બ્રિટિશ સરકારના મંત્રી અને સાંસદના હસ્તે અપાયું સન્માન પત્ર : સરગમ ક્લબના શુભેચ્છકો માટે ગૌરવની ઘડી
મનમાં માત્ર નિ:સ્વાર્થ સેવાની ભાવના હોય તો આ સેવાની સુવાસને કોઈ સીમાડા નડતા નથી એ વધુ એક વખત સાબિત થયું છે.
જાણીતી સામાજિક સંસ્થા સરગમ ક્લબની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને લંડન ખાતે બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે બ્રિટિશ સરકારના મંત્રી અને સાંસદ દ્વારા ગુણવંતભાઈ ડેલાવાળાનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે હાઉસ ઓફ કોમન્સમાં લંડનના અનેક પ્રબુદ્ધ નાગરિકો,સંતો-મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુણવંતભાઈ ડેલાવાળાને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે તેમણે કરેલા સેવા કાર્યોની નોંધ લેવામાં આવી હતી.ગુણવંતભાઈનું જયારે સન્માન કરવામાં આવ્યું ત્યારે કમિટી રૂમ તાળીના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન લંડન સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર અને હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા કરવામાં આવ્યું હતુંમ ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ હતો અને એ નિમિત્તે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત અને બ્રિટનના સેવાભાવી લોકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજકોટમાંથી સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનું સન્માન બ્રિટિશ સરકારના રિલિજીયન મિનિસ્ટર રાજ રાજેશ્વર ગુરુજી તેમજ હેરોના સાંસદ બોબ બ્લેકમેનના હસ્તે કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે રાજકોટમાં સરગમ ક્લબ દ્વારા થઇ રહેલી વિવિધ સેવા પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિમાં વધારો થાય એવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જાણીતા ભજનિક હેમંત ચૌહાણ ઉપરાંત સરગમ કલબના શુભેચ્છકો ગીરીશભાઈ મશરૂ, જગદીશભાઈ મહેતા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં રાજકોટની સંસ્થા સરગમ ક્લબમાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનું સન્માન થયું હોઈ આ પ્રસંગ ક્લબના ૨૦ હજારથી વધુ સભ્યો માટે ગૌરવપુર્ણ કહી શકાયમઆ સન્માન બદલ ગુણવંતભાઈ ઉપર અભિનંદનની વર્ષ થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે પણ લંડનમાં જલારામ મંદિર ખાતે ગુણવંતભાઈ ડેલાવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.