અમેરિકાએ નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશનનાં ઠરાવને પસાર કર્યો
જગત જમાદાર અમેરિકા કોઈપણ દેશને આર્થિક સહાય કે કોઈપણ પ્રકારની સહાય આપે તો તે રાષ્ટ્ર મુખ્યત્વે પાયમાલ થઈ જતો હોય છે. ઉદાહરણ સ્વરૂપે અમેરિકાએ પાકિસ્તાનને અખૂટ નાણા આપી તેને અમેરિકા ઉપર નિર્ભર બનાવી દીધું હતું પરંતુ હાલની સ્થિતિમાં જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે. બીજી તરફ અમેરિકા હાલ ચાઈનાને તમામ ક્ષેત્રે પછાડવા માટે જે પગલા લઈ રહ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, અમેરિકા ભારતનાં ખંભે બંદુક રાખી રહ્યું છે અને ચાઈનાને નિશાન બનાવ્યું છે આ સ્થિતિ પ્રમાણે ભારત માટે અમેરિકાનું આ વલણ રક્ષાત્મક સાબિત થશે કે પછી જોખમી સાબિત થશે તે આવનારો સમય જ જણાવશે.
ચાઈના દ્વારા જે ભારત ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે તેને નાબુદ કરવા માટે અમેરિકાએ સાંસદમાં નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એકટને પસાર કર્યો છે. અમેરિકન સાંસદનાં નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં લદાખ ખાતે જે ગતિરોધ અંગે ભારતનાં સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરી દેવાયો છે જેમાં ભારતીય મુળનાં એનીબેરા અને અન્ય સાંસદ સ્ટીવ સેબોટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રાધીકરણ અધિનિયમ એટલે કે એનડીએએમા સુધારા પ્રસ્તાવ લાવ્યા છે જેને ગૃહમાં મંજુરી અપાઈ છે. પ્રસ્તાવ અંગે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો ચીને ગલવાન ઘાટીમાં જે આક્રમકતા દેખાડી છે તેનાથી ચાઈનાએ ભારતીય વિસ્તારો પર કબજો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. ભારત-ચીનની એલએસી, દક્ષિણ ચીન સમુદ્ર જેવા વિવાદીત ક્ષેત્રમાં ચીનનો વિસ્તાર અને આક્રમકતા ઉંડી ચિંતાનો વિષય બન્યો છે. સાંસદ સેબોટે પ્રસ્તાવ મુકતા વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ૧૫ જુનનાં રોજ ૫૦૦૦થી વધુ સૈનિકો હાજર રહ્યા હતા પરંતુ ચાઈનાએ ૧૯૬૨ની સંધીનું ઉલ્લંઘન કરી વિવાદિત વિસ્તાર પાર કર્યો હતો અને ભારતીય વિસ્તારમાં પહોંચ્યા હતા. ચીન દ્વારા હાલ જે આક્રમક ગતિવિધિઓ ભારત વિરુઘ્ધ કરવામાં આવી રહી છે તેનાથી ભારતને બચાવવા માટે અમેરિકા ભારતની વ્હારે આવ્યું છે.
અમેરિકાનું વર્તમાન વલણ ભારતની તરફેણમાં છે ત્યારે સરહદ પર ચીનની દાદાગીરી વિરુઘ્ધ દુનિયાનાં મોટા દેશ ભારતને અમેરિકા સાથ આપી રહ્યું છે પરંતુ જોવાની વાત એ છે કે, અમેરિકા જયારે કોઈપણ રાષ્ટ્રને મદદ કરે છે ત્યારે તેના વલણથી સહાય મેળવનાર દેશને ખુબ માઠી અસરનો સામનો કરવો પડે છે ત્યારે હાલ અમેરિકા ભારતનાં ખંભે બંદુક રાખી ચીનને નિશાન બનાવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે ત્યારે શું અમેરિકાની સહાય ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે શ્રાપિત સાબિત થશે તે આવનારો સમય જ જણાવશે.