પરિણીત પ્રેમીકાના પતિ સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું
ગુંદાસરા ગામે પરપ્રાંતિય યુવાનને ગળે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નંબર બે માં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા મુના રામપ્રવેશ યાદવની ગળા,મોઢા તથા વાસા ના ભાગે આડેધડ છરીના ઘા મારી હત્યા નીપજાવી દેતા ઘટનાની જાણ ડીવાયએસપી, તાલુકા પોલીસ, એલસીબી પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, એકઠા થયેલ લોકોના ટોળામાં ચર્ચાતી વિગતો મુજબ આ યુવાનની હત્યા આશરે એકાદ દિવસ પહેલા થઈ ગઈ હોવી જોઈએ આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવવા લાગતા કોઈએ સોસાયટીના રૂમમાં નજર કરતા યુવાનની હત્યા થયેલ હોવાનું જણાયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઇ મનુ યાદવએ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે હત્યાના ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
દરમિયાન ડીવાયએસપી ઝાલા, તાલુકા પીએસઆઇ ઝાલા, રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, પીએસઆઇ બડવા તથા ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.એચ.ઝાલાની ટીમે બિહારી યુવાનની હત્યામાં સામેલ બે શખ્સોને ગણત્રીના કલાકોમાં જ દબોચી લઇ પૂછતાછ હાથ ધરતા આડા સંબંધના કારણે હત્યા થયાનું ખૂલ્યું છે.
પોલીસે તપાસમાં ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મુના યાદવ પરિણીત છે અને તેની પત્ની પિયરે છે.સંતાન મા પાંચ વર્ષ ની દિકરી તથા છ માસ નો પુત્ર હોવાનુ જાણવા મળેલ હતુ.મૃતક મુના યાદવને બાજુમાં જ રહેતી પરપ્રાંતીય મહિલા સાથે આડાસંબંધ હોય મહિલાના પતિને જાણ થતાં પતિ સહિત બે શખસોએ મુના યાદવને છરી ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પકડાયેલ બંને શખ્સોની વધુ પૂછતાછ હાથ ધરી છે.