ધ્યાન મૂલમ ગુરૂ મૂર્તિ, પૂજા મૂલમ ગુરૂપદમ, મંત્ર મૂલમ ગુરૂવાકયમ, મોક્ષ મુલમ ગુરૂકૃપા
જ્ઞાનના પ્રકાશના દર્શન કરાવનાર ગુરૂના પૂજન માટે દિવસ એટલે ગૂરૂ પૂર્ણિમા
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું અનિરુ મહત્વ છે, ગુરુનો હાથ પકડીને સાધક પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આનંદની અનુભૂતિ કરે છે, આજે માણસના માટે અંદર સ્થિત અદભુત શક્તિ ઉપર વિશ્વાસ કરવો આજે કઠણ છે, પણ કોઈ એવી વસ્તુ પર વિશ્વાસ કરવો કઠણ નથી હોતો કે જે તેની અંદર રહીને પણ બહાર જ છે, તે પ્રત્યક્ષ હોય છે, જે તેનાથી અલગ હોય છે, એનું મિલન ગુરૂ કરાવે છે. તેથી તો કહેવાય ગુરુએ બ્રહ્માં છે, વિષ્ણુ છે અને મહેશ છે અને ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ છે.
આજના દિવસે ગુરુને નમસ્કાર કરવાનો દિવસ. આજે શિષ્યને તૈયાર ગુરુ કરે છે અને તેને એક આકાર આપવાનું કામ ગુરુ જ કરે છે. માણસમાં રહેલી નીપુણતા બહાર કાઢી આપે તેનું નામ ગુરુ. ગુરુનો અર્થ થાય છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવું. જે ગુરુ પોતાના શિષ્યોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. તેમજ શિષ્યના જીવનમાં ગંદા વિચારોને અને કૃત્યોને સ્વચ્છ કરનાર તે ગુરુ છે.
યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરુ ભક્તિની દેવો માટે જેવી આવશ્યકતા છે, તેવી જ આવશ્યકતા ગુરુ માટે હોવી જોઈએ. તેના દ્વારા જ્ઞાન અને શિક્ષા પ્રાપ્તિ થાય તે ગુરુ છે. ગુરુનું કાર્ય અત્યંત પવિત્ર અને પ્રશંસનીય છે. તે ગુરુ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ દેખાડે છે. ગુરુ હૃદયના વિકારોને દૂર કરી અંત:કરણથી સ્વચ્છ કરીને દર્પણ બનાવે છે. ગુરુ હૃદયના વિકારને દૂર કરી તેને પણ દર્પણ બનાવી દેશે પણ તેના ચરણ નખોથી જે જ્યોતિ નીકળે છે. તે અમારા હૃદયને પ્રકાશિત કરે છે, પણ તે માટે ગુરુકૃપા આવશ્યક છે.
આજે માણસમાં વિવેક લાવવા માટે ગુરુએ મહત્વ મહત્વનું ઉત્તેજક સાધન છે. સત વિવેક અને સત બુદ્ધિ જાગૃત કરવા ગુરુની જરૂર માણસને પડે છે. ગુરુકૃપાથી માણસને સંસાર સમુદ્ર પાર કરી વિવિધ તાપોથી છૂટીને પરમાનંદની પ્રાપ્તિ ગુરુ થકી થાય છે. ગુરુ હમેશા ભારે હોવો જોઈએ, પણ તે શરીરથી નહીં પણ જીવન વ્યવહારથી ભારે હોવો જોઈએ. આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ જીવનમાં આવતા વંટોળમાં ઉડી ન જાય તેવો હોવો જોઈએ, પછી તે વંટોળ કંચનનો હોય કે કામિનીનો હોય કે કીર્તિનો હોય પણ ગુરુને તે અસર કરી શકતો નથી. જીવનના આકરા પ્રવાહો વચ્ચે પણ જે સ્થિર ઉભો રહી શકે તે ગુરુ છે અને પોતાના શિષ્યોને ઉભો રાખી શકે તે મહાન ગુરુ છે. ગુરુમાં મધુર ભાવ છે, તે ભાવનામાં કૃતજ્ઞતા હતી આ વિશ્વમાં હું એકલો નથી, મારી સાથે કોઈ છે, મારું પણ કોઈ છે, તેની સ્નેહાળ અનુભૂતી ગુરુ આપે છે.
જ્ઞાનના પ્રકાશના દર્શન કરાવનાર ગુરુના પૂજન માટે ભારતીય સંસ્કૃતિ એ આ દિવસ નક્કી કર્યો તે દિવસ એટલે અષાઢી પૂર્ણિમા તેને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આ ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
આજે વર્તમાનકાળમાં ગુરુ શિષ્યના સંબંધ રહ્યા નથી. વિદ્યાર્થીઓમાં કૃતજ્ઞતાનો અભાવ જોવા મળે છે. આજે વિધાર્થી એ મર્યાદા મૂકીને ગુરુનું અપમાન કરે છે, તેમ ગુરુમાં પણ તેના શિષ્યના જીવન ઊંચું લઇ જવાનો વિચાર નથી. પહેલાના સમયમાં ગુરુ શિષ્યના આજીવન સંબંધ રહેતા, જે આજે જોવા મળતા નથી. સંત કબીરે કહ્યું છે કે ગુરુ કુંભાર છે અને શિષ્ય ઘડો છે, કુંભાર ઘડો ઘડતી વખતે નીચે હાથ રાખી ઠપકારે છે, તેમ ગુરુ પણ શિષ્યને તેની ભૂલો દેખાડવા ઠપકાર છે, મહર્ષિ વેદ વ્યાસ જે આપેલો જ્ઞાનની સ્મૃતિમાં તેમનું કૃતજ્ઞતાનું પૂજન કરવાનો દિવસ છે, તેને આપણે વ્યાસપૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ.
ટૂંકમાં ગુરુ ભક્તિ, ગુરૂ પૂજન એ જ્ઞાન પૂજન છે. જ્ઞાન ભક્તિ છે, એટલે સત્યનું પુજન છે, ગુરુ રહેલા જ્ઞાનનું પૂજન છે, ગુરુ પૂજન એટલે ગુરુએ પ્રાપ્ત કરેલી દિવ્ય અનુભૂતિનું પૂજન છે. જ્યાં સુધી માનવીને જ્ઞાનની ભૂખ છે, જ્ઞાન માટે આદર છે ત્યાં સુધી ગુરુભક્તિ અને ગુરુ પૂજા ટકી રહેશે એટલે તો કહેવામાં આવ્યું છે, કૃષ્ણમ વંદે જગતગુરુ. ભગવાન શ્રીકૃષ્ણ આખા જગતના ગુરુ છે. જીવનમાં પ્રેયસ અને શ્રેયસ એમ બે પ્રકારની વિદ્યાઓ છે, જેનાથી જીવનના ભૌતિક પદાર્થની પ્રાપ્તિ થાય તે શ્રેયસ છે અને જે વિદ્યા એટલે કે કલ્યાણની પ્રાપ્તિ થાય આત્મા છે તેનો અહેસાસ થાય તે શ્રેયસ વિદ્યા છે, જે ગુરુ પાસેથી મળે છે, જેનાથી જીવન સુંદર નિર્દોષ અને પવિત્ર બનાવે છે.
આજે વિદ્યાગુરુ પાસેથી માણસ જ્ઞાન અને શિક્ષણ મેળવે છે અને ધર્મગુરુ પાસેથી માણસને ધર્મકાર્યમાં દીક્ષા આપે છે. ગુરુ મંત્ર દીક્ષા આપે છે. ગુરુએ કામ ક્રોધના વિષયોને નિર્મળ કરવાનો મંત્ર આપ્યો. જે ગુરુએ માસમાટીના, વાસણના વિકારના આ પૂતળાને આકાર આપી ચિરંતન સુખ અને શાંતિનો માર્ગ દાખવ્યો છે. માનવ થઈ પશુતુલ્ય જીવન જીવતા માણસને નારાયણ થવાનો પથ દાખવ્યો છે. નરમાંથી નારાયણ બનાવવાનું કામ ગુરુએ કર્યું. જેમણે માતાની જેમ હાથ પકડી સંસારના માયાજાળના ગાઢ જંગલમાંથી બહાર કાઢી જીવનના રાજપથ પર મૂક્યો. એટલું જ નહીં જે જીવને શિવનું દર્શન કરાયું, જે આત્માને પરમાત્માનું દર્શન કર્યું તે ગુરુ છે. જે પ્રભુ સમિપ લઈ ગયો તે ગુરૂનું પૂજન નહીં કરવાનું તો બીજા કોનું કરવાનું ? તેને ભગવાન તો નહીં ગણવાના તો બીજા કોને ગણવાના ? તેથી આજનો આ પવિત્ર દિવસ ગુરુ પૂજન કરવાનો દિવસ છે.