે જ ખાસ ફાર્મહાઉસ પણ બનાવડાવ્યું છે. ચરણજીતસિંહ પાસે કેસરિયા સહિત 10થી 12 જેટલા અશ્વો છે.
તેઓ છેલ્લા 12 વર્ષથી અશ્વોની બ્રિડિંગ પણ કરાવે છે. ચરણજીતસિંહનું કહેવું છેકે કેસરિયો પોતાની સુંદરતાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે.
કેસરિયાની એવી તે શું ખાસિયત છે ?
કેસરિયો મારવાડી પ્રજાતિનો અશ્વ છે, મોટાભાગે આ પ્રકારના અશ્વ માત્ર મારવાડ પ્રદેશમાં જ જોવા મળે છે. એટલું જ નહીં અગાઉ રાજા રજવાડાના સમયમાં યુદ્ધ અને લડાઇ વખતે મારવાડી ઘોડા જ વધુ રાખવામાં આવતા. મારવાડી ઘોડાની ખાસિયત એ છે કે આ ઘોડા અન્ય ઘોડાની સરખામણીમાં દોડવામાં વધુ ઝડપી હોય છે, અને રણ પ્રદેશમાં સરળતાથી દોડી શકે છે.