રાજકોટના પ્રવેશદ્વાર સમી ચોકડીએ વાહન ચાલકોને એક-એક કિમિ લાંબા ચક્કર મુકવામાંથી મુક્તિ
અંતે માધાપર ચોકડીના બ્રિજનો નીચેનો રસ્તો આજથી ખુલ્યો છે. રાજકોટના પ્રવેશદ્વાર સમી ચોકડીએ વાહન ચાલકોને ઘણા સમયથી એક-એક કિમિ લાંબા ચક્કર લગાવવા પડતા હતા. તેમાંથી હવે મુક્તિ મળી છે.
રાજકોટના પ્રવેશદ્રાર સમી માધાપર ચોકડીએ રૂ. 70 કરોડના ખર્ચે 1200 મીટર લંબાઈના હાઈલેવલ બ્રિજનું કામ હાલ ગોકળગતિએ ચાલી રહ્યું છે. આ બ્રીજમાં કૂલ 24 પિયર છે. માધાપર ચોકડી ન માત્ર રાજકોટ પણ જામનગર, મોરબી બન્ને તરફથી આવતા જતા વાહનો માટે મહત્વનો વિસ્તાર છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જરૂરી છે.જો કે માધાપર ચોકડી બ્રિજનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેવો તંત્રએ અગાઉ અનેક વખત દાવો કર્યો છે પણ આ દાવો હવે ખોટો પડી રહ્યો છે. હજુ પણ આ બ્રીજને તૈયાર થવામાં મહિનાઓ વીતી જાય તેમ છે.
પરંતુ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સંબંધિત વિભાગને આ મામલે તાકીદ કરી હોય, એજન્સી દ્વારા બ્રિજનો નીચેનો રસ્તો આજથી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકી દીધો છે. જેને પરિણામે વાહનચાલકો હાશકારાની અનુભૂતિ કરી રહ્યા છે.