- વિશ્વમાં પ્રખ્યાત છે જામનગરના તાજીયા
- ૧૯૦ કિલો ચાંદીથી બનેલ વિશ્વપ્રખ્યાત તાજીયો
- મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ
જામનગર ન્યૂઝ : મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ, મોહરમ આવે એટલે તાજીયાનો તહેવાર આવી રહ્યો છે. તાજીયાની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે. જયારે મોહરમએ ‘હઝરત ઇમામ હસન’ અને ‘હઝરત ઇમામ હુસેન અલવ્હિસ્સલામ’ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’ નો તહેવાર છે.
મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે મહત્વપૂર્ણ મોહરમ
મોહરમ ઇસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે. જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. જામનગર શહેરમાં પરવાનાવાળા તાજીયા કુલ 29 છે. અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા જોવા વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાને 1 નંબર પરવાનાવાળા તાજીયા આપેલો છે. અને ચાંદી તાજિયાનો જાણવા જેવો ઇતિહાસ પણ છે.
ચાંદીના તાજિયાનો ઇતિહાસ
આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે આપ્યો છે. એવુ કહેવાય છે કે, જામ રા ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી. જે પુર્ણ થતા તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો. આ ચાંદીના તાજીયાનું વજન ૧૯૦ કિલો છે. મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડે છે.
તાજિયાની માનતા રાખવાથી મળે છે ધાર્યું ફળ
આ ચાંદીના તાજિયા પાછળ અનેક વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોટખાપણ પણ દૂર થાય છે.
મોહરમના દિવસે જામનગરમાં ઉમટે છે લાખોની જનમેદની
મોહરમના દિવસે જામનગરમાં લાખોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા સહિતના નાના-મોટા હજારો તાજીયા પડમાં આવે છે. જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ સહીત દૂર-દૂર થી લોકો આવે છે. એવી પણ લોકમુખે ચર્ચા છે કે એક વખત જાણીતા અભિનેતા શાહરૂખ ખાન પણ આ જામનગરના ચાંદીના તાજિયાનું જુલુસ જોવા આવ્યા હતા.
સાગર સંઘાણી