કોર્પોરેશનના તમામ મેડિકલ ઓફિસરોને ટ્રેનિંગ આપવા પણ સૂચના: મેડિકલ કોલેજને કિટ પણ ફાળવી દેવાય
ગુજરાતમાં એચથ્રીએનટુના કેસો સતત વધી રહ્યાં છે. આવામાં સરકારની ઉંઘ હરામ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સહિતના શહેરોમાં નવા વાયરસના કેસો શોધી કાઢવા માટે સર્વેલન્સ વધારવા આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશનના તમામ મેડિકલ ઓફિસરોને ટ્રેનિંગ આપવા પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યભરમાં એચથ્રીએનટુના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સાથોસાથ બેવડી સિઝનના કારણે તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસ પણ સતત વધી રહ્યાં છે.
આવામાં સરકારે રોગચાળાને નાથવા માટે વિવિધ પગલા લેવાનું શરૂ કર્યું છે. રોગચાળાના અલગ-અલગ કેસને ચાર કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જેમાં સી-કેટેગરીમાં આવતા દર્દીઓના એચથ્રીએનટુ રિપોર્ટ કરવા જણાવી દેવામાં આવ્યું છે. રોજેરોજના રોગચાળાના આંકડાઓ પણ આપવા તાકિદ કરાઇ છે. બીજી તરફ મેડિકલ ઓફિસરોને નવા વાયરસ અંગે પ્રયાપ્ત માત્રામાં માહિતી મળી રહે તે માટે ખાસ ટ્રેનિંગ આપવા પણ જણાવવામાં આવ્યું છે. તાવ, શરદી-ઉધરસના લક્ષણ ધરાવતા લોકોના રિપોર્ટ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
છેલ્લા ઘણા દિવસથી શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે અને કોરોનાના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. આવામાં નવો એચથ્રીએનટુ વાયરસ હાહાકાર ન મચાવે તે પૂર્વે સરકાર સક્રિય થઇ છે અને રાજ્યભરમાં આરોગ્ય વિભાગને તાત્કાલીક અસરથી સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી કરવા માટે જાણ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પણ નવા વાયરસની એન્ટ્રી થઇ ચુકી છે. ગઇકાલે ભાવનગર શહેરમાં એક કેસ મળી આવ્યો હતો. જો કે, રાજકોટમાં આજ સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી.