ઘ્યેયલક્ષી, અર્થસભર, પ્રેરણાભરી સમજની ઝલક

બે ઘડીની (૪૮ મીનીટની) સામાયિકનું મહત્વ શું?

માળા, જપ, પૂજા, પાઠ, સ્વાઘ્યાયનું મહત્વ શું?

મારા પરમ પૂજય ગુરૂદેવ નરેન્દ્ર મુનિ કહેતા કે આ એક કલાકની સાધના એ આપણને બાકીના ર૩ કલાકમાં કેવી રીતે જીવવું એ શીખવાડી જાય છે. એ એક કલાકની સાધનાની અસર જો બાકીના ત્રેવીશ કલાક સુધી ન રહે તો, એ એક કલાકની સાધનાની કોઇ કિંમત નથી. એ ફકત અજ્ઞાન ક્રિયા છે. આઘ્યાત્મિક (ધાર્મિક) જીવન અને વ્યવહારિક જીવન એ બન્નેને જુદા માનવા એ અજ્ઞાનતા છે. બન્નેને જુદા માનવા એ એક દ્વંદ છે, લડાઇ છે અને એ લડાઇ, માનવીને સુખ અને શાંતિ લેવા દેતી નથી.

ગુરૂદેવ હંમેશા કહેતા કે મર્યા પછી માણસ સ્વર્ગમાં જાય એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તે જયાં જાય ત્યાં સ્વર્ગ જેવું, ધર્મમય વાતાવરણ ઊભું થાય.

ગુરૂદેવ કોણ હતાં?

તો આ પરમ  ગુરૂદેવ નરેન્દ્રમુનિ કોણ હતા? એમના જીવનના સિઘ્ધાંતો શું હતા? મારો એમની સાથેની પરિચય શું હતો? જીવનમાં મહત્વ શેનું છે, ધર્મનું કે ધર્મમય જીવનનું? તે અંગે આ લેખમાં મારા ભાવ, મારી લાગણી વિનમ્રતાથી વ્યકત કરૂ છું.

આજે, મારા પરમ  ગુરૂદેવ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના નાયક ગાદીપતિ બા.બ્ર.પૂ. નરેન્દ્રમુનિ મહારાજશ્રીને દેહ છોડયાને મહારાજશ્રીને દેહ છોડયાને, દેવલોક પ્રયાણ કર્યાને દશ વર્ષ પૂરા થવાના છે (જુલાઇ ર૪, ૨૦૧૦) ત્યારે આ ઉપકારી ગુરુ માટે હું મારા ભાવ વ્યકત કરવા માંગું છું.  એમના ચારિત્રની મારી સમજણ મુજબ થોડીક ઝલક આપવા માંગું છું. એમના સિઘ્ધાંતો તથા સાધનાની થોડીક વાતો કરવા માંગુ છું અને એ ગુરૂતત્ત્વ આપણા જીવનને પરમતત્વ તરફ કેવી રીતે લઇ જાય એવો નાનો પ્રયાસ કરવા માંગું છું.

ગુરૂદેવ નરેન્દ્રમુનિ ગોંડલ સંપ્રદાયના પંડિતરત્ન પૂ. બેચરજી સ્વામીની પરંપરાના સુશિષ્ય હતા. આ પૂ. બેચરજી સ્વામી એટલે એ જ કે જેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વિલાયત ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દુર રહેવાની ત્રણ પ્રતિજ્ઞા આપેલ,  ગુરૂદેવ નરેન્દ્રમુનિ શ્રીમદ્દ રાજચંદ્રના સંસાર પક્ષે માસિયાઇ ભાઇ હતા.

આજીવન ઉત્કૃષ્ટ ચારિત્રમાં રહીને આત્મા સાધનામાં કયારેય પણ એમણે શરીરની અનુકૂળતાનો મોહ રાખ્યો હતો.

ગુરૂદેવ નરેન્દ્રમુનિએ આજથી ૪૬ વર્ષ પૂર્વે (ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની હતી) મારી આંગણી પકડી મને આ જીવનમાં ચાલતા શીખવાડયું અમારો સંબંધ લગભગ ૩૬ વર્ષ રહ્યો અને ત્યારબાદ મને પૂ.મા. સ્વામી જય-વિજયાજીને સોંપતા ગયા.

ગુરૂદેવની ઝલક

ગુરૂ ઉપર સંપૂર્ણપણે નિર્ભર રહેનાર એવા મારા વ્યકિતત્વમાંથી જયારે મા-સ્વામીએ વિદાય લીધી (ડિસેમ્બર ૧૫,૨૦૧૭) ત્યારે ગુરૂ અને ગુરૂત્વની એક ઝલકની અનુભુતિ મારા જીવનમાં આવી. આજે આ દેવ- ગુરૂ- ધર્મની થોડીક વાતો મારા  ગુરૂદેવની દશમી પુણ્યતિથિએ ભાવભરી ભાવાંજલી રૂપે કરવી છે.

“તું તારા ભાવમાં રહે: એને એના ભાવમાં રહેવા દે, એને કારણે તું, તારા ભાવ ન બગાડ

આવું  ઘ્યેયલક્ષી, અર્થસભર અને પ્રેરણાભર્યુ અંતિમ સૂત્ર આપનાર એ ગુરૂભગવંત સાથે ગાળેલ સમય દરમ્યાન મળેલ, સમજેલ અનુભવ  અનુભુતિને મારા શબ્દોમાં મૂકવાની કોશિક કરું છું.

૧. જીવન જીવવાની કળા

ધર્મ એટલે જીવન જીવવાની કળા, હરસમય, હરપળ સુખ, શાંતિ અને આનંદમય જીવવું એ જ સ્વર્ગ છે. એ જ મોક્ષ છે.

ધર્મનું મહત્વ નથી. ધર્મમય જીવનનું મહત્વ છે ધર્મ ગોખીને કરી શકાય, ધર્મ ક્રિયાથી કરી શકાય પરંતુ ધર્મમય જીવન આ ધર્મનાં આદશોને જીવનમાં ઉતારીને જ કરી શકાય. મોક્ષમાર્ગ કોઇ પરલૌકિક નથી. પરંતુ વર્તમાન જીવનમાં જેટલી શાંતિ, જેટલો આનંદ અને જેટલું ચૈતન્ય સ્ફુરિત થાય છે એ જ મોક્ષ છે. જીવનની સહજતા એ મોક્ષ છે. ઇન્દ્રિયો અને મનનું વશીકરણએ મોક્ષ છે.

ર. ધર્મનું અંતિમ ચરણ

ધર્મ એટલે પાપ અને પુણ્ય  નથી. પાપ એ ડરાવવાનું પગથિયું છે અને પુણ્ય એ પ્રલોભનનું  નરકનું દુ:ખ અને સ્વર્ગનું સુખ, દુગતિનો ભય અને સદ્દગતિની લાલચ, આ બધું શરૂઆતમાં જરૂરી છે. પરંતુ ધર્મનું અંતિમ ચરણ એટલે ડર અને પ્રલોભન વગરનું જીવન જયાં ડર અને લોભ હોય, ત્યાં સુખ, આનંદ અને શાંતિ ન હોય, ધર્મ એટલે ચિત્તની પ્રસન્નતા નિર્ભયતા અને નિર્દોષતા

૩. દાન-તપ- શીલ

દાન- તપ- શલલ એ આપણા જીવનમાં ભાવ પરિવર્તીત કરે છે. પૈસા, પદાર્થ અને અંતે શરીરનો- દેહનો મોહ ઓછો કરી, અંતે તેને નષ્ટ કરે છે. અને અંતે એ ત્યાગના ત્યાગનો અહંકાર પણ દૂર કરે છે. શરૂઆતમાં સાધના કરવી પડે, સ્વભાવ પરિવર્તન કરવો પડે, પરંતુ પછી એ સહજ સ્વભાવ બની જાય.

૪. જ્ઞાનની સાચી સમજણ

સમ્યકજ્ઞાન એટલે સાચી સમજણ જે પોતાના અનુભવે અનુભૂતિ મારફતે નાભિ દ્વારા ઉદ્દભવે છે. પોતાનું જાતે અનુભવેલું જ્ઞાન હોવાથી આપણી શ્રઘ્ધા એમાં પૂર્ણપણે હોય છે. આ છે સમ્યદર્શન અને આને આચરણમાં જાગૃતપણે/ સજાગપણે લાવવું એટલે સમ્યકચારિત્ર, આ પ્રમાણે જીવન જીવવાથી આપણા ભાવ પરિવર્તીત થવા લાગે છે. આપણું જીવન સંપૂર્ણપણે સમ્યકભાવમય બની જાય છે. શુઘ્ધતા, નિર્મળતા આપણો સ્વભાવ બની જાય છે.

પ. ધર્મ-દર્શનનો સાર

ધર્મનું અંતિમચરણ એટલે જ્ઞાતાભાવ, દૃષ્ટાભાવ, સહજભાવ, સમતાભાવ, સમભાવ,  ગમા-અણગમાનો અભાવ, પ્રિય-અપ્રિયભાવની સમાપ્તિ, સાક્ષીભાવ વગેરે વગેરે ધર્મનું અંચિમચરણ એટલે પરિસ્થિતિનો સ્વીકારભાવ ધર્મનું અંતિમચરણ એટલે ના અહં, ના નમ: સમગ્ર ધર્મ અને દર્શનનો સાર આ સૂત્રમાં આવી જાય છે.

૬. સમાધિ જીવન

પુનર્જન્મ છે કે નહીં એ આપણે જાણતા નથી. દેવલોક, સ્વર્ગ, નર્ક અને મોક્ષ જોઇને કોઇ પાછું આવેલ નથી. પરંતુ સ્વભાવ શુઘ્ધિ, અંતરની ઉદારતા, હ્રદયની વિશાળતા અને શુઘ્ધ ચારિત્ર એ આજે અને અત્યારે જ દેવલોક, સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે એમ છે. આપણી પોતાની સુખ-શાંતિની અનુભૂતિ એ જ એની સત્યતાનું પ્રમાણ છે. ગુરૂદેવ કહેતા સમાધિ મૃત્યુ નહી, સમાધિ જીવન જીવતા શીખ સમાધિમય જીવનની પ્રેરણા અને સમજ આપનાર ગુરૂદેવે સમાધિમય જીવન જીવીને સહજતાથી પ્રભુઘ્યાનમાં હાથમાં માળા સાથે પ્રતિક્રમણમાં સ્વૈચ્છાએ દેહ ત્યાગ કરી દીધો હતો.

૭. અંતરાત્માનો અવાજ

આ દૂનિયામાં અંતરાત્માનો અવાજ અને દ્રષ્ટિનો ઉઘાડ જે ક્રોધને કરૂણામાં માનને નમ્રતામાં માયાને ઋજુતામાં અને લોભને ઉદારતામાં ફેરવી નાખે છે. તે જ સાચું જીવન છે. તે જ સાચો ધર્મ છે. તે જ સાચી માનવતા છે.

ગુરુદેવ હંમેશા કહેતા આ સમગ્ર બ્રહ્માંડમાં કોઇપણ જીવને,, પ્રાણીને તું તારા જેવો બન એમ કહેવું નથી પડતું, આપણે વાંદરાને, તું વાંદરો બન એમ કહેતા નથી. તે તેના મુળ સ્વભાવમાં જ રહે છે એક મનુષ્ય જ એવું પ્રાણી છે જેને કહેવું પડે છે કે ‘હે મનુષ્ય, તું માનવ બન’

આવું ધર્મમય જીવન જીવનાર અને આવા ધર્મમય જીવનની સમજ અને પ્રેરણા આપનારા મારા ગુરુદેવ પ.પૂ. શ્રી નરેન્દ્રમુનિને એમની દશમી પુણ્યતિથિએ ભાવભરી ભાવાંજલી આપી લાખ લાખ વંદન કરી એમના બતાવેલ માર્ગ પર ચાલીએ એ જ અભ્યર્થના.

દશમી પુણ્યતિથિએ કૃતજ્ઞ ભાવે ભાવાંજલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.