ગુજરાતને પ્રદુષણમુકત કરવાનો સંકલ્પ સિઘ્ધ કરવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
અમદાવાદ ખાતે શરુ થયેલા સાબરમતિ સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે બે કલાકમાં સાબરમતિમાંથી ૩પ ટન કચરો દુર કરવામાં આવ્યો હતો. આ કચરામાં ૫૦ ટકા થી વધુ પ્લાસ્ટિકની કોથળીઓ ઉપરાંત નદીને પ્રદુષિત કરતા કચરામાં મુખ્યત્વે ચુંદડી, શ્રીફળ, ધાર્મિક વિધિમાં વપરાયેલા બળેલા લાકડાના ટુકડાઓ ગુટખાના પાઉચ અને નાસ્તા, માવાના પ્લાસ્ટિકના કચરાના ઢગલા ઉલેચવામાં આવ્યા હતા. બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીદ્વારા સ્વચ્છ સાબરમતિ મહાઅભિયાનના પાંચ દિવસના કાર્યક્રમનો ઉદધાટન કર્યુ હતું. અભિયાનમાં હજારો લોકો જોડાયા હતા. પ્રથમ દિવસે દધિચી પુલથી ગાંધી પુલ સુધીના બન્ને કિનારાઓ પર સફાઇ કરવામાં આવી હતી.
મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે આ મહાઅભિયાન ૯ જુન સુધી ચાલશે અને નદી સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ સહીત રાજયભરના હજારથી વધુ લોકો જોડાશે. ધન કચરાના ડાયરેકટર હર્ષદ સોલંકી એ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે જ ૩૫ ટન કચરો દુર કરવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, શ્રીફળ, ચુંદડી અને હવન લાકડા બહાર કાઢવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આપણી નદીઓ પ્રદુષિત થઇ રહી છે. આપણે તેને સ્વચ્છ કરવી જરુરી છે. રાજયમાં વૃક્ષારોપણ નદીઓની સુરક્ષા અને પર્યાવરણ જાળવણી માટે મહત્વની કામગીરી કરવી પડશે. ગુજરાતના અંત અભિયાનમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ એજયુકેશન સોસાયટી, ટાઇમ્સ ઓફ ઇન્ડીયા, કેન્ટોમેન્ટ બોર્ડ, એરપોર્ટ ઓથોરીટી જીઆઇડીસી, હાઇવે ઓથોરીટી અને રેલવે જેવી સંસ્થાઓ મદદ રુપ થઇ રહી છે.
અમદાવાદનું આ સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન આખા રાજય માટે પ્રેરક બનશે પર્યાવરણની સમસ્યા આપણા માટે પડકારરુપ બની છે. ત્યારે ગુજરાતે પર્યાવરણ સામે આ જંગના અભિયાનને ઉપાડીને રાજય દેશ માટે એક નવો રાહ બનાવ્યો છે તેમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્ર્વ પર્યાવરણ દિવસ નીમીતે અમદાવાદમાં સ્વચ્છ સાબરમતિ મહા અભિયાન અને મિશન મિલીયન ટવીઝ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ સુધારણા અભિયાન શરુ કર્યા છે. સાથે સાથે પર્યાવરણ પર નજરે રાખવા માટે પાંચની સમીતી બનાવી શહેરમાં ગંદધી ફેલાવનારા તમામ પરિબળો પર નજર રાખવાનું આયોજન કર્યુ છે.
ગુજરાતમાં હરિયાળીને પ્રોત્સાહન આપવા નવા વૃક્ષો વાવીને અમદાવાદ જેવા શહેરોમાં ૪.૬ ટકા હરીયાળીને ૧પ ટકા સુધી લઇ જવા માટે અમદાવાદના મેયર બિંજલબેન પટેલની આગેવાનીમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ભાજપના નેતા સુરેન્દ્રભાઇ પટેલ સાંસદ કીરીટભાઇ સોલંકી, હસમુખભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, રાકેશભાઇ સુરેશ પટેલ, બાબુભાઇ પટેલ, કિશોર ચૌહાણ, ભુપેન્દ્ર પટેલ, પ્રદીપ પરમાર, નગરસેવક અમિત શાહ ડે.મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડીંગ ચેરમેન અમુલ ભટ્ટ, નગર સેવકો કમીશ્નર વિજય નહેરા, પોલીસ કમિશ્નર એ.કે. સિંગ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.