ક્રિકેટની રમત ઉપર રમાતો કરોડોનો ખેલ: છ છ કલાક સુધી છાનબીન ચાલી !!
હળવદના સરા રોડ પર આવેલા શિવ અપના મોલમાં ચાલતા ક્રિકેટના કરોડો રૂપિયાના સટ્ટાકાંડમાં સોમવારે રાત્રે મોરબી એલસીબીએ છ – છ કલાક સુધી છાનભિન કર્યા બાદ ભારે રાજકીય દબાણ વચ્ચે કાઈ વાંધા જનક ન મળ્યા ન જાહેર કરી ભીનું સંકેલી નાખતા દરોડો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
મોરબી એલસીબીના આ દરોડા ચકચારી બનેલા દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ સોમવારે રાત્રે ઇન્ચાર્જ પીઆઇ સહિતનો કાફલો હળવદના સરા રોડ પર આવેલ પ્રખ્યાત શિવ અપના મોલમાં ત્રાટક્યો હતો અને અહીં ચાલતા કરોડો રૂપિયાના હરજીતના ક્રિકેટના સટ્ટાના રેકેટને ઝડપી લેતા અહીં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
બીજી તરફ ટોચની પોલીસ ટીમ ત્રાટકી સટ્ટાનું રેકેટ ઝડપી લેતા મોરબીથી લઈ ગાંધીનગર સુધી મોબાઈલ રણકી ઉઠ્યા હતા અને આ સટ્ટામાંથી કરોડોની કમાણી કરતા તત્વો દ્વારા પોલીસ પર જોરદાર પ્રેસર અખત્યાર કરી શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી હતી જો કે શરૂઆતમાં તો તપાસનીશોએ મચક આપી ન હતી અને મોડી રાત્રે બે વાગ્યે સુધી તપાસનો દૌર યથાવત રહ્યો હતો.
દરમિયાન રાજકીય અગ્રણી મોડી રાત્રે પોલીસને મનાવવામાં સફળ રહેતા અંતે ઘીના ઠામમાં ધી પડી ગયું હતું અને મામલો રફે દફે કરી નાખવામાં આવ્યો હતો જો કે આજે દિવસ ભર હળવદ માં દરોડાની જ ચચા ચાલી હતી. આ મામલે મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ વ્યસનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આવું કાઈ ન હતું અને રેડ દરમિયાન આરોપીઓ નાસી ગયા હતા એટલે માત્ર સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે.
આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે રેડમાં કાઈ વાંધા જનક ન મળ્યું હોય તો તપાસ રાત્રીના બે વાગ્યે સુધી કેમ ચાલી અને આરોપી નાસી ગયા હોય તો ગુન્હો કેમ ન નોંધાયો ? સામાન્ય નાસતા ફરતા આરોપી પકડીને મસ મોટી પ્રેસનોટ મોકલતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઉપર એવું તો શું અને કોનું પ્રેસર આવ્યું કે રેડમાં રાફેદફે કરવું પડ્યું ? સહિતના અનેક સવાલો આ દરોડા બાદ મોરબી એલસીબી બ્રાન્ચ સામે ઉઠ્યા છે.