ગુલબર્ગકાંડનો ભોગ બનેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્નિ જાકીયા જાફરી દ્વારા કરાયેલી અરજી પર સોમવારે સુનાવણી
વર્ષ ૨૦૦૨માં અમદાવાદમાં બનેલ ગુલબર્ગકાંડ ફરી ધુણ્યું છે. જે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને આ કાંડનો આરોપ મોદી સહિતના અન્ય નેતાઓ પર જાકીયા જાફરી દ્વારા લગાવાયો હતો. પરંતુ સ્પેશ્યલ ઈન્વેસ્ટીંગ ટીમ સીટે આ મામલે મોદીને કલીન ચીટ કર્યા હતા જેના વિરુઘ્ધમાં જાકીયા જાફરીએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી જેનો સ્વિકાર કરી આ અરજી પર આગામી ૧૯મી નવેમ્બરે સુનાવણી હાથ ધરવાનું સુપ્રીમ કોર્ટે નકકી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં ગુજરાતના ઈતિહાસમાં હિંસાત્મક બે બનાવો બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરીને ૨૦૦૨ના રોજ ગોધરાકાંડ થયો હતો તો તેના ઠીક પછીના દિવસે ૨૮ ફેબ્રુઆરીએ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં બીજો એક હત્યાકાંડ ઘટયો હતો. જેમાં ગુલબર્ગ સોસાયટી પર હુમલો કરાયો હતો. આ હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોના મોત નિપજયા હતા. જેમાંથી ૩૯ લોકોની લાશ મળી હતી. જયારે બાકીના ૩૦ લોકોનો કોઈ પતો મળ્યો ન હતો.
આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ પોલીસે શરૂ કરી ત્યારબાદ વર્ષ ૨૦૦૮માં તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી. ગુલબર્ગકાંડમાં મૃત્યુ પામનાર કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકીયા જાફરીએ સુપ્રીમમાં અરજી કરી હતી અને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય લોકો પર આરોપો લગાવ્યા હતા. એસઆઈટીએ ૨૭-૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ નરેન્દ્ર મોદીની લાંબી પુછપરછ કરી અને ત્યારબાદ જાકીયા જાફરીના આરોપો ખોટા ગણાવ્યા.
જયારે હાલ આગામી સોમવારે ફરી આ મામલે સુનાવણી સુપ્રીમમાં હાથ ધરાશે. ન્યાયાધીશ એમ.કે.ખાનવેલકર અને દિપક મિશ્રાએ જણાવ્યું કે, અરજી પર ઉંડાણપૂર્વક સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, આ ગુલબર્ગકાંડમાં ૬૮ લોકો વિરુઘ્ધ કેસ દાખલ થયો હતો જેમાં ચાર સગીરવયના લોકો હતા.