“ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય”
‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે.
આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરૂનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરૂ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે.
હિંદુ ધર્મઃ
હિંદુ ધર્મમાં અષાઢ સુદ પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત ઈ.સ. પૂર્વે 7મી સદીની આસપાસ થઈ હોવાની માન્યતા છે. યોગી સંપ્રદાયમાં દુનિયાના સૌપ્રથમ ગુરુ દેવોના દેવ મહાદેવને માનવામાં આવે છે કારણ કે વાયકા મુજબ દુનિયાના સર્જન માટે બ્રહ્મા અને સાવિત્રીને સમાગમનું જ્ઞાન પુરુષ અને પ્રકૃતિના મિલનના ઉદાહરણ દ્વારા તેમણે જ આપ્યુ હતું. એ સિવાય મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન પારાશર વેદવ્યાસ, કે જેઓ મહર્ષિ પારાશર વેદવ્યાસ અને એક માછીમારની પુત્રી સત્યવતીના સંતાન હતા તથા જેઓને આપણે ટૂંકમાં મહાકાવ્ય મહાભારતના લેખક તરીકે જાણીએ છીએ, એવા મુનિ વેદવ્યાસના જન્મદિન તરીકે ઊજવાય છે. હકીકતમાં વેદવ્યાસએ પોતે મહાભારત લખેલ નથી, તે તો માત્ર વક્તા હતા પરંતુ પોતાની કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે તેમણે ગણપતિને મનાવીને મહાભારત એમના હસ્તે લખાવેલ હતું. તેમની આ અદાકારીથી પ્રસન્ન થઈને ગણપતિએ તેમને પોતાના ગુરુ માન્યા અને તેમનું પૂજન કર્યું. બસ એ વખતથી ગુરુપૂર્ણિમાનો તહેવારની શરૂઆત થઈ હોવાની માન્યતા છે.
બૌદ્ધ ધર્મ :
કહેવાય છે કે આ જ દિવસે તથાગત બુદ્ધે કેવળજ્ઞાન પ્રાપત થયા પછી સારનાથ ખાતે પ્રથમ દેશના આપી હતી. આ દિવસે બૌદ્ધ સંપ્રદાય દ્વારા તેમના ધર્મગુરુઓનું પૂજન કરવામાં આવે છે. નેપાળમાં તો આ તહેવારને પ્રમુખ ઉત્સવ તરીકે જાહેર કરીને આ દિવસે જાહેર રજા આરવામાં આવે છે.
જૈન ધર્મ :
જૈન ધર્મ મુજબ, આજના દિવસથી ચોમાસાનો પ્રારંભ થાય છે. મહાવીર સ્વામી, જે જૈનોના ચોવીસમા તીર્થંકર છે. તેઓએ આ જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાનો પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને પ્રાપ્ત કર્યો હતો, જેને પાછળથી સમગ્ર દુનિયા ગૌતમસ્વામીના નામથી જાણે છે.