જય વિરાણી, કેશોદ
ગુજરાતની ગ્રાન્ટેડ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની પડતર માંગણીનો કોઈ ઉકેલ ન આવતાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા 1 ઓગસ્ટેથી સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે જ રાજયમાંથી પાંચ હજારથી વધુ ફોટોગ્રાફ, સેલ્ફી તેમજ સમુહ ફોટોમાં શિક્ષકોની વાચા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને મળી હતી.
સરકાર તરફથી કોઈ સકારત્મક વલણ અપનાવવામાં નહી આવે ત્યાં સુધી સોશિયલ મીડિયા ઉપર આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકોનાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં આજથી આંદોલનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જેમાં કેશોદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો પણ જોડાયા છે.
ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકોની પડતર માંગણીઓમાં ફિક્સ પગારથી જોડાયેલા શિક્ષકોની સળંગ નોકરી ગણવી, સાતમા પગાર પંચના એરીયસનાં હપ્તા ચૂકવવાનું શરૂ કરવા ઉપરાંત સીપીએફ અને વર્ધિત પેન્શન યોજના નાબુદ કરી જીપીએફ અને જુની પેન્શન યોજનાનો લાભ આપવા, ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દુર કરવાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય ચાલું રાખવામાં આવ્યું છે. સંવેદનશીલ સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો પ્રત્યે સંવેદના દાખવી માંગણીઓ સ્વીકારવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.