વડાપ્રધાનના કાર્યક્રમ બાદ ૭ દિવસ પછી પણ રેસકોર્સના દરવાજા ન ખોલાતા કોંગી કોર્પોરેટર લાલઘુમ: મોદી માટે રેસકોર્સમાં બનાવેલો ડામર રોડ પણ ખોદી નાખ્યો
ગત ૨૯મી જુનના રોજ રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ માટે રેસકોર્સમાં તંત્ર દ્વારા પતરાની આડશો ખડકી દેવામાં આવી હતી. પી.એમ.નો કાર્યક્રમ પૂર્ણ થયાના ૭ દિવસ બાદ પણ આ પતરાની આડશો હટાવવાની તસ્દી લેવામાં ન આવતા આજે કોંગી કોર્પોરેટર વિજય વાંક સહિતના કોંગી કાર્યકરોએ પતરાની આડશો ઉખેડી ફેંકી હતી અને રેસકોર્સમાં વડાપ્રધાન માટે ખાસ બનાવવામાં આવેલો ડામર રોડ પણ ખોદી નાખ્યો હતો.
કોર્પોરેટર વિજયભાઈ વાંકે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો રાજકોટનો કાર્યક્રમ પૂર્ણ થયાના ૭ દિવસ વિતવા છતાં રેસકોર્ષ ગ્રાઉન્ડ મુખ્ય બે દરવાજા પર ખડકી દેવામાં આવેલી પતરાની આડશો તંત્ર દ્વારા હટાવવામાં આવી ન હતી. આટલું જ નહીં અહીં એક દરવાજો જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જયાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હોય. અંદર કોઈ વ્યકિત પ્રવેશ કરી શકતો નથી. ક્રિકેટ પ્રેમીઓમાંથી ફરિયાદ મળતા આજે સવારે મારા સહિત કોંગી કાર્યકર ગોપાલભાઈ અનડકટ, સંજયભાઈ અજુરીયા, હેમેન્દ્રસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, રણજીતભાઈ મુંધવા અને ભાવેશભાઈ પટેલ સહિતના લોકો રેસકોર્સ મેદાન ખાતે ધસી ગયા હતા. બંને મુખ્ય ગેટ પરથી પતરાની આડશો ઉખેડી ફેંકી દીધી હતી અને લોકો માટે રસ્તો ખુલ્લો કરી દીધો હતો. આટલું જ નહીં રેસકોર્સમાંવડાપ્રધાન માટે બનાવવામાં આવેલો ખાસ ડામર રોડ પણ ત્રિકમથી ખોદી નાખવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના કાર્યક્રમ માટે શહેરભરમાં રાજમાર્ગો પર મહાપાલિકા તંત્ર દ્વારા હજારોની સંખ્યામાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. આ ખાડા બુરવા માટે પણ કોંગ્રેસે તંત્રને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયાના ૭ દિવસ પછી પણ લોકોની હાલાકી ઓછી ન થતા કોંગ્રેસે ત્રીજુ નેત્ર ખોલ્યું છે અને એક સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગયું છે.