ખેલાડીઓને ‘સારા’ ખેલાડી બનાવી દેશે ‘આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ’
૨૧મી સદીનાં વિશ્વમાં અત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી અને ટેકનોલોજીનો અવિરભાવ વિશ્ર્વને વિસ્મયચકિત કરી રહ્યું છે પરંતુ ભારત વર્ષમાં પુરાણકાળથી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો બખુબી ઉપયોગ થતો હતો. ગુરૂ-શિષ્ય અને ખેલાડીઓની કાર્યક્ષમતાનું આંકલન અને ખેલાડીઓની શકિતનું બરોબર માપ કાઢીને તેને વધુ સારા બનાવવાની દિશામાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને ખુબ જ મોટી ઉપલબ્ધી મળી છે. હવે એક ચીપ્સ ખેલાડીઓની શકિત અને તેની ક્ષમતાનું માપ કાઢીને તેને સફળ ખેલાડી બનાવવાની દિશામાં વિજ્ઞાને ખુબ જ મહત્વની સફળતા મેળવી છે.
ભારત વર્ષના પુરાણ પ્રસિઘ્ધ કિસ્સામાં એકલવ્ય અને ગુરૂદ્રોણનો કિસ્સો જગતમાં કાયમી યાદ રહે તેવો છે જયારે ગુરૂદ્રોણે વર્ણવ્યવસ્થાના પ્રભાવમાં આવીને ભીલપુત્ર એકલવ્યને પોતાની વિદ્યાદક્ષિણા આપવાનો ઈન્કાર કરી દીધો ત્યારે શિક્ષા અને દિક્ષા પ્રાપ્તી માટેનો પ્રગાઢ પ્રકલ્પ અને આત્મવિશ્ર્વાસ ધરાવતા એકલવ્યએ એ જમાનામાં પોતાની ‘આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી’નો ઉપયોગ કરીને ગુરૂદ્રોણની પ્રતિમા સમક્ષ પોતાની મેળે પોતાની કલાને નિખાર આપીને એક વિચિક્ષણ બાણાવલી બન્યો ત્યારપછીની હકિકતમાં ગુરૂદ્રોણ અને તેમના શિષ્યો વનવિહારમાં નિકળ્યા ત્યારે તેમની આગળ ચાલી રહેલા દ્રોણના શ્ર્વાનનો ભેટો એકલવ્ય સાથે થઈ ગયો. એકલવ્ય પોતાની તિરંદાઝીની કલાનું રિયાઝ કરતો હતો તેમાં ગુરૂદ્રોણના શ્ર્વાનનાં અવાજની ખલેલ પડતા એકલવ્યએ ભસતા શ્ર્વાનના મોઢામાં એક પછી એક બાણ એવી ગોઠવી દીધા કે એક પણ લોહીનું ટસ્યું ફુટયા વિના શ્ર્વાનનો મોઢુ બાણથી ભરાઈ ગયું. પોતાની આ સ્થિતિ સાથે શ્ર્વાન સ્વામી દ્રોણ પાસે દોડયો ગયો. દ્રોણે પોતાના શ્ર્વાનનું મોઢુ બાણથી ભરેલું જોઈને વિસ્મ સાથે આઘાત અનુભવ્યો કે મારે અર્જુનને શ્રેષ્ઠ બાણાવલી બનાવવો છે અને તેનાથી નિપૂર્ણ આ કોણ છે કે જેને આ કાર્ય કર્યું. ત્યાર પછીની હકિકતમાં ગુરૂદ્રોણે એકલવ્યનો અંગુઠો માંગીને પોતાની ગુરૂદક્ષિણાની હકિકત સૌજાણે છે. ભીલકુંવર એકલવ્યએ ગુરૂ વગર પોતાની કલા નિખારવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીનો ઉપયોગ જગતને બતાવ્યો હતો હવે ખેલ જગતમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી દ્વારા હજારો એકલવ્ય ઉભા થાય તેવા સંજોગો ઉભા થયા છે.
કિંગ ઈલેવન પંજાબનાં કેપ્ટન કે.એલ.રાહુલની ટોપ બેટીંગ ફોમની ઝલક સમગ્ર વિશ્ર્વએ જોઈ તેની પાછળ ટીમના કોચ અનિલ કુંબલેની ટેકનિકલ જહેમત અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીનો પ્રભાવ જોવા મળ્યો છે. ડિજિટલ ઈજનેરોએ ક્રિકેટર અનિલ કુંબલે દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ ઈસ્પેકટેકોન ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને પાવર બેટ અને બેટની પાછળ ચીપ્સ દ્વારા સેન્સર ડેટા મેળવવાની પઘ્ધતિથી બલ્લેબાજની ક્ષમતા અને તેની ઉણપનો ડેટા મેળવીને તેમાં સુધારો કરવાની એક નવી પઘ્ધતિનો વિકાસ થયો છે.
આઈપીએલ મેચમાં ટાઈમીંગ ડેટા અને બલ્લેબાજીના કૌશલ્યો તેની ઝડપ હાથ અને શરીરની શકિત મરોડમાં સુધારો કરીને ઈસ્પેકટેકોને ઈલેવનની સફળતાથી સપ્ટેમ્બર મહિનામાં સાબિત કરી દીધું કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સથી ખેલાડીનું પ્રફોમન્સ સુધરી શકે. બેંગલોર સ્થિત ઈસ્પેકટેકોન બલ્લેબાજની આંતરીક ખુબીઓ અને ખામીઓને એકસપોસ કરીને તેના કૌશલ્યને નિખારવામાં મદદરૂપ થાય છે. અભિષેક બીનાયકયા ઈસ્પેકટેકોનના ચીફ પ્રોડકટ ઓફિસરે જણાવ્યું હતું કે, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ દ્વારા ખેલાડીની ક્ષમતા તેની ખુબીઓ અને તેમાં સુધારાનો આખો રોડ મેપ તૈયાર થાય છે અને ગલી ક્રિકેટ ખેલનારાઓને સ્ટાર બેટસમેન બનાવવાની પ્રક્રિયા સરળતાથી આગળ વધારી શકાશે.
ખેલાડીની રમતનું થ્રીડી વિઝયુઅલ એનાલીસીસથી તેના હાથ, કાંડાની શકિત, બેટનો મરોડ અને તેમાં શું-શું ક્ષમતા અને ખામીઓ રહેલી છે તેનું ચોકકસ તાગ મળી શકે છે. સીલીકોન વેલીમાં હર્ષ કિકેરી દ્વારા હોલોશુટની રચના કરવામાં આવી છે. સેન્સર આધારીત આ સાધનથી ક્રિકેટર યુવરાજસિંહ અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કોચ ગેલ ક્રિસ્ટને હોલો શુટનો ઉપયોગ કરીને ખેલાડીઓને બેટીંગ અને બોલીંગની પ્રેકટીસ આપવાનો નવો અઘ્યાય શરૂ કર્યો છે. મોટાભાગના ખેલાડીઓ એક જ રીતે રમતા હોય છે. હોલોશુટની આ ચીપ્સ દ્વારા ખેલાડીઓની રમતનું વિઝયુલાઈઝેશન આંકલન કરીને ખેલાડીઓની ક્ષમતા વધુ કેવી રીતે સુધરે તેની તૈયારી માટે મદદરૂપ થાય છે. આર્ટીફીશીયલ એન્જીન ખેલાડીની ક્ષમતાનું પુરેપુરુ આંકલન કરી દે છે.
સામાન્ય રીતે વ્યવસાયિક ધોરણે રમત રમતા ખેલાડીઓને આ ચીપ્સની મદદથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ બનાવી શકાય છે. સ્પોર્ટસ ટેકનોલોજી અને ખેલાડીઓની ક્ષમતાની મોબાઈલ એપ્લીકેશન અને ટેકનોલોજી અનેક ઉભરતા ખેલાડીઓને વિરાટરૂપ આપી શકશે. દિલ્હીની સ્પોર્ટસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ ક્રિડા એ.આઈ. દ્વારા બનાવવામાં આવેલી ચીપ્સ ખેલાડીઓની તમામ પ્રકારની ઉપલબ્ધીઓનું ખરું આંકલન કરી શકે છે. દાખલા તરીકે બેટસમેન સ્કવેર ડ્રાઈવ કેવી રીતે કરે છે. ખેલાડીને તેના શરીર પાસેથી કેવી રીતે કામ લેવાનું હોય છે. ૪૫ ડિગ્રીનું અંગમરોડ આપીને ૩૦ ડિગ્રી સુધી બેટને ઘુમાવીને સારો શોર્ટ લઈ શકાય છે. હવે આ ખેલાડીને નિશ્ર્ચિત રીતે પોતાનો શોર્ટ મારવા માટે કેટલા અંશના ખુણે હાથને વાળવા, શરીરને વળાંક આપવો જરૂરી છે તેમાં કેટલું બાકી રહે છે તેની પુરેપુરી વિગતો મળે છે. ક્રિડા એ.આઈ.ના સૌરભ કઠુરીયાએ જણાવ્યું હતું કે, આ ચીપ્સથી આપણે દેશમાં દુર્ગમ વિસ્તારોમાં જઈને આંતરમાળખાકિય સુવિધા વગરના વિસ્તારોમાં જેવી રીતે ફોન દ્વારા પહોંચી જઈએ છીએ આજ રીતે આપણે ચીપ્સને કોચ તરીકે ઉપયોગ કરીને સારા ખેલાડીઓને શોધી શકીશું. ખેલાડીઓને સારા ખેલાડીઓ બનાવવા માટે હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી એકલવ્યના ગુરૂદ્રોણની ભૂમિકા ભજવશે.