હોસ્પિટલ પરિસરમાં આડેધડ ફાયરિંગ: 5 લોકોના મોતના સમાચાર
અમેરિકામાં સતત ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. વધતા ગન કલ્ચરથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ફરીથી એકવાર ઘટેલી આવી ઘટનાએ દહેશત ઊભી કરી છે. ઓક્લાહોમાના તુલસા શહેરમાં બુધવારે એક હોસ્પિટલ પરિસરમાં આડેધડ ફાયરિંગમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા. ફાયરિંગમાં હુમલાખોર પણ માર્યો ગયો છે.
રિપોર્ટ મુજબ બુધવારે તુલસા પોલીસને એવી સૂચના મળી કે સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ પરિસરમાં બનેલી નતાલી મેડિકલ બિલ્ડિંગમાં ડોક્ટરની ઓફિસમાં એક વ્યક્તિ રાઈફલ લઈને ઘૂસ્યો છે. સૂચના મળતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી પરંતુ ત્યાં સુધીમાં તો હુમલાખોર ઘટનાને અંજામ આપી ચૂક્યો હતો. ફાયરિંગ કર્યા બાદ શૂટરે પોતાને પણ ગોળી મારી. હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
આ સમગ્ર ઘટના સંદર્ભે તુલસા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે સંદિગ્ધ યુવક પાસે એક લાંબી બંદૂક અને હેન્ડગન હતી. જો કે તેણે શાં માટે હુમલો કર્યો તે જાણી શકાયું નથી. હુમલાખોરે હોસ્પિટલના બીજા માળે ઘટનાને અંજામ આપ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી. રાષ્ટ્રપતિ સતત ઘટી રહેલી આવી ઘટનાઓથી ચિંતત છે. હાલમાં જ બાઈડેને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પાસે આવી ઘનાઓને પહોંચી વળવા માટે સલાહ માંગી હતી.
અમેરિકામાં હાલ ગનકલ્ચરે ત્રાહિમામ સર્જ્યો છે. ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે જે ચિંતાજનક છે. હાલમાં જ ન્યૂ ઓરલિયન્સની એક હાઈ સ્કૂલ સ્નાતક સમારોહમાં ફાયરિંગમાં વૃદ્ધ મહિલાનું મોત થયું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા. આ અગાઉ ઉવાલ્ડે ટેક્સાસના રોબ એલિમિન્ટ્રી સ્કૂલમાં ઘટેલી ફાયરિંગની ઘટનામાં 19 માસૂમ ભૂલકાઓ સહિત 21 લોકોના મોત થયા હતા. હુમલાખોર અને તેની દાદી પણ ઘટનામાં માર્યા ગયા.