મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મદિવસ એટ્લે ગુરુ પૂર્ણિમા. તેમણે એક વેદમાંથી ચાર વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. ચાર વેદોની રચના કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) તરીકે ઉજવે છે.
ગુરુ એટલ ?
गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते |
अन्धकार निरोधत्वात गुरुरित्यभीधियते ||
‘ગુ’ એટલે અંધકાર.‘રુ’ એટલે તેજ. સર્વત્ર ફેલાયેલા અંધકારમાંથી જે તેજને ઉલેચે છે તે ગુરુ. અંધકારને દૂર કરે તે ગુરુ. આ થયો શ્લોકનો શબ્દશઃ અર્થ.
ગુરુ પૂર્ણિમા પર અન્ય બે ઘટનાઓ પણ જોડાયેલી છે. ભગવાન શંકરને ગુરુ તરીકે પૂજવામાં આવે છે, પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શંકરે તેમના સાત અનુયાયીઓને યોગ અને અનેક પ્રકારની વિધ્યા અને જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો બીજી તરફ બૌદ્ધ ધર્મની પોતાની માન્યતા છે કે આવા ભગવાન બુદ્ધને બોધ ગયામાં બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેથી જ તેમના સન્માન તરીકે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર, પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણ, કર્ણના ગુરુ ભગવાન પરશુરામ, દેવોના ગુરુ બૃહસ્પતિ, દાનવોના ગુરુ શુક્રાચાર્ય, સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ… એક એકથી ચઢિયાતા ગુરુની વાત ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ગુરુ માત્ર પુરાણો-શાસ્ત્રો અને આધ્યાત્મિક રીતે જ હોય એવું નથી અન્ય ક્ષેત્રોમાં પણ કઈકને કઈક શીખવનાર હોય જ છે. રમતગમતની વાત કરો તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકર, બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના ગુરુ અન્નપૂર્ણા દેવી, પંડિત ભીમસેન જોશીના ગુરુ સવાઇ ગંધર્વ, છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, મીરાંના ગુરુ રવિદાસ. ગુરુ દત્તાત્રયે કાગડા કૂતરા સહિત ચોવીસ ગુરુ કરેલ એટ્લે કે જેમના માથી કઈ શીખવા મળે એને ગુરુ કહી શકાય.
પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે પણ ગુરૂ શિષ્યના આ રીતના સંબંધ જોવા મળે છે.