શ્રી વિરાણી પૌષધશાળા સ્થાનકવાસી જૈન મોટા સંઘ-રાજકોટના આંગણે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધનાનું આયોજન રવિવારે
અનેક અનેક આત્માઓ જેમના નાભિના નાદથી પ્રગટતાં પરમાત્મા પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ સ્તુતિ સ્વરૂપ મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનું શ્રવણ કરીને તન-મન અને જીવનને શાંત, સ્વસ્થ અને સમાધિમય બનાવી રહ્યા છે એવા સિદ્ધિના સાધક રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી આ અદ્ભૂત સ્તોત્રની જપ સાધનાનું આયોજન શ્રી વિરાણી પૌષધશાળાના આંગણે કરવામાં આવ્યું છે.
ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી ચેતનમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબ તેમજ પૂજ્ય શ્રી પવિત્રમુનિ મહારાજ સાહેબ આદિ છ સંતોની સાથે પૂજ્ય શ્રી ભદ્રાબાઇ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી વિરમતીબાઈ મહાસતીજી આદિ, ડૉ. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ ઠાણા મળીને 41 સંત-સતીજીઓ રવિવાર તા.10 06 2018 સવારના 6:30 કલાકે ધર્મ વત્સલ શ્રી નટુભાઈ શેઠના એ.એન. એસ પ્રા. લી.,અર્હમ ફાયનાન્શીયલ સેન્ટર, સ્ટાર ચેમ્બર્સ સામે, હરીહર ચોક, પંચનાથ મેઈન રોડ, રાજકોટથી વિહાર કરીને 7:15 કલાકે શ્રી વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ, કોઠારીયા નાકા, રાજકોટ ખાતેપધારશે.7:15 કલાકે રાષ્ટ્રસંત પૂજ્ય શ્રીના શ્રી મુખેથી શ્રી ઉવસગ્ગહરં જપ સાધના કરાવ્યાં બાદ 7:45 થી 8:30 કલાક દરમ્યાન રાષ્ટ્રસંત પૂજ્ય શ્રીના શ્રી મુખેથી મૌલિક શૈલી અને મધુર વાણીમાં ‘આર્થિક અને આધ્યાત્મિક સમૃદ્ધિના કારણો’ આ વિષય પર મનનીય પ્રવચન ફરમાવવામાં આવશે. પ્રવચન બાદ ભાવિકોમાટે ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રસંત પૂજ્ય શ્રીની દીક્ષાભૂમિ, પૂજ્ય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબની વડી દીક્ષાભૂમિ અને અનેક અનેક આત્માઓએ જે ભૂમિ પાવન પવિત્ર બનાવી છે એવા શ્રી વિરાણી પૌષધશાળા આંગણે તન-મનને સ્વસ્થ કરનારી અને આત્મિક ઉન્નતિ કરાવનારી આ પ્રભાવક જપ સાધનામાં સહુ ભાવિકોએ શ્વેત વસ્ત્ર પરિધાન કરીને આવવાનું રહેશે એમ સંઘપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.