રાજકોટમાં 8380, સૌરાષ્ટ્રમાં 28167 સહિત રાજ્યભરમાં 1.17 લાખ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા: ગયા વર્ષથી 10 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા
ધોરણ 12 પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કોરોના બાદ ગુજરાત બોર્ડની આ બીજી મહત્વની પરીક્ષા છે. આ વર્ષે એક લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જે માટે રાજ્યના 574 બિલ્ડિંગોના પાંચ હજાર 932 બ્લોકમાં પરીક્ષા લેવાઇ રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટમાં કુલ 8380 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રભરમાં કુલ 28167 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના 40 કેન્દ્રો પર 421 બ્લોકમાં ગુજકેટની પરીક્ષાની શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.
સૌથી વધુ બી ગ્રુપના 69 હજાર 153 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. રાજ્યના 33 જિલ્લાના 34 કેંદ્રો પર કોરોનાની એસઓપી સાથે લેવનારી પરીક્ષામાં દરેક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ જ બેસાડવામાં આવ્યા હતા.
આ વર્ષે ગયા વર્ષથી 10 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાતા એક લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતી માધ્યના 80 હજાર 670, અંગ્રેજી માધ્યમના 35 હજાર 571 અને હિંદી માધ્યમના એક હજાર 75 વિદ્યાર્થી છે. સાથે જ દરેક જિલ્લામાં પરીક્ષા સમિતી પણ રચના કરવામાં આવી છે જે ત્રણ સેશનમાં લેવાનારી પરીક્ષામાં પરીક્ષાના અડધો કલાક પહેલાથી જ વિદ્યાર્થીએ સેંટરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર અને પન સિવાય કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી. સવારે નવ વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ હતી સાથે જ દરેક બિલ્ડિંગમાં ક્લાસ વન અધિકારી ઓબ્ઝર્વર તરીકે હાજર રહ્યા હતા.
ગુજકેટની પરીક્ષા હિંદી, અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણેય ભાષાઓમાં લેવાય છે.વિદ્યાર્થી તેમાથી કોઈપણ એક વિષય પસંદ કરી પરીક્ષા આપી શકે છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેના કરતા વધુ સધન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.