ગણેશોત્સવ અને સંવત્સરીના તહેવારોને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયા
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૦ ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા પહેલા ૨૨ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે આ પરીક્ષા ૨૪ ઓગષ્ટ, સોમવારના રોજ યોજાશે. ધો.૧૨ સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની તારીખ અત્યાર સુધી નક્કી કરાયેલી પ્રથમવારની તારીખે ક્યારેય લેવાઈ નથી. હંમેશા બદલવી જ પડે છે. ગત વર્ષે ચૂંટણી સહિતના કારણોસર ત્રણ વાર બદલવી પડી હતી અને આ વર્ષે કોરોનાને પગલે પણ બદલવી પડી છે.
જો કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, ગણેશોત્સવ અને સંવત્સરીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજકેટ ૨૦૨૦ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યા અનુસાર ઉચ્ચતર માધ્યમિક વિભાગના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમાં, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ ૨૦૨૦ ની પરીક્ષામાં ગ્રુપ અ માં ૪૯, ૮૮૮ અને ગ્રુપ ઇ માં ૭૫,૫૧૯ અને ગ્રુપ અઇ ૩૭૪ એમ કુલ ૧ લાખ ૨૫ હજાર ૭૮૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.