કોરોના ફેલાવવાની સંભાવનાના કારણે આ વર્ષે સર્વત્ર ગુરૂપૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક નહીં પરંતુ સાદાઈપૂર્વક થશે: શિષ્યો ઘરમાં જ સલામત રહીને સ્મરણ દ્વારા ગૂરૂપૂજન કરે તેવી ગૂરૂઓની લાગણી
હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં આત્માને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને પરમાત્મા સુધી પહોચવાનો માર્ગ દેખાડનારા ગૂરૂને ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન આપવામાં આવ્યું છે. જેથી જ કબીરે તેના દોહામાં ગૂરૂમહિમા વર્ણવતા કહ્યું છે કે ‘ગૂરૂ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય, બલિહારી ગૂરૂ આપકી ગોવિંદ જો દીયો દીખાય,’ ગૂરૂને ભગવાનથી પણ ઉંચુ સ્થાન આપનારા આપણા દેશમાં સદીઓથી ગૂરૂએ આપેલા જ્ઞાનનું ઋણ ચૂકવવા દર વર્ષે અષાઢસુદ પૂનમને ગૂરૂપૂર્ણિમા તરીકે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશભરમાં ગૂરૂપૂર્ણિમાનાં કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય કરાયો છે. તમામ ગૂરૂઓએ શિષ્યોને ઘરે સલામત રહીને ગૂરૂસ્મરણ દ્વારા ગૂરૂપૂજન કરવાની લાગણી વ્યકત કરી છે.
ગૂરૂ-શિષ્ય વચ્ચેનો સંબંધ અતિ પ્રવિત્ર: શ્રુતિપ્રકાશ સ્વામી (રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ)
રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળના શ્રુતિપ્રકાશ સ્વામીએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે ગૂરૂ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અતિ પવિત્ર છે. ગૂરૂ કહે છેકે અને શિષ્ય સાંભળે છે અને શિખે છે. પરંતુ ઘણી વખત ગૂરૂનું મૌન પણ વ્યાખ્યાન બની જતું હોય છે. ગૂરૂદ્રોણને એકલવ્યના સંબંધની ચર્ચા કરીએ તો તે એકદમ પવિત્ર સંબંધ હતા એકલવ્યની નિષ્ઠા પોતાના ગૂરૂ પ્રત્યે એટલી બધી હતી કે તેને ગૂરૂ ન હતા છતાં ગૂરૂનું સંપૂર્ણ જ્ઞાન તેનામાં આવી ગયું હતુ ધીમેધીમે આ સંબંધો મટીરીયલસ્ટીક થયા અને અત્યારે એવા સંબંધો વણસી ગયા છે કે ગૂરૂ સામે બેઠા હોય છતા પણ જ્ઞાન ન થાય. અત્યારના સમયમાં ગૂરૂ શિષ્યનો સંબંધ ખૂબજ ઓછો રહ્યો છે. અત્યારના સમયમાં શિક્ષક અને છાત્રનો સંબંધ બની ગયો છે. આ સંબંધમાં પૈસાનું મહત્વ પણ તેટલું જ વધી ગયું છે.
ગૂરૂપૂર્ણિમાની જો વાત કરીએ તો અહી દર વર્ષે હજારોની સંખ્યામાં હરિભકતો દર્શનાર્થે આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સરકારના નિયમો પ્રમાણે સોશ્યલ ડીસટન્સ રાખવા માટે આ વર્ષે કોઈપણ હરિભકતો ગૂરૂકુળ ખાતે નહી આવે પરંતુ બધા ઓનલાઈન સ્વામિનારાયણ ગૂરૂકુલની યુટયુબ ચેનલ પર આખે આખો કાર્યક્રમ લાઈવ જોઈ શકશે. અને ઘરે બેઠા બેઠા ગુરૂજીનું પૂજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગૂરૂકુળ હોવાથી અહી છોકરાઓ ભણે છે. પરંતુ હજુ અહી ગૂરૂકુળ શરૂ થઈ નથી તેમ છતાં શિક્ષકો પણ યુ ટયુબ પર ચેનલ પર હાજર રહેશે. ભારતભરમાં હજારો શિષ્યો છે. આ સંસ્થા સાથે એક મોટો સમુદાય જોડાયે છે. બધાને એજ સંદેશ છે કે કોરોનાની મહામારીમાં સરકારના નિયમોનું પાલન કરી સ્વાસ્થ્યને ધ્યાન રાખી ઘરે બેઠા જેટલુ ભજન થાય તેટલું ભજન કરવું. વ્યવસાય પણ સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ કરવો અંતે એટલું જ કે પોતાના શરીરનું હંમેશા ખ્યાલ રાખવો.
હરિભકતોએ ઘરેથી ગૂરૂવંદના કરવી: હરિઓમ બાપુ (નકલંક ધામ)
નકલંક ધામ તોરણીયાના મહંત હરિઓમ બાપુએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે દર વર્ષે તોરણીયા ધામમા ગૂરૂપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખી અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ વર્ષે બધા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. દરેક ભકતોએ પોતાના ઘરે રહીને ગૂરૂપૂર્ણિમાની ઉજવણી ભાવ ભેર કરવી ખાસ તો આ મહામારીના સમયે દરેક વ્યકિત સ્વચ્છતા રાખે પોતાનો ખ્યાલ રાખે ભીડ ભાડ વાળી જગ્યાએ જાવાનું ટાળવું સરકારના નિયમોનું તેમજ સુચનાઓનું પાલન કરો.
સ્વ વિશેનું જે અજ્ઞાન દુર કરે તેને ગુરૂ કહેવાય ! સ્વામી પરમાત્માનંદજી (આર્ષ વિદ્યા મંદિર)
આર્ષ વિદ્યા મંદિર મુંજકાના સ્વામી પરમાત્માનંદજી મહારાજે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોઇ વ્યકિત બીજી વ્યકિત પ્રત્યે પોતાનામાં શિષ્ય ભાવ રાખે તે વ્યકિત ગુરૂ બની શકે, અત્યારના સમયમાં ગુરૂ શબ્દનો ઉપયોગ સાવ નીચલી કક્ષાએ પણ થાય છે. ગુરૂ તેને કહેવાય કે જે અંધકાર દુર કરે આપણે તો અજ્ઞાની છીએ. આપણે બે પ્રકારનું અજ્ઞાન લઇને જન્મા છીએ. મોટા થતાં જઇએ તેમ તેમ આપણે જગતનું જ્ઞાન મેળવતા જઇએ છીએ. બીજુ જ્ઞાન એ સ્વવિશેનું અજ્ઞાન અને જે સ્વવિશેનુ: જે અજ્ઞાન દુર કરે તેને ગુરૂ કહેવાય આજના સમયમાં મંત્ર દિક્ષા આપે કથા કરે તે કાંઇ કહે તે બધા ગુરૂ કહેવાય છે.
સંબંધની સ્પષ્ટતા હોય તો કોઇપણ સંબંધ યથાર્થ રીતે ભજવાઇ ભાઇ-બહેનના સંબંધ, મિત્રના સંબંધ, પતિ-પત્નીના સંબંધ ગુરૂ પાસે આપણે શાસ્ત્ર જ ભણવા ગયા છીએ ગુરૂ પાસેથી જ્ઞાન જ મેળવવું છે તેવી સ્પષ્ટતા શિષ્ય અને ગુરૂમાં હોય તો તે સંબંધ સાર્થક થાય છે. અને સંબંધની પવિત્રતા જળવાઇ છે. તેમ જયારે કોઇને ગુરૂ બનાવે છે તો તેમની પાસેથી વેદ ભણો શાસ્ત્રો ભણો.
કોરોનાને કારણે શાળાઓમાં જેમ ડીજિટલના ફેરફાર કર્યા તેમ અમે પણ ફેરફારો કયાં છે. અમે પણ ઓનલાઇન ભણાવવાનું શરૂ કર્યુ છે. તેવી જ રીતે મર્યાદાને ઘ્યાને રાખીને લાઇવ પુજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના ભકતો માટે સવારે પુજાનું આયોજન તેમજ વિદેશના ભકતો માટે રાતના સમયે પુજાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરૂ પૂર્ણિમાના દિવસે એટલો જ સંદેશો આપવો છે કે તમે મહેરબાની કરીને એવી વ્યકિતને ગુરૂ બનાવો જે શાસ્ત્ર ભણાવે કોઇ મુસ્લિમ ધર્મ ગુરૂ નહીં મળે કે જે કુરાન ન સ્વીકારે કે ન ભણાવે ખ્રિસ્તી ધર્મમાં એવો કોઇ ગુરૂમળે કે જે બાઇબલને ન ભણાવે પરંતુ હિન્દુ ધર્મની કરૂણતા એ છે કે ગીતાનું ખંડન કરે, ગુરૂ પરંપરાનું ખંડન કરે તેને ગુરૂ ગણવામાં આવે છે જે વ્યકિત પોતાનની જ્ઞાનની વાત પ્રમાણ સહિત કરે તેને ગુરૂ કરજો.
તમે તમારી જાતને લાભ લેવા ઉપલબ્ધ કરે તો લાભ લેવાવાળા અનેક આવશે. અને જે આ લાભ લે છે તે ખરેખર ગુરૂ નથી પરંતુ આ સાધુ વેશમાં રાવણ છે. સમાજનું એક પાસુ છે કે આવા ખરાબ લોકો આવી સારી ભૂમિકાનું દુરઉપયોગ કરે છે જ આવા લોકો લાભ એટલે લઇ જાય છે કે આપણે જાગૃત નથી. સમાચારોમાં પણ આપણે ઘણીવાર જોઇએ છીએ કે ગુરૂ શિષ્યને છાજે નહીં તેવા સંબંધોના કિસ્સાઓ સામે આવતા હોય છે તમે એવા ગુરૂઓ પાસે જ્ઞાન લો કે જેના જ્ઞાનનું તેમની પાસે પ્રમાણ હોય.
શિષ્યનું હિત ગુરૂના ચરણમાં રહેલું છે: અજયદાસજી મહારાજ (ગીર સોમનાથ)
ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમનાં મહંત અજયદાસજી મહારાજ (બજરંગદાસજી)એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુકે આદિ અનાદિકાળથી ગુરૂ શિષ્યનો સંબંધ છે.ભારતમાં હજુ પણ તપસ્વી ગુરૂઓ છે. દર વર્ષ ગુરૂપૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરૂના ચરણની પૂજા કરવામાં આવે છે.
અને ઉપદેશ આપવામાં આવે છે. ગૂરૂશિષ્યનો સંબંધ પિતા પુત્રનો સંબંધ હોય છે. તેવો જ સંબંધ છે. શિષ્ય ગમે તેટલું અધર્મ કરે પરંતુ તે ગૂરૂના ચરણમાં જતા રહેતો તેનો ઉધ્ધાર થઈ જાય છે. પહેલાના સમયમાં ગૂરૂ શિષ્યનો જે સંબંધ હતો તેવો હવે રહ્યો નથી જે જોઈ ખૂબ દુ:ખ થાય છે.
શિષ્ય માટે ગુરૂ દિવાદાંડી સ્વરૂપ: ઘનશ્યામ સ્વામી
સ્વામીનારાયણ મંદીર પંચાળાના મહંત ઘનશ્યામ સ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ગુરૂ દરેકના જીવનમાં દીવાદાંડી જેવો ભૂમિકા ભજવે છે. આ ગુરૂ પૂર્ણિમાના રોજ પંચાળા સ્વામીનારાયણ મંદિરના ઉતમચરણદાસજી સ્વામીની ૧૦૮ મો જન્મદિવસ પણ છે. વેદના રચયીતા વેદવ્યાસજી આજના પવિત્ર દિવસે જન્મ્યા હતા. ભાગવત ગીતા, રામાયણ કે બીજા કોઇ ધાર્મિક ગ્રંથો હોય તેમજ ૬૪ ગુણ વાળા સંતો હોય તેને ગુરૂ કરવા જોઇએ. શાસ્ત્રોમાં પણ ગુરૂનું પણ ખુલ મહત્વ દર્શાવ્યું છે. કૃષ્ણ પણ ગૌરવથી કહેતા કે તે સંાદિયની નો શિષ્ય છે. રામ પણ કહેતા કે વરિષ્ઠ ગુરૂનો શિષ્ય છે. સંતો, ગુરુઓ તો પારસ મળી છે. ત્યારે સંતોના સ્પર્શથી શીષ્યનું જીવન સાર્થક થઇ જાય છે. ગુરુને ભગવાન જેવડું સ્થાન આપવામાં આવે છે. આજના અવસર ગુરુના રૂણને બીરદાવવાનો દિવસ છે. બધા ગુરુને પ્રાર્થના કરીએ કે અમે અંધકારમાંથી અજવાળા તરફ લઇજા હંમેશા સકારાત્મક વિચાર આપે.
ભાવિ શિષ્યોને ઘરે રહીને ગુરૂપૂર્ણિમા ઉજવવા અપીલ: નારાયણ સ્વરૂપાદાસજી સ્વામી
સ્વામીનારાયણ ગુરુકુળ ખીરસરાના મહંત નારાયણ સ્વરૂપદાસજી સ્વામીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ખીરસરા ગુરુકુળ ખાતે દર વર્ષે ગુરુપૂર્ણીમાંની મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષ કોરોનાની મહામારીના કારણે ગુરુપુર્ણીમાનો ઉત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે. ત્યારે મહંત નારાયણ સ્વરૂપાદાજી સ્વામિએ હરિભકતોને આ વર્ષે ગુરુપૂર્ણમાંનો મહોત્સવ ઘરે રહિને ઉજવવાની અપિલ કરી છે. હરિભકતોએ પોતાના ઘરે જ પ્રાર્થના પ્રજા કરીને ગુરુના આશિર્વાદ મેળવવા જણાવ્યું હતું. તેમજ અંતમા તેઓ દ્વારા હરીભકતોને શુભસંદેશ આપીને ગુરુપુર્ણીમાંની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુરૂના ચરણ શિષ્યના પાપને તોડવા સક્ષમ: જયનારાયણ ત્રિવેદી
દ્વારકાની દ્વારકાધિશ સંસ્કૃત એકેડમી ઇન્ડીએસ્ટીનપુર ડિરેકટર જયનારાયણ ત્રિવેદીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગુરુપુર્ણીમાં એ ગુરુમાટેની પર્વ છે. ગુરુનો મહિમાં અનંત છે. ટેકનીકલ કે બિન ટેકનીકલ શિક્ષા કોઇપણ પ્રકારની શિક્ષા ગુરુપાસેથી જ પ્રાપ્ત થાય છે. ગુરુ એટલા સામર્થય હોય છે કે તે પોતાના શિષ્યને પોતાનાથી પણ વિશિષ્ટ બનાવતા હોય છે. રામચરિત માનસનો શરૂઆતમાં જ તુલસી દાસજીએ કહ્યુ છે કે ગુરુના ચરણએ કળયુગના પાયોને તોડિ નાખે છે. ગુરુની અજીલ મહિમાં છે. ભગવાન કૃષ્ણ-રામ પણ ગુરુપાસે જઇને શિક્ષા પ્રાપ્ત કરી છે. ગુરુપૂર્ણીમાં શરૂઆત વ્યાસજીની જન્મદિવસથી થઇ છે. માટે જ ગુરુપુર્ણિમાંને વ્યાસપૂર્ણિમાં પણ કહેવામાં આવે છે.
દર વર્ષે જયાં હજારો ભકતો દર્શનાર્થે ઉમટી પડતાં હોય ત્યાં પણ આ વર્ષે સુમસામ: મહંત કેતનબાપુ
ગાધીયાધારના વાલમ રામપીરના મહંત કેતનબાપુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુૅ હતું કે વર્ષો પહેલા અહીં વાલમ રામપીરની જન્મ થયો હતો. જે સમાજ માટે સેવાના કાર્યો તેમજ સમાજ સુધારાના કાર્યો કર્યા હતા. તેઓ હંમેશા અંધશ્રઘ્ધા દુર કરવાનું કામ કરતા હતા. તેમના દ્વારા તેમણે કરેલા પરર્ચાઓને કારણે તેમને પીરની પદવી આપવામાં આવી છે. અહિં ભકતોની અવર જવર હંમેશા રહે છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે કાર્યક્રમો સઁપૂર્ણ બંધ રહ્યા છે. પોણા બસો વર્ષ પહેલા વાલમ રામબાપુનો જન્મ ગારીયાધારમાં થયો હતો. તેમના ગુરૂ ભોજલરામબાપુ હતા. દર વર્ષ અહી મોટા પ્રમાણમાં ભકતો આવતા હોય છે જે આ વર્ષ કાર્યક્રમો બંધ રાખ્યા છે.
ગુરૂ થકી શિષ્યને ભગવાન મળે છે: મહંતશ્રી પુરૂષોતમગીરી બાપુ
અબડાસા તાલુકા શરદ વિસ્તારના પિંગલેશ્ર્વર મહાદેવ મંદીર મહંતશ્રી પુરૂષોતમગીરી બાપુ એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાનો મહિમા ખુબ જ મોટો હોય છે. ગુરૂ ભકતો તેના ગુરૂને ભગવાન માને છે. સત્ય અને નીતીનો માર્ગ બતાવે એ ગુરૂ, શિષ્યો પોતાના જીવનમાં ગુરૂ થકી પ્રકાશ મેળવે છે. જીવનના માર્ગ પર કેમ નીતી મતાથી ચાલવું તેનો અભ્યાસ કરાવે છે. કોરોના ના કહેરની લીધે હાલ સૌ ગુરુ ભકતોની સલામતીની તકેદારીઓને ઘ્યાનમાં રાખી ગુરુ પૂર્ણિમા સાદગીથી ઉજવવામાં આવશે.