હાલારની ચારસો લીઝો બંધ થઈ જતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો મજૂરો તથા લીઝધારકો પરેશાનીમાં મૂકાયા છે.

ગુજરાત રાજ્ય સરકારના ખાણ-ખનિજ વિભાગએ કરેલા આદેશના પગલે દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં આવેલી બ્લેક ટ્રેપ, ખારી રેતી, મીઠા રેતી, ડેન્ટ્રો નાઈટ અને (બેલા) પથ્થરની આવેલી ચારસો જેટલી માઈનીંગ લીઝને તાળા લાગી જતા હજારો મજૂરો અને ટ્રાન્સપોર્ટના પૈંડા થંભી ગયા છે. જાણવા મળતી વિગતો મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા આવેલ એક ચૂકાદા મુજબ જે લીઝધારકોએ પર્યાવરણ સંબંધી દર પાંચ વર્ષે મેળવવાના થતા પ્રમાણપત્રો મેળવેલ ન હોય તેવી લીઝો બંધ કરાવવા આદેશ કર્યો છે.

જે હુકમના પગલે ગુજરાત રાજ્ય સરકારે રાજ્યમાં આવેલી તમામ લીઝોના પર્યાવરણ સંબંધી પરમીશન તથા માઈનીંગ પ્લાન્ટ પરમીશન અને બેંક ગેરન્ટી જેવા મુદ્દા ઉપર ગુજરાતની તમામ લીઝો બંધ કરાવવા હુકમ કર્યો છે. જેના અનુસંધાને બન્ને જિલ્લા તમામ તાલુકામાં આવેલ લીઝો બંધ કરાવવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે અને બાંધકામ, રસ્તાના કામો, તથા નાના-મોટા ઉદ્યોગ ગૃહોને ખનિજનો જથ્થો પ્રાપ્ત ન થતા અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થવા પામી છે, જો કે સરકારી જમીનમાંથી ખનિજ ચોરી કરનારા તત્ત્વોને તો મજા આવી ગઈ છે, પરંતુ આવા તત્ત્વો ઉપર પણ ખાણ-ખનિજ ખાતું બાજ નજર રાખી રહ્યું છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં બંધ થયેલા લીઝો અંગે ગુજરાત રાજ્ય કક્ષાના લીઝ હોલ્ડર એસોસિએશન રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. આજે ગાંધીનગરમાં એસોસિએશન અને સરકાર વચ્ચે અને રાજ્યના જિલ્લા કક્ષાના ખાણ-ખનિજ અધિકારીગણ સાથે મહત્ત્વની બેઠક યોજાય છે

જેમાં સકારાત્મક નિર્ણય આવી શકે તેમ છે. સકારી સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાની ત્રણસો છવીસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એકાણું માઈનીંગ લીઝમાંથી માત્ર પંદર જેટલા લીઝધારકો પાસે સબ સલામત હોય જેથી માત્ર પંદર લીઝો હાલમાં ચાલુ  હાલતમાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.