રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે અસામાજીક તત્વો પર ભીંસ વધારવા જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત ગુજકોક હેઠળ કરાઇ કાર્યવાહી

વિદેશ સ્થિત ગેંગસ્ટરને ભીંસમાં લેવા ૧૪ શખ્સો સામે નોંધાતો ગુનો

ભાજપના કોર્પોરેટર,  બિલ્ડર અને નિવૃત પોલીસમેન સહિતની કરાઇ ધરપકડ

જામનગર જિલ્લામાં ૧૦૦ કરોડની જમીનના કૌભાંડ, વકીલની હત્યા અને મહિલા પર ફાયરિંગ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત જયેશ પટેલને ભીસમાં લેવા માટે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત ગુજકોકનો ગુનો નોંધાતા જામનગર પંથકના ખંડણીખોર અને ભૂમાફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

જયેશ પટેલ સામે ૪૩થી વધુ ગુના નોંધાતા તે વિદેશ ભાગી ગયો હતો અને વિદેશથી પોતાની ગેંગ ઓપરેટ કરી ઓર્ગેનાઝ ક્રાઇમના માસ્ટર જયેશ પટેલના સાગરીતો લાંબા સમયથી પકડાતા ન હોવાથી જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સવાલ ઉઠતા રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે જયેશ પટેલની ગેંગના ૧૪ શખ્સો સામે ગુજકોક હેઠળ ગુનો નોંધી અગ્રણી બિલ્ડર, ભાજપના કોર્પોરેટર અને નિવૃત પોલીસમેન સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં રિલાયન્સ અને એસ્સાર જેવી મોટી કંપની આવ્યા બાદ તેમાં કોન્ટ્રાકટ મેળવવા તેમજ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા ખાતે ચાલતી ખનિજ ચોરી અંગે રાજકોટ રેન્જ આઇજી દ્વારા લાલ આંખ કરી કરેલી કડક કાર્યવાહીના પગલે અનેક રાજકીય નેતાઓના પગ નીચે રેલો આવ્યો હતો બીજી તરફ કોન્ટ્રાકટના મુદે ચાલતા કેટલાયે વિવાદમાં સંડોવાયેલા રાજકીટ નેતાઓમાં ફફડાટ મચી ગયો છે. ત્યારે જયેશ પટેલની ગેંગને નેસ્ત નાબુદ કરવા માટે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ દ્વારા ઝુંબેશ હાથધરી તાજેતરમાં જ જયેશ પટેલના સાગરીત રજાક સોપારીને અમદાવાદના બોપલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં જયેશ પટેલના એક સમયના જાની દુશ્મન ગણાતા અનિયો ઉર્ફે અનવર લાંબો અને એઝાજ અનવર સફીયા તાજેતરમાં જ જયેશ પટેલની ગેંગમાં ભળી ફાયરિંગ સહિતના અનેક ગુના આચર્યાની અને બંને શખ્સો ધ્રોલના સરમરીયા દાદાના મંદિર નજીક આવ્યાની બાતમીના આધારે એટીએસ અને જામનગર એલસીબી સહિતના સ્ટાફે બંનેની ધરપકડ કરી છે.

૨૦૧૮માં જામનગરના ધર્મેશ મુળજી રાણપરીયા સાથે ચાલતી અદાવતના કારણે ખૂનની કોશિષ કર્યાનો, લૂંટ, ખૂન અને બળજબરીથી મિલકત પચાવવા અપહરણ કરવાના અને હથિયાર સાથે રાખવા અંગેના અનેક ગુના નોંધાયા છે. જ્યારે બોપલથી ઝડપાયેલા રજાક સોપારી સામે જામનગરના બિલ્ડર ગીરીશ ડેર ઉપર ફાયરિંગ ઉપરાંત ખંડણી અને અપહરણ સહિત સાત જેટલા ગુના નોંધાયો હતો. જ્યારે રજાક સોપારીના ભાઇ હુસેન સોપારીની રાજકોટ રેન્જ સંદિપસિંહના સ્ટાફ વાંકાનેર પાસેથી ધરપકડ કરી હતી.

જયેશ પટેલની ગેંગને ભીસમાં લેવા અને ગુનાખોરીને કાબુલમાં લેવા માટે સરકાર દ્વારા અમલમાં લેવામાં આવેલા ગુજકોક હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ વખત ગુનો નોંધાયો છે. જયેશ પટેલ સહિત ૧૪ શખ્સો સામે ગુજકોક હેઠળ ગુનો નોંધી મોટા બિલ્ડર નિલેશ ટોળીયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, અખબારના સંચાલક પ્રવિણ ચોવટીયા અને નિવૃત પોલીસમેન વશરામની ધરપકડ કરવામાં આવી છે.

ગુજકોક હેઠળ અનવર ઉર્ફે અનિયો, રજાક સોપારી, હુસેન સોપારી અને એઝાઝ સફીયા સામે પણ ગુજકોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે ગુજકોક હેઠળ ગુનો નોંધાયા બાદ જેલ હવાલે થયેલા શખ્સો સામે પોલીસ ૧૮૦ દિવસે ચાર્જશીટ કરી શકે તેવી જોગવાય હોવાથી રીઢા અને કુખ્યાત ગુનેગારોને લાંબો સમય સુધી જેલમાં રહેવું પડે તેવી જોગવાયથી ગુજકોકના કાયદાથી ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.

રાજય સભાના સાંસદ અને રિલાયન્સના પ્રેસિડેન્સ પરીમલ નથવાણીએ તાજેતરમાં જ જામનગર જિલ્લામાં કથળેલા કાયદો અને વ્યવસ્થા તેમજ જયેશ પટેલની ગેંગના આંતક અંગે કરેલા ટવીટથી જામનગરનું રાજકારણ ગરમાયુ હતું તેમજ સરકાર હરકતમાં આવતા જામનગર જિલ્લા પોલીસ વડાની બદલી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ ચમરબંધીને ન છોડવા પોલીસને તાકીદ કરી જયેશ સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો તેમજ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સૌરાષ્ટની ગુનાખોરી પર અંકુલ લાવવા હવાલો સોપવામાં આવ્યો છે.

રેન્જ આઇજી સંદિપસિંહ સાંજે પત્રકાર પરિષદ યોજશે

જામનગરના ગેંગસ્ટર જયેશ પટેલની ગેંગ સામે નોંધાયેલા ગુજકોક હેઠળના ગુના અંગેની રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગત જાહેર કરવામાં આવશે. જયેશ પટેલ સામે અત્યાર સુધીમાં કેટલા ગુના નોંધાયા છે. તેની ગેંગના કેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી સહિતની વિગતો પત્રકાર પરિષદમાં આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.