હાલાર પરથી ‘તાઉતે’ વાવાઝોડાની ઘાત ટળી છે જો કે તેની આંશિક અસર વર્તાઇ છે. કારણ કે, તીવ્ર પવનને કારણે હાલારના 368 ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. બંને જિલ્લામાં 564 ફીડર બંધ થયા હતાં. 132 વીજપોલ ધરાશાય તો 65 થી વધુ વૃક્ષો પડી ગયા હતાં. મંડપ ઉખડી ગયા હતાં. સદ્નસીબે કોઇ જાનહાની ન થતાં અને આંશિક તારાજી સાથે આફત જતી રહેતા હાલારવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. તાઉતે વાવાઝોડું સોમવારે મોડી સાંજથી મંગળવારે સવાર સુધીમાં હાલાર પર ત્રાટકવાની હવામાન વિભાગની આગાહીથી હાલારવાસીઓના જીવ તળિયે ચોંટ્યા હતાં.પરંતુ હાલાર પરથી વાવાઝોડાંની ઘાત ટળી હતી. જો કે, સોમવારે મોડી રાત્રીના 3 કલાકથી તીવ્ર ગતિથી પવન ફૂંકાયો હતો. જે મંગળવારે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કુલ 132 વીજપોલ ધરાશાહી થઇ ગયા હતાં તો 564 ફીડર બંધ થયા હતાં. જેના કારણે જામનગરના 282 અને દ્વારકા જિલ્લામાં 258 ગામડાંમાં અંધારપટ છવાયો હતો. જયારે બંને જિલ્લામાં મળી કુલ 65 થી વધુ વૃક્ષો પડી ગયા હતા તો મંડપ ઉખડી ગયા હતાં. મંગળવારે બપોર બાદ વાવાઝોડાની ઘાત ટળતાં તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ દૂર કરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું.
લોકો અને અધિકારીઓએ રાત્રિ ઉચાટમાં વિતાવી
ગઇકાલ સવાર સુધીમાં 180 કિ.મી. કરતા વધુ ઝડપથી ‘તાઉતે’ વાવાઝોડું ત્રાટકવાની ભિતિના પગલે બંને જિલ્લામાં લોકો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સોમવારે આખી રાત ઉચાટમાં વિતાવી હતી. જો કે, મંગળવારે બપોર સુધીમાં વાવાઝોડાંની ફકત આંશિક અસર થતાં બંનેએ હાશકારો અનુભવ્યો હતો.
બે ગાયના મોત, ખાનાખરાબીથી વીજતંત્રને 7.69 લાખનું નુકસાન
જામનગરમાં ‘તાઉતે’ વાવાઝોડાંની અસરના પગલે સોમવારે મોડી રાત્રીના તીવ્ર પવન ફૂંકાયો હતો. આ દરમ્યાન જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં વીજથાંભલાને અડી જવાથી વીજશોક લાગતાં બે ગાયના મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજપોલ પડી જતાં, ફીડરમાં ક્ષતિને કારણે વીજકંપનીને રૂા.7.69 લાખનું નુકસાન થયું છે.
બે દિવસ રાહત અને બચાવની કામગીરી બાદ જિલ્લા વહીવટી તંત્રે રાહતનો દમ લીધો
સામાન્ય વરસાદ અને હળવા પવન અને સામાન્ય નુકસાની સાથે તાઉતે વાવાઝોડું શહેર જિલ્લાને બાયપાસ કરી જતાં મોટી ઘાત ટળી છે. છેલ્લા બે દિવસથી બચાવ અને રાહતની તૈયારીઓમાં લાગેલા જિલ્લાના વહિવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. કોઇ મોટા નુકસાનની આશંકા સમાપ્ત થઇ છે. વિનાશક તાઉતે વાવાઝોડાએ જામનગરને મોટી રાહત આપી છે. વાવાઝોડું સોમવારની રાત્રે જામનગરની બાજુમાંથી પસાર થઇ જતાં જામનગર શહેર અને જિલ્લા પરથી આફત ટળી ગઇ છે. વાવાઝોડાના સામના માટે છેલ્લા બે દિવસથી જુદા-જુદા તંત્રો યુધ્ધના ધોરણે કામે લાગ્યા હતા. સેંકડો લોકોનું સ્થળાંતર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી હતી. પરંતુ વાવાઝોડું સામાન્ય જલક દેખાડીને આગળ વધી જતાં તંત્રોએ રાહતનો દમ લીધો હતો.
સોમવારની રાતે મેયર બિનાબેન કોઠારી, મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો અને અધિકારીઓ વાવાઝોડા પર સતત નજર રાખી રહયા હતા. ગઈકાલે આ વાવાઝોડું જામનગરથી દૂર ચાલ્યું જતાં તમામના ચહેરા ઉપર રાહતની લાગણીઓ જોવા મળી હતી. જો કે, જામનગર શહેરમાં રાત્રે 1 વાગ્યા બાદ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનન સૂસવાટા ચાલુ થયા હતા. જે કયારેક વધીને 80 કિલોમીટર સુધી પણ પહોંચી ગયા હતા પરિણામે તંત્ર અને લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ મીગ કોલોની પાસે આવેલા મંદિર પાસે એક વીજપોલ બેવડો વળી ગયો હતો. સામાન્ય નુકસાની સિવાય શહેર અને જિલ્લામાં કોઇ મોટા નુકસાનના અહેવાલ નથી. આગલે દિવસે સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં ખૂબ વગોવાયેલા જામનગરના વીજતંત્રએ ગઇકાલે થોડો રંગ રાખ્યો હતો. આટલા દિવસની સરખામણીએ લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભારે પવન છતાં શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઇ રહ્યો હતો.