હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ પૂનમના દિવસે “ગુરુપૂર્ણિમા” પર્વ ઉજવાય છે. પરંતુ આ પર્વની શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી? શા માટે ગુરુપૂર્ણિમા આજના દિવસે જ મનાવાય છે?
પુરાણોમાં જણાવ્યા અનુસાર મહર્ષિ વેદ વ્યાસને બાળપણથી જ અધ્યાત્મમાં ઊંડો રસ હતો. તેઓ ઈશ્વરના ધ્યાનમાં લીન થવા માટે વનમાં જઈને તપસ્યા કરવા ઈચ્છતા હતા. પરંતુ તેમના માતા પિતા વ્યાસજીને વનમાં જવાની અનુમતિ આપતા ન હતા, જેથી વ્યાસજીનું મન ક્યાંય લાગતું ન હતું અને માતા પિતાને સતત મનાવતા રહેતા હતા. અંતે એક દિવસ તેમના માતા પિતાએ થોડા સમયમાં પરત ફરવાની શરતે વ્યાસજીને વનમાં જવાની રજા આપી. વ્યાસજીએ નાની ઉંમરમાં જ વનમાં જઈને તપસ્યા શરૂ કરી.
વ્યાસજી એ તપ અને ધ્યાનની સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. મહાભારત, 18 મહાપુરાણ, બ્રહ્મસૂત્ર વગેરે જેવા ઘણા ધર્મગ્રંથોની રચના કરી. વેદોનો પણ વિસ્તાર કર્યો, જેથી તેઓ વેદ વ્યાસ કહેવાયા. અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજીએ તેમના પાંચ શિષ્યોને ભાગવત પુરાણ નું જ્ઞાન આપ્યું. જ્ઞાન પ્રાપ્ત થતા શિષ્યોએ ગુરુ વેદવ્યાસ નું પૂજન કરીને ગુરુ પૂજન પરંપરાની શરૂઆત કરી. આ દિવસ પૂર્ણિમાનો હોવાથી આ પર્વને “ગુરુપૂર્ણિમા” તરીકે મનાવાય છે અને દુનિયાના સૌ પ્રથમ ગુરુ વેદ વ્યાસ હોવાથી ગુરુ પૂર્ણિમાને “વ્યાસ પૂર્ણિમા” પણ કહેવાય છે.
શાસ્ત્રોમાં ગુરુને દેવતાઓથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. સ્વયં ભગવાન શિવે ગુરુ માટે કહ્યું છે કે…
અર્થાત ગુરુ જ દેવ છે, ગુરુ જ ધર્મ છે, અને ગુરુમાં નિષ્ઠા રાખવી એ જ પરમ ધર્મ છે. આનો અર્થ એ થાય છે કે ગુરુની આવશ્યકતા મનુષ્યોની સાથે સાથે સ્વયં દેવોને પણ છે. એટલે જ પ્રથમ ગુરુ અને પછી દેવ એટલે કે “ગુરુદેવ” એમ બોલાય છે.
શાસ્ત્રોમાં ગુરુ શબ્દને સમજાવતા કહ્યું છે કે, ગુ એટલે અંધકાર કે અજ્ઞાન અને રૂ એટલે પ્રકાશ કે જ્ઞાન. આમ ગુ+રૂ= ગુરુ એટલે અજ્ઞાન રુપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે .
ગુરુ એ જ્ઞાનની ગરીમા છે, જ્ઞાનની વાણી છે, જ્ઞાનની અનુભૂતિ છે, જ્ઞાનનો ભંડાર છે, ટૂંકમાં ગુરુ એ જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. ગુરુ દરેક સવાલનો જવાબ છે, ગુરુ દરેક મુશ્કેલીની યુક્તિ છે, ગુરુ પથદર્શક છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે ગુરુ વિશે કહ્યું છે કે જે જન્મ મરણના ભયથી છોડાવે તે ગુરુ. સંત કબીરે તો ત્યાં સુધી કહ્યું છે કે,
એટલે કે ભગવાનના રિસાઈ જવાથી ગુરુનું શરણ રક્ષા કરે છે, પરંતુ જો ગુરુ રિસાઈ જાય તો ક્યાંય પણ શરણ મળવું શક્ય નથી. જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ હોય છે.
આંખો હોય, સૂર્યપ્રકાશ પણ હોય પરંતુ નેત્રની જ્યોતિ ન હોય તો કંઈ દેખાતું નથી. ગુરુ જ્ઞાનરૂપી નેત્રની જ્યોતિ પ્રગટ કરે છે.
ગુરુ એ આપણા જીવનનો પ્રકાશ છે, ચમત્કાર છે, આધ્યાત્મિકતા ની વ્યાખ્યા છે અને ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણને પણ ગુરુની જરૂર પડી હતી.
શાસ્ત્રોમાં ગુરૂને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપમાં સ્વીકારવામાં આવ્યા છે. કારણ કે ગુરુને બ્રહ્મા એટલે કહેવાય છે કે તે શિષ્યને બનાવે છે, નવો જન્મ આપે છે. ગુરુને વિષ્ણુ એટલે માનવામાં આવ્યા છે કે ગુરુ જ શિષ્યની રક્ષા કરે છે અને તેને સંસાર સાગરમાંથી ડૂબતો બચાવે છે. ગુરુ સાક્ષાત મહેશ્વર પણ છે, કારણકે તે શિષ્યના દરેક દોષોનો સંહાર પણ કરે છે.
ગુરુ અને ઈશ્વર બંને મળ્યા છે તો પહેલા કોને પગે લાગવું? ગુરુની કૃપાથી તો ઈશ્વર મળ્યા છે. એટલે જ કહ્યું છે કે ગુરુનો હાથ પકડવાને બદલે આપણો હાથ ગુરુને સોંપવો. કારણ કે આપણાથી આકસ્મિક રીતે ગુરુનો હાથ છૂટી જાય છે, પરંતુ ગુરુ જો આપણો હાથ પકડે તો તે ક્યારેય છોડતા નથી.
ગુરુની વાત સાંભળવા કાન ખુલ્લા રાખવા,
ગુરુમાં વિશ્વાસ રાખવા આંખ બંધ રાખવી,
ગુરુને અર્પણ થવા હ્રદય ખુલ્લું રાખવું,
ગુરુની સેવા કરતા સમયે ઘડિયાળ બંધ રાખવી. આમ ગુરુ વચન પ્રમાણે ચાલવાથી મોક્ષ મળે છે.
ગુરુ પૂજન એટલે જ્ઞાનનું પૂજન, દિવ્ય ગુણોનું પૂજન, વ્યક્તિનું નહીં. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું મહત્વ ગાવુ એ સમુદ્રમાંથી મોતી વીણવા જેવું અઘરું કામ છે. કારણ કે ગુરુ શબ્દ એ સમુદ્રની ઊંડાઈ જેવો છે, જેનું વર્ણન કરવું અશક્ય છે.
આખી ધરતીને કાગળ કરું,
બધી વનરાઈ ની લેખની,
સાત સમુદ્રની શાહી કરૂ,
તો એ ગુરુ તણાં ગુણો ન લખી શકાય !