- શબદ કિર્તન, લંગર પ્રસાદ અને ભોગ સાહેબ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો
- ગુરૂ દ્વારા, ગુરૂ મંદિરોને રોશનીથી શણગારાયા
આજે કાર્તિકી પૂર્ણિમા ઉપરાંત ગુરૂનાનક જયંતિની શહેરના શિખબંધુઓ અને સિંધી બિરાદરો દ્વારા શબદ કિર્તન, ભોગ સાહેબ અને લંગર પ્રસાદ સાથે ધામધૂમથી ઉજવણી શહેરના અલગ-અલગ ગુરૂદ્વારાઓ તેમજ ગુરૂમંદિરો ખાતે થઇ રહી છે. આ ઉજવણી રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ સાથે પૂરી થશે. ગાયકવાડી વિસ્તારમાં આવેલા ગુરૂમંદિર ખાતે ઉત્સવ વિશે માહિતી આપતા ઘનશ્યામભાઇએ જણાવ્યું હતું કે ગાયકવાડી ગુરૂમંદિરે આજે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ છે. સવારે 11 વાગ્યે ભોગ સાહેબ, બપોરે 1 વાગ્યે લંગર પ્રસાદ, સાંજે 6 વાગ્યે ગુરૂનાનક જન્મોત્સવ અને રાત્રે 12 વાગ્યે પણ ભજન, કિર્તન સાથે જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. પરસાણાનગર વિસ્તારમાં આવેલા ગુરૂનાનક મંદિરે પણ સવારે 4 થી રાત્રે 8 સુધી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. સ્વ.શ્રીમહંત શરણદાસ (કુંદનદાસ)શીતલદાસ ઉદાસી ગુરૂનાનક મંદિર, બાબા તુલસીદાસધામ ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.
રાજકોટમાં જંક્શન પ્લોટ પોપટપરા નાલા સામે આવેલા ગુરૂદ્વારા ખાતે પણ ગઇકાલથી જ ઉત્સવની તડામાર તૈયારી ચાલુ થઇ ગઇ હતી. આજે સવારથી દર્શનાર્થીઓની ભીડ થઇ ગઇ હતી. આ ઉપરાંત રેસકોર્ષ પાસે, ગાયકવાડી, પરસાણાનગર સહિતના ગુરૂમંદિરોને પણ આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે.
રાજકોટમાં આશરે સાડા ત્રણ હજાર શિખ પરિવાર
રાજકોટમાં અલગ-અલગ સાતેક સ્થળે ગુરૂમંદિર અને ગુરૂદ્વારા આવેલા છે. જંક્શન પ્લોટમાં પોપટપરા નાલા સામે આવેલા ગુરૂદ્વારામાં શહેરના મોટાભાગના શિખ પરિવારો વિવિધ પ્રસંગે દર્શન કરવા આવતા હોય છે. રેસકોર્ષ ગુરૂદ્વારાના કબીરસિંહે જણાવ્યું હતું કે રાજકોટમાં અંદાજે સાડા ત્રણ હજાર જેટલા શિખ પરિવાર રહે છે.