ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ હતા. તેમનો જન્મ 1469માં કારતક પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી, દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે .
ગુરુ નાનક જયંતિની ઉજવણી પૂર્ણમાશી દિવસ અથવા પૂર્ણિમાના દિવસના બે દિવસ પહેલા શરૂ થાય છે. તેમાં અખંડ પાઠ, નગર કીર્તન વગેરે ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે. ગુરુ નાનક જયંતિના દિવસે દેશભરના ગુરુદ્વારા સજાવવામાં આવે છે.
જન્મ
હાલના પાકિસ્તાનમાં આવેલાં લાહોરથી અંદાજે 65 કિલો મીટર દૂર આવેલાં એક નાનકડા ગામમાં 8 નવેમ્બર 1469 ના દિવસે એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ નાનક રાખવામાં આવ્યું હતું. નાનક બાળપણથી જ અલગ સ્વભાવના હતા. એવું માનવામાં આવે છે કે ભગવાને નાનકને પહેલાંથી જ બીજા કરતા કંઈક અલગ અને માનવ સમુદાયનું ભલુ કરવાની પ્રેરણા આપી હતી.
નાનપણથી જ નાનકને ધર્મ અને ભક્તિભાવનો રંગ લાગ્યો હતો. નાનકનો નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ વધારે ઝોક હતો. તેઓ નાના હતા ત્યારથી જ તેમને ભજન-કિર્તન, સત્સંગ અને પાઠ આ બધું ગમતું હતું. તેઓ પહેલાંથી જ ઈશ્વરની આરાધનામાં લીન હતાં. તેમને સંસારમાં સૌ કોઈનું ભલુ થાય તેવું કઈ રીતે કરી શકાય એ જ વાત હંમેશા યાદ આવતી હતી.
માત્ર 8 વર્ષની ઉંમરે ભગવાન ગુરુ નાનકે ભણવાનું છોડીને આધ્યાત્મિકતાનો પથ પકડ્યો હતો. તેઓ હંમેશાથી સત્સંગ, ચિંતન અને કિર્તનના કામમાં વ્યસ્ત રહેતા હતાં. તેઓ જ્યારે 30 વર્ષની વયના થયા ત્યાં સુધીમાં તેઓ એક આધ્યાત્મિક ગુરુ તરીકે પરિપક્વ થઈ ગયા હતાં. તેમણે ધર્મ અને આધ્યાત્મિકતાનું ખુબ જ જીણવટ ભર્યું જ્ઞાન લીધું હતું.
તેને પ્રકાશ પર્વ શા માટે કહેવામાં આવે છે?
ગુરુ નાનકજીએ પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું હતું. તેમણે જાતિવાદ નાબૂદ કરવા અને લોકોને એકતામાં બાંધવા માટે ઉપદેશો આપ્યા હતા. નાનકજીએ સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું હતું, તેથી જ ગુરુ નાનક જયંતિને પ્રકાશના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.
એટલું જ નહીં ગુરુ નાનક પહેલાંથી જ સત્યના સમર્થક હતાં. પહેલાંથી જ તેઓ સત્યના ઉપદેશ આપતા હતાં. તે પહેલાંથી જ અંધશ્રદ્ધાના વિરોધી હતાં. તેમને કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવતા લોકોથી પણ નફરત હતી. તેઓ કહેતા હતા કે ધર્મ કોઈપણ હોય પણ દરેકનો કોઈ એક ઈશ્વર છે. કોઈ એક જ શક્તિ છે જે દુનિયાને ચલાવે છે. તેઓ હંમેશા દેખાડાથી દૂર રહેતા હતાં. ધર્મના નામે ચાલતા પાખંડના તેઓ વિરોધી હતાં.
નાનક પ્રકૃતિમાં જ ભગવાનને શોધતા હતા. તેમણે કહ્યું કે ચિંતન દ્વારા જ વ્યક્તિ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકે છે. તેમના લગ્ન 1496 માં થયા હતા. તેમનો એક પરિવાર પણ હતો. નાનકે તેમની આધ્યાત્મિક યાત્રા ભારત, તિબેટ અને અરેબિયાથી શરૂ કરી જે 30 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન નાનકે ઘણો અભ્યાસ કર્યો અને શિક્ષિત લોકો સાથે ચર્ચા પણ કરી. આ સમય દરમિયાન નાનકે શીખ ધર્મના માર્ગને આકાર આપ્યો અને સારા જીવન માટે આધ્યાત્મને સ્થાપિત કર્યું. ગુરુ નાનકે તેમના જીવનનો અંતિમ સમય પંજાબના કરતારપુરમાં વિતાવ્યો હતો.