રાજયની 11 શાળાઓને 90 થી વધુ ટકા આવ્યા: 1036 શાળાઓ રેડ ઝોનમાં અને 14 શાળાઓ બ્લેક ઝોનમાં આવી
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0 નું વર્ષ 2022-23 નું પ્રથમ તબકકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજયમાં આવેલી 3ર હજારથી વધુ પ્રાથમિક શાળાઓ પૈકી 12184 શાળાઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુણોત્સવના પરિણામમાં 1256 શાળાઓને ગ્રીન ઝોનમાં મુકવામાં આવી છે. અગાઉના એ ગ્રેડને હવે ગ્રીન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન ઝોનમાં આવેલી શાળાઓ પૈકી 11 પ્રાથમિક શાળાઓ એવી છે કે જેણે 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જેમાં પ્રથમ ત્રણ શાળા સુરત જિલ્લાની હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ધોળકા અને વિરમગામની શાળાઓનું પણ 90 ટકાથી વધુ પરિણામ આવ્યું છે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી ગુણોત્સવ યોજવામાં આવે છે. ગુણોત્સવ 2.0 લોન્ચ કરવામાં આવ્યા બાદ વર્ષ દરમિયાન શાળાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે. આ મુલ્યાંકન માટે શિક્ષકોમાંથી પરીક્ષા આપી પસંદગી પામેલા સ્કુલ ઇન્સ્પેકટરો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તેમને ફાળવવામાં આવેલી શાળાઓમાં જઇને નકકી કરેલા માપદંડના આધારે સ્કુલનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
ગુણોત્સવમાં અત્યાર સુધી શાળાઓને ગ્રેડ આપવામાં આવતા હતા. પરંતુ હવે ગ્રેડના બદલે કલર ઝોન નકકી કરાયા હોવાનું જાણવા મળે છે. જેમાં 100 ટકામાંથી 75 ટકા કે તેના કરતા વધુ ટકા લાવનારી શાળાઓને ગ્રીન ઝોનમાં, 75 થી 50 ટકા લાવનારી શાળાઓને યલો ઝોનમાં, 50 ટકાથી રપ ટકા લાવનારી શાળાઓને રેડ ઝોનમાં અને રપ ટકાથી ઓછી લાવનારી શાળાઓને બ્લેક ઝોનમાં મુકવામાં આવે છે. જયારે 90 ટકાથી વધુ લાવનારી શાળાઓને ગ્રીન ઝોન-4 માં સમાવેશ કરવામાં આવે છે.
ગુણોત્સવમાં ગ્રીન ઝોનમાં ચાર ભાગ પાડવામાં આવેલા છે. જેમાં સૌથી ઉપર ગ્રીન ઝોન-4 માં 11 શાળાઓ, ગ્રીન ઝોન-3માં 81 શાળાઓ, ગ્રીન ઝોન-ર માં 329 શાળાઓ અને ગ્રીન ઝોન-1 માં 835 શાળાઓનો સમાવેશ થાય છે.