1 + 1 એટલે 11 થાય? ગણિત અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આ વાત 100 ટકા ખોટી પણ જ્યાં ગણિત, વિજ્ઞાનની હદ પૂરી થાય ત્યાંથી જ્ઞાનની હદ શરૂ થતી હોય છે એટલે આવા જ્ઞાનના સીમાડા પાર થાય ત્યારે 1 + 1 એટલે 11 થતાં હોય છે. આવા જ્ઞાની અને સંતની કૃપા હોય ત્યારે ગણિત, વિજ્ઞાન ખોટું સાબિત થાય છે. આજે ‘અબતક’ને 11 વર્ષ પૂર્ણ થયા છે જે સંત અને હરિકૃપાને આભારી છે.
આજથી 11 વર્ષ પહેલા પાટડી ઉદાસી આશ્રમના સંત પૂ.જગાબાપાની ઇચ્છા અને આશિર્વાદથી ‘અબતક’નું અવતરણ થયું હતું. ‘અબતક’ દોઢ વર્ષનું થયું ત્યાં જ ગુરૂદેવનો કૈલાશવાસ થયો. આજે તેઓ સદેહે આપણી વચ્ચે નથી પણ તેમની કૃપા આજે પણ ‘અબતક’ પર વરસતી રહી છે. ‘અબતક’ ન્યૂઝ પેપર પછી ‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ પણ એક છત્રછાયા તળે ધમધમે છે. અખબારી જગતમાં ‘અબતક’ પોતાની જગ્યા બનાવીને શિખર તરફ પ્રયાણ કરી રહ્યું છે. લોકસેવાનો આ યજ્ઞ હવે મહાયજ્ઞ બની ગયો છે. સંત હમેંશા સકારાત્મક અભિગમ અપનાવતા હોય છે. એમના ચિંધેલા માર્ગે જ પાટડી ઉદાસી આશ્રમ અને ‘અબતક’ ચાલી રહ્યા છે. ‘અબતક’ પૂ.જગાબાપાનો બીજો આશ્રમ છે એમ કહી શકાય.
‘પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ’ની ટેગલાઇન સાથે શરૂ થયેલું અને ઝડપભેર આગળ વધેલું ‘અબતક’ પણ સંઘર્ષમાંથી બહાર આવ્યું છે. કહેવાય છે કે સોનાને 1400 ડિગ્રી ટેમ્પરેચરમાં તપવું પડતું હોય છે એમ ‘અબતક’ને પણ આકરી કસોટીમાંથી પસાર થવું પડ્યું પણ એ બહાર આવીને 100 ટચનું સોનું પૂરવાર થયું. ‘ગુરૂકૃપા હી કેવલમ્’ જેવું સૂત્ર ‘અબતક’ને બરાબરને લાગૂ પડ્યું અને ‘અબતક’ પર સતત ગુરૂકૃપા વરસતી રહી એટલે જ માત્ર સમાચાર નહી પણ સંવેદના પ્રગટ કરતું રહ્યું. ‘અબતક’માં સ્ટાફ નહિ પણ પરિવાર કામ કરે છે. અહિ દરરોજ બપોરે પરિવાર સાથે મળીને ભોજન નહિ પણ પ્રસાદ આરોગે છે કારણ કે જેના અન્ન ભેગા એના મન ભેગા.
આજે 12માં જન્મદિવસે પૂ.જગાબાપાની કૃપા અને આશિર્વાદ ‘અબતક’ પર વરસી રહ્યા છે. પાટડી ઉદાસી આશ્રમના ગાદીપતી તરીકે હું ‘અબતક’ પરિવાર પર ઇશ્ર્વર અને ગુરૂકૃપા સદા વરસતી રહે એવી પ્રાર્થના કરૂં છું.