આપણાં લોકગીતો લોકજીવનનાં આંભલા છે તેમાં લોકજીવનની તમામ ઘટનાઓનું પ્રતિબિંબ પડે છે
વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાં આજે ભારતીય સંસ્કૃતિને સગૌરવ સ્થાન અને માન મળે છે, તેનું એક કારણ એ છે કે તેમાં માનવતા અને ભાઇચારાનો મહિમા ગવાયો છે . સંપત્તિ, સત્તા અને સંહારની સામે તેઓએ સદાય ત્યાગ , સમાનતા અને જીવનનું મહત્ત્વ સમજાવ્યું છે . આ સકલ સૃષ્ટિ તો પરમતત્ત્વનો બાગ છે , તેનો અનુચિત ઉપભોગ કરવાને બદલે સૌને ખપ પૂરતું મળી રહે અને સૌ સંપીને રહે તે જરૂરી છે . વળી, ભારતીય સંસ્કૃતિ તો પ્રત્યેક માનવીને સમાન ગણવાની વાત કરે છે, અરે ! એટલું જ નહીં તેઓ તો પશુ , પંખી , પ્રાણી અને સકળ સજીવ સૃષ્ટિ પ્રત્યે સમભાવ દાખવવાની વાત કરે છે. સાથોસાથ વન્ય સૃષ્ટિ સાથે સરિતા , પહાડ , સૂર્ય અને ચંદ્ર પ્રત્યે પણ પારિવારિક ભાવ દાખવવાની વાત કરે છે . આથી તો ધરતીમાતા, નદીમાતા , ગાયમાતા, સૂરજદાદા અને ચાંદામામાની ઓળખ માતા બાળકને કરાવે છે . માતૃશિક્ષણ રૂપે બાલ્યાવસ્થામાં મળેલા આ સંસ્કાર તેને જીવન જીવવાની અનોખી દૃષ્ટિ આપે છે.
ભારતીય સંસ્કૃતિના મૂળમાં લોકસંસ્કૃતિ રહી છે. એ સદાય તેને સજીવન રાખે છે, એટલું જ નહીં તેને પોષણ પણ પૂરું પાડે છે . કૈલાસ, હિમાલય કે ગિરનાર જેવા પહાડોમાં વસતા સંતો અને ઋષિમુનિઓ અધ્યાત્મની ધૂણી ધખાવીને બેઠા છે, તેમના ધૂણાનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહીને લોકોને પ્રકાશ અને હૂંફ પૂરી પાડે છે અને તેના પથને અજવાળે છે. તો બીજી તરફ અહીં વસતો આરણ્યક સમાજ પરસેવાનો રોટલો ખાવા પુરુષાર્થ કરે છે. એક રળે અને અઢાર જણા જમે એ વાત તેમને ગળે ઊતરતી નથી. એ તો સ્વબળે જીવવાની સૌને શિખામણ આપે છે. સ્વાવલંબી અને સ્વાશ્રયી બનવાની વાત તેમના આચારવિચારમાંથી પ્રગટે છે .
તેઓ ઉપદેશ આપવાને બદલે પોતાની કરણી દ્વારા જ સમજાવે છે . વસ્તુત: તો તેમની કરણી અને કહેણીમાં ભેદ નથી . સંઘરાખોરીથી દૂર રહીને જીવમાત્રની ચિંતા કરનારા લોકસંસ્કૃતિના વાહકોએ કદાચ વેદ , ઉપનિષદ , રામાયણ , મહાભારત કે અન્ય ધાર્મિક ગ્રંથો વાંચ્યા નથી , પરન્તુ તેમનો મર્મ બરોબર જાણ્યો છે . ખાના સો ખિલાના , કે ટુકડે સે ટુકડા કરી દેના એ વાત તેમણે વ્યવહારમાં આચરી બતાવી છે . અતિથિ દેવો ભવ’ની વાત તેમણે સાકાર કરી છે.
ભારતીય લોકસંસ્કૃતિ અને લોકજીવનનું યથાર્થ પ્રતિબિંબ લોકસાહિત્યમાં પડયું છે. લોકસમાજની એક આગવી વિશેષતા એ છે કે તેઓએ સદાય વાસ્તવનો સ્વીકાર કર્યો છે, તેમાં સુખ – દુ : ખ , જીવન – મરણ , મિલન – જુદાઈ અને અમીર ગરીબ જેવાં દ્વન્દ્રને કારણે પારાવાર સંઘર્ષ પ્રગટે છે, પરન્તુ એ દુ:ખદ વેદનાને પણ હસતાં હસતાં ગીતોમાં તાર સ્વરે ગાય છે . એક વખત શબ્દ રૂપે પ્રગટેલી સંવેદના તેનાં દુ:ખને ઓછું કરે છે . આજે આધુનિક મનોવૈજ્ઞાનિકો તેમાં કેથાર્સિસની થીઅરી જુએ છે . અલબત્ત , આપણે ત્યાં તો મરસિયામાં જ નહીં પણ રાસડામાં કે અન્ય લોકગીતોમાં પણ બહેન , દીકરી , માતા કે પત્નીએ પોતાની વેદનાને શબ્દાંકિત કરીને અશ્રુસિકત બાનીમાં વહાવી છે. શ્રમજીવીઓના સ્વાવલંબી અને સ્વાશ્રયી વ્યક્તિત્વમાંથી પ્રગટતી સંવેદનામાંથી થોડાંક ઉદાહરણો સાથે અહીં વાત કરવાનો ઉપક્રમ છે.
લોકજીવન તો પ્રકૃતિના ખોળે જ વિકસે અને વિસ્તરે છે . પ્રકૃતિ સાથેનો એનો નાતો કૃત્રિમ નહીં પણ કુદરતી છે . પ્રકૃતિનાં વિવિધ રૂપોને તેઓએ મનભરીને માણ્યાં છે, એટલું જ નહીં પ્રકૃતિનાં બદલાતાં રૂપોની પળેપળને તેના સંવેદનશીલ હૃદયે સિસ્મોગ્રાફ યંત્રથી વધારે બારીકાઈથી અનુભવ્યા છે . એની બળકટ સંવેદનશીલતાએ તેનાં હૃદયના તારે તારને આંદોલિત કરીને તેમાંથી કારૂણ્યસભર સૂરો રેલાવ્યા છે. પિયુમિલનની પળે વર્ષાનું આગમન કેટલું મનોહારી હોય છે , તેની વાત આદિકવિ વાલ્મીકિકૃત રામાયણ , મહાકવિ કાલિદાસકૃત મેઘદૂત અને મોહન રાકેશકૃત આષાઢ કા એક દિન ’ આદિ ગ્રંથોમાં તો મળે છે, પરન્તુ એક લોકનારીના મુખેથી એ વિશેષ સચોટ અને ચિત્તવેધક રૂપે પ્રગટે છે . લોકગીતની કલાત્મક પંક્તિમાંથી પ્રગટતી લોકનારીની વેદનામાં ઘૂંટાતો કરુણ સ્વર કારુણ્યને વધારે આસ્વાધ અને હૃદયસ્પર્શી બનાવે છે, જુઓ :
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે , ઝીણા ઝરમર વરસે મેઘ,
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! … આભમાં.
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે, કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો,
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! … આભમાં.
તમને વા’લી દરબારી ચાકરી રે, કે અમને વા’લો તમારો જીવ,
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! … આભમાં .
અલબત્ત , માનવજીવની કરુણતા એ છે કે , તમે લાખ ઈચ્છો કે પતિ નિત્ય સાથે રહે, પરન્તુ તે શક્ય બનતું નથી. રોટી, કપડાં અને મકાન પાછળ આયખું વેડફતાં લાખો સાગરખેડૂઓ , સૈનિકો , વેપારીઓ અને શ્રમિકોએ આ વેરણ ચાકરી પાછળ જીવનની સુખદ ક્ષણોને છોડવી પડે છે. સ્વજનોના સુખ માટે જીવનની પળેપળની આહુતિ આપનારા પુરુષોની અકથ્ય સંવેદના ભાગ્યે જ શબ્દાંકિત થઈ છે . પત્નીને પતિનો જીવ વ્હાલો હોય એ તો સ્વાભાવિક છે જ, પરન્તુ દૂર દેશાવર જતા ખારવાને કે રાજના સૈનિકને પણ પરિવાર વ્હાલો હોય છે, એમનાં સુખ માટે તો એ પોતાના સુખને ત્યજે છે . મોતની સામે ઝઝૂમતા આ સ્વાવલંબી અને સ્વાશ્રયી પુરુષની વેદના ઓછી નથી , પણ એ હૃદય પર પથ્થર મૂકીને ચાલી નીકળે છે, કેમકે , એને તો આબરૂભેર જીવવું છે . પરિવારની લાખેણી લાજ જાળવવી છે . વળી , દુ : ખ તો સમજે તેને જ હોય ને ?
ચાકરીએ મોકલવાનો રાજનો સંદેશ મળતાં જ નાયિકા વિકલ્પ બતાવે છે કે , જો એક પુરુષે જ ચાકરીએ જવાનું હોય તો આ ઘરમાં તો એકાધિક પુરુષો છે , અહીં મારા પતિ ઉપરાંત સસરા , જેઠ અને દિયર પણ છે , તો તેમાંથી કોઈકને મોકલો ને ? લોકનારીએ આ વિકલ્પો અને તેનો થતો અસ્વીકાર દર્શાવીને પોતાની વિવશતાને વધારે વેધક રીતે નિરૂપી છે. મહાભારતના મધ્યમવ્યાયોગ’ની માફક વચેટે જ આખરે જવું પડે છે , આ સૃષ્ટિમાં
વચેટ ભોગવવો પડતો મનોસંઘર્ષ જાણ્યે – અજાણ્યે અહીં પ્રગટે છે . વેરણ ચાકરીની ચિત્તવેધક અભિવ્યક્તિનો ઉપાડ જ આકર્ષક છે. જુઓ:
ઊભી ઊભી ઉગમણે દરબાર, રે કાગળિયા આવ્યા રાજના રે લોલ !
ઊઠો, દાસી, દીવડિયા અંજવાસો, રે કાગળિયા આવ્યા રાજના રે લોલ !
કોરે મોરે લખિયું છે સો સો સલામું, રે વચાળે વેરણ ચાકરી રે લોલ !
ચાકરીએ મારા સસરાને મેલો, રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ !
સસરા ઘેરે દરબારી છે, રાજ, રે દરબારી પૂરા નૈ પડે રે લોલ !
નાયિકા કોઈપણ ભોગે અલબેલાને ચાકરીએ મોકલવા તૈયાર નથી, પરન્તુ વિધિની વક્રતા એ છે કે તેનું ધાર્યું થતું નથી . સસરો નહીં તો જેઠ અને દિયર તો છે ને ? પરન્તુ ઉત્તર મળે છે કે જેઠાણી ઝઘડાળું છે , તે નિત્ય ઝઘડો માંડશે અને દેરાણી તો નાનું બાળ છે , એ મોલુંમાં એકલી નહીં રહે ’ આથી અલબેલાનો કોઈ વિકલ્પ નથી . પતિ સમજદાર છે , એ તો કોઈપણ ભોગે સંઘર્ષ નિવારવા માંગે છે , એથી ચિંતા કરતી પત્નીને શિયાળો , ઉનાળો અને ચોમાસામાં પોતાની સુરક્ષાના ઉપાય બતાવે છે , હવે નિરુત્તર બનેલી નાયિકા છેવટે ઘોડી પલાણી યુદ્ધાર્થે પ્રયાણ કરતા પતિની ઘોડીની વાઘ પકડી લ્યે છે , વિવશતા સાથે પતિને વિનવે છે કે , તમે જાવ તો છો , પણ મને કહેતા તો જાવ , તમે પાછા કયારે આવશો ? પત્નીની આંખમાંથી વહેતાં આંસુ પતિના હૈયાને તો હચમચાવી ધે છે , પરન્તુ એની મજબૂરી અને ફરજપરસ્તીને કારણે એ જે ઉત્તર આપે છે , તેમાં હજારો પતિઓ – સૈનિકો , ખારવાઓ – શ્રમિકોની સંવેદના પ્રગટી છે , જુઓ :
ગણજો ગોરી પીપળિયાનાં પાન, રે એટલે તે દા’ડે આવશું રે લોલ !
ગોરી મોરી અ ાવડલો શો હેડો, રે આંખોમાં આંસુ બહુ ઝરે રે લોલ !
માનવજીવન સુખ અને દુ:ખનું મિશ્રણ છે . અહીં લાખ પ્રયાસો કરવા છતાં સ્વમાન સાથે જીવતાં માનવોને વિધાતાની વક્રતાનો ભોગ બનવું પડે છે . બાવડાના બળે ઝઝૂમીને મોતના મોઢામાંથી પણ યમરાજને હાથતાળી આપીને પાછા આવનારા શૂરવીરોને કયારેક સ્વજનો સાથે લોહીની હોળી ખેલવી પડે છે. ગીરના જંગલમાં અચાનક સામે આવી ચડેલા સાવજની સામે આડ હથિયારે પણ લડી લ્યે , પણ સમરાંગણમાં પારોઠનાં પગલાં ન ભરે , એવા નરબંકાઓને કયારેક કોઈની વિકૃત વાસનાને કારણે લોહીનાં આંસુ સારવા પડે એવી વિચિત્ર પરિસ્થિતિ સર્જાતી હોય છે. મૂળ તો રોટી , કપડાં અને મકાનની શોધમાં આથડતો માનવી પ્રારબ્ધવશ આવી વિવશતાનો ભોગ બનતો હશે . વળી , આવાં ઉદાહરણો એકલદોકલ નહીં હોય, પણ એકાધિક ઘટનાઓ બનતી હશે, અરે ! જે કાંઈ બનતું હશે , તેમાંથી બહુ થોડું બહાર આવતું હશે એમ લાગે છે. મોતીઅલ કયાં વેરાણાં ! ’ લોકગીતમાં પણ આવી જ એક દુ:ખદાયી વાતનું નિરૂપણ છે . વેરણ ચાકરીએ ગયેલો પતિ વર્ષો પછી પાછો આવે છે . પત્નીની ડોકમાં મોતીનો હાર (કદાચ મંગળસૂત્ર ) દેખાતો નથી . કારણ પૂછતાં સ્ત્રી સાચો ઉત્તર આપતી નથી , આપી શકતી નથી . એથી વહેમાયેલો પતિ સૌ પરિવારજનોને પૂછે છે, પણ કોણ ઉત્તર આપે ? શો ઉત્તર આપે ? પરિવારના વડીલોનું આ મૌન જ દુ : ખદાયી હોય છે . દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે ભીષ્મ પિતામહે , ગુરુ દ્રૌણે , રાજા ધૃતરાષ્ટ્ર , રાજમાતા ગાંધારીએ કે રાજગુરુ કૃપાચાર્યે હિંમત દાખવીને
દુ : શાસન અને દુર્યોધનને રોક્યા હોત તો કૃષ્ણે દ્વારિકાથી દોડવું ન પડત , એટલું જ નહીં મા સમાન મોટી ભોજાઈને અપમાનિત કરવાની ઘટના બની ન હોત , પણ કાળની ગતિ ન્યારી છે. મહાભારતની એ ઘટનાનું જરા જુદી રીતે અહીં પુનરાવર્તન થાય છે. અલબત્ત , અહીં વિશેષ દુ:ખકર બાબત એ છે કે અહીં દ્રૌપદીની સિંહગર્જના કે ટીટોડીની જેમ ટળવળતાં ટળવળતાં કરાતો વિલાપ નથી, કદાચ એને એ વાતની પ્રતીતિ થઈ ગઈ છે કે કૃષ્ણાના પોકારે દોડી આવતા કૃષ્ણ હવે અહીં કયાંય આસપાસમાં નથી અને સ્વાર્થાંધ બનેલા પરિવારજનોના બધિર કાન સુધી તેનો પોકાર સંભળાવાનો નથી . પરિસ્થિતિનો ભોગ બનનારી અબળાએ આથી તો પ્રતિકાર કરવાનું માંડી વાળ્યું છે, આમ છતાં વડીલોનાં મીંઢાં મૌન સામે દૂર દૂર ક્યાંયક દીવો બળે છે, આશાનું એકાદ કિરણ અસ્તિત્વ ધરાવે છે. આથી દુન્યવી સમાજના કાવાદાવા અને હાનિલાભના કાટલાંથી અપરિચિત નાની – અણસમજુ બહેન સાચી વાત કહી ધે છે, એના પરિણામે બે ભાઈઓ હોળીએ – લોહીની હોળીએ રમે છે , જુઓ :
બાર બાર વરસે પથમલ પધાર્યાં, ઘોડો બાંધો ઘોડાહાર, પથમલ ભલે પધાર્યા,
ડેલીએ તે બેઠા હો દાદાજી, કેજો વઉવારુના ખેલ , મોતીઅલ કયાં વેરાણા !
હું રે શું જાણું મારા પથમલ મોભી ! જઈ તારી માતાને પૂછ, એ સૌ જાણે છે રે.
કુદરત દયાળુ છે પણ એની દયા સૌને મળતી નથી . વસુંધરાના વહાલા દવલાની જેમ અમીરો ખૂબ જ સુખી છે, એમને રહેવા મહેલો છે અને ઘણા મહેલોમાં
રહેનારું કોઈ નથી . બીજી તરફ ગરીબોને ટાઢ , તાપ અને વર્ષાથી બચવા માટે નાનું ઝૂંપડું મળતું નથી . અમીરો સામે ધરાતા અન્નકૂટ પડયા રહે છે કેમકે એને ભૂખ નથી અને બીજી તરફ ગરીબોને ભૂખ છે પણ તેમની પાસે અન્નનો દાણોય નથી , તેમના બાળકોને પીવાં પાવળું દૂધ મળતું નથી અને રાજના સિપાઈના ઘોડો દૂધ પીએ છે. શ્રીમંતોનાં કૂતરાંઓને મળતી સવલત પણ ગરીબોના નસીબમાં નથી . આવો અન્યાય હળાહળ અન્યાય ચલાવનારા શાસકો રાજા મહારાજાઓ અને દેવોને દયાળુ કે કૃપાસિંધુ કેમ કહેવા ?
સાગરખેડૂ – ખારવાઓની પેઢીઓની પેઢીઓ સાગરમાં હોમાતી આવી છે, એમ છતાં એમને બીજો વ્યવસાય મળતો નથી . પુત્ર , પિતા , દાદા અને પરદાદાએ જ્યાં જળસમાધિ લીધી છે, એવા દરિયાદેવના ખોળે જ એણે રમવાનું , જીવવાનું અને મરવાનું . એ જ એની નિયતિ , વળી , આ નિયતિના સૌ સાક્ષી હોય , બહેનો , માતાઓ અને પુત્રીઓ પણ ખારવાની નિયતિથી વાકેફ હોય છતાં એણે પ્રતિદિન – પ્રતિવર્ષ સ્વજનને દરિયાદેવના ખોળે રમવા મોકલવાના. એ ક્ષણની વેદના વર્ણનનો નહીં પણ વેદનાની અનુભૂતિનો વિષય છે. આથી તો એ દરિયાપીરને વિનંતીઓ કરતી હોય, કાલાંવાલાં કરતી હોય કે, હૈ દરિયાપીર ! અમે તો કાળા માથાના માનવી, તારા લાખ ગૂના કર્યા હશે , પણ તું તો દયાળું દેવ છો , અમારા ગૂના સામું જોઈશ નંઈ , અમારા ભાઈ – દીકરાને કે ઘરના માણહને જીવતે જીવ પાછા લાવજે , મધદરિયે એની રક્ષા કરજે . ’ આવાં આવાં કાલાંવાલાં કરી દરિયાદેવને નાળિયેર વધેરીને એ સ્વજનોને વળાવે. એ પળ અતિ કઠિન હોય એથી તો એ પુરુષને દારૂડો પિવડાવે અને ગાતાં ગાતાં દરિયે વળાવી ઘેર પાછાં આવે. એ પછી એણે વિરહની વેદના વેઠવાની. વણપરણ્યા યુવાનને વહાણે ચડાવીને આવેલી વિધવા માતા કે બહેનની વ્યથા કેવી હૃદય વિદારક હોય ? તો બીજી તરફ જેના અંગેથી પીઠી પણ ન ઊતરી હોય એવી નવોઢા પતિને વળાવીને અધરાત – મધરાત જાગીને આભનાં તારાઓ ગણતી હોય કે વેળા – કવેળાએ દરિયા સામે મીટ માંડીને આશાભરી આંસુ સારતી હોય એની મનોસંવેદનાને કોણ સમજે ? શ્રીમંત વેપારીઓ તો હૃદયહીન બનીને તેની મજબૂરીનો લાભ ઉઠાવે . તેનું શોષણ કરે એટલું જ નહીં તેને કુલટાઓ , ભ્રષ્ટ શિયળ ! કે ચારિત્ર્યહીન કહીને વગોવતા હોય. સમાજનાં આવાં વરવાં રૂપને તો મેઘાણીજી જેવા સંવેદનશીલ સંશોધક સિવાય કોણ સમજે. તેમણે ’ સોરઠને તીરે તીરે’ ગ્રંથમાં પોતાની શોધયાત્રાના અનુભવને શબ્દાંકિત કરેલો છે. તેમાં આવા શ્રમજીવીઓના સંઘર્ષની અને વેદનાની , દિશાશૂન્ય દશાની , ગ્રામ્ય આપદાઓની , રોટલાના ઉચાટની તેમ જ ઘણીઓના ચિરવિજોગની કપાળ – કથાઓની વાત કરી છે. તેમાંથી એક ‘લોકગીત’ ઉદાહરણ રૂપે જોઇએ.
એક નવોઢાનો પતિ લગ્ન પછી ખેપે ગયો છે, કેમકે, ઘરમાં રૂપિયા નથી, ઘર ચલાવવા માટે ખરચી ખૂટી ગઈ છે, એથી વિવશ બનીને તેને જવું પડે છે. પૈસાની લાલચે છેક મુંબઈ અને મલબાર સુધીની ખેપ બાંધી છે, એથી લાંબો સમય થયો છે. એની એક્લતા અને મજબૂરીનો લાભ લેવા માટે કાકાના કાળુ અને મામાના મૂળુ – અર્થાત પરિવારજનો જ તેને દુ:ખ આપે છે . રક્ષક જ ભક્ષક બને તો ફરિયાદ કોને કરવી ? એટલું જ નહીં જેને ફરિયાદ કરી થઈ શકે એવા અંગ્રેજ અધિકારીઓ પણ તેની એકલતાનો લાભ લ્યે છે . આ વાત અહીં પામરી ઊડીના સંકેતાર્થે કહેવાયેલી છે , જુઓ :
તું તો મંબી હાલ્યો, તું તો મલબાર હાલ્યો, નાણાંની ખોટયે, ખરચીની રે ખોટયે,
અધવચમાં મેલ્યાં, અધવચમાં મેલ્યાં, કોઈ તડનાં નથી, ઘરબારનાં નથી.
કાકાના રે કારૂ, મામાના મૂરૂ, દુ : ખલડાં રે દેવે, દુ : ખલડાં ૐ દેવે,
જાંગલો રે આવ્યો, ટોપીવારો આવ્યો, પીથલપરને પાધર, કેરાળાને પાધર.
રોજી રોટીની શોધમાં દેશ – વિદેશ ભમતા શ્રમજીવીઓએ પારાવાર સંકટોનો સામનો કરવો પડે છે, એવી કપરી વેળાએ પણ તેઓ માનવતા , નીતિ અને સ્વમાન છોડતા નથી. તેમના સંઘર્ષ છતાં પરિવાર કે આસપાસના અમીરો અને સત્તાધીશો તેને પોતાની વાસનાનો ભોગ બનાવે છે, એ જુદી વસ્તુ છે.
અલબત્ત , આમ જુઓ તો સદ્ અને અસદ્ વચ્ચેનો આ સંઘર્ષ આદિકાળથી ચાલ્યો આવે છે. સાધુવેશે આવીને રાવણે ભગવતી જાનકીજીનું અપહરણ કર્યું. એ ઘટનાનો સાર તો એ જ છે કે, સમાજમાં આપણી આસપાસ આવા ઢોંગી અને પાખંડી ધૂતારાઓ છદ્મવેશે ફરતા હોય છે, તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. માત્ર તેના વેશને કારણે ભૂલ કરી તો ભયાનક પરિણામ આવી શકે છે.
‘મહાભારત’ના ‘વિરાટપર્વ’ એક વર્ષ અજ્ઞાતવાસમાં રહેવા માટે દ્રૌપદીજી સૈરન્ધ્રી રૂપે મહારાણીની દાસી બનીને રહે છે . તે રાણીના ભાઈ કિચકને ગમી જાય છે અને યેન કેન પ્રકારેણ એ સૈરન્ધ્રીને વશ કરવા મથે છે , તેની દાનત પારખી ગયેલા દ્રૌપદીજી મહારાણીને રાવ કરે છે, પરન્તુ તે મદદ કરવાને બદલે સૈરન્ધ્રી કિચકને વશ થાય તેવું કરે છે. છેવટે ચિત્રશાળામાં દ્રૌપદીના કહેવાથી તેને મળવા લાલાયિત બનીને આવેલો કિચક ભીમને હાથે મરણ પામે છે. વાસનાંધોને અંતે તો મોત મળે જ છે. પછી ભલે એ રાવણ, વાલી કે કિચક હોય. અહીં પણ શ્રમજીવી સમાજે કરવા પડતા સંઘર્ષની વાત છે. આ ઘટનામાં પણ દ્રૌપદીજીએ સૈરન્ઘ્રી રૂપે જે સહેવું પડે છે એ આમજનતા કે શ્રમિક નારીની વેદના રૂપે પ્રગટે છે.
લોકસાહિત્યમાં આવી સંઘર્ષગાથાઓ મળે છે. ત્યાં પશુપાલક કે ખેડૂતની બેન – દીકરી કેવી અને કેટલી હિંમત દાખવીને પોતાના શીલ અને સ્વમાનનું રક્ષણ કરે છે, એ વાત માત્ર આસ્વાદ્ય જ નહીં આવકાર્ય , અનુકરણીય અને પ્રેરણાદાયી જણાય છે. જૂનાગઢના રાજવી રા’ખેંગારના મૃત્યુ પછી દેવાયત બોદર બાળકુંવર રા’નવઘણને આશ્રય આપીને , પોતાના પુત્ર વાહણનું બલિદાન આપીને તેને જૂનાગઢની ગાદીએ બેસાડે છે. દેવાયત બોદરની દીકરી જાહલના લગ્નપ્રસંગે નવઘણ જવતલ હોમે છે અને બહેનને કાપડામાં જૂનાગઢની ગાદી આપવાની વાત કરે છે, ત્યારે પણ જાહલ તેનો સ્વીકાર કરતી નથી . અરે ! સોરઠમાં દુષ્કાળ પડતાં એ પોતાના પતિ અને પરિવારજનો સાથે પશુઓને લઇને વરસ ઉતરવા માટે સિંધમાં જાય છે. સિંધનો હમીર સુમરો તેના રૂપથી લાલાયિત બને છે,
તેને પોતાના મહેલમાં બેગમ બની રહેવા ઈજન આપે છે, પરન્તુ આ શીલવંત નારી તેનો અસ્વીકાર કરે અને નવઘણને સંદેશો મોકલે છે. પોતાના ભાઈનું બલિદાન અને પિતાનો ઉપકાર યાદ ન આવે તો કંઈ નહીં પણ તું સોરઠનો રાજવી છો અને હું તારી રૈયત છું . આપણે એક ધરતીના જાયા ભાઈ – બહેન છીએ , એ નાતે સંબંધે પણ તું આવજે. છતાં તું સમયસર ન આવે તો કંઈ નહીં , પણ મારી મરણીયા પર ચૂંદડી ઓઢાડી જાજે . ખુમારી જાળવવા માટે ખુવાર થવાની ખેવના દાખવનારા આવા શ્રમજીવીઓનો ઉજ્જવળ ઇતિહાસ લોકમુખે જળવાયો છે, એને ક્યારેય કાળનો કાટ લાગવાનો નથી. રાવણની લંકામાં રાક્ષસીઓના ચોકી પહેરા વચ્ચે પણ અશોકવાટિકામાં નિર્ભીકતાથી બેઠેલા ભગવતી જાનકીજીને રાવણની સોનાની લંકાનો વૈભવ કે સત્તાથી વશ નથી કરી શકાયા, એ જ રીતે સિંધના હમીર સુમરાના ચોકી પહેરા વચ્ચે પણ આહિરાણી જાહલ અડ્ગ મનોબળથી બેઠી છે. ભગવતી ખોડિયાર પરનો એનો ભરોસો અડ્ગ છે. એટલું જ નહીં પ્રાણાંતે પણ પરપુરુષને વશ ન થવાની મનોવૃત્તિએ તેને નિર્ભય બનાવી છે.
યુગોથી પશુપાલકોએ કાળે – દુકાળે સ્થળાંતર કરવું પડે છે. આજે પણ કચ્છના કાળાડુંગર અને બન્ની આસપાસ વસતા માલધારીઓએ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી જવું પડે છે. નિત્યનું યાયાવર જીવન જીવતા આવા માલધારીઓ અને તેમની બહેન – દીકરીઓ ડાલામથ્થા સાવજ સામે તો આથડે જ છે. પરંતુ રાજના પસાયતાથી માંડીને પાસેના શે’રમાં વસતા ખાણ અને ઘીના વેપારીઓની હીનવૃત્તિઓ સામે પણઝઝુમે છે. પતિ માલને સાચવે અને પત્નીએ ઘી-દુધ વેચીને પરિવાર અને પશુઓનાં ખાણ – દાણ અને ઘર ચલાવવું પડે. એ વખતે તેના અંગ પર નોંધાયેલી દ્રષ્ટિને પારખીને ઘર અંબિકા અને રણ ચંડિકા ’ જેમ એ જીવે છે અને પોતાના શષીલ અને સ્વમાનનાં રખોપાં કરે છે. એ શીલવંતો કેવો કેવો સંઘર્ષ કરે છે, એની વાતો ખૂટે તેમ નથી.આમ, લોકસાહિત્યમાં શ્રમજીવીઓની સંવેદના સુપેરે પ્રગટી છે. કયાંક જુગારમાં પત્નીને હારી જતા પતિની વાત છે. તો કયાંક જસમા ઓડણના અનુપમ સૌદર્યથી આકર્ષાયેલા સિધ્ધરાજની વાસનાવૃત્તિની વાત પણ છે. વસ્તુત: તો સ્વાવલંબી અને સ્વાશ્રયી શ્રમજીવી સમાજની સંવેદનાનું યથાર્થ ચિત્ર અહી ઉપસે છે.જે સમાજ માટે પડકારરૂપ અને ચિત્ય જણાય છે.