કવોરન્ટાઈન વિદ્યાર્થીઓએ પણ મંજૂરી મેળવીને પરીક્ષા આપી
રાજકોટમાં આજે સવારે ૧૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ફિઝીકસ અને કેમીસ્ટ વિષયમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૭૭૩૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૬૭૫૬ વિદ્યાર્થી હાજર રહ્યાં હતા અને ૯૮૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જો કે, વરસાદી માહોલ વચ્ચે પણ બાકીના વિદ્યાર્થીઓ સમયસર પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજે ૬૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષા આપી હતી. જેમાં તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું થર્મલગન વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની સ્પષ્ટ ગાઈડ લાઈન હેઠળ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. અમુક વિદ્યાર્થીઓ ક્ધટેઈન્મેન્ટ ઝોનમાંથી પણ પરીક્ષા દેવા પહોંચ્યા હતા. જો કે, ધીમીધારે વરસાદ હોય વિદ્યાર્થીઓ સમય સુચકતા દાખવી પરીક્ષા દેવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીઓ સાથે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૨૧ તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી અને પુરો સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષા માટે પેપર ટ્રેકિંગ સીસ્ટમ પણ ગોઠવવામાં આવી હતી. જેમાં જોનથી પરીક્ષા કેન્દ્રો સુધી જતા પેપરને ટ્રેક કરી શકાય, સાથો સાથ કોવિડ-૧૯ની અમલવારી કરાવવા નોડલ ઓફિસર મુંઝાલ બડમલીયાની નિગરાની હેઠળ ૫ અધિકારીની ટાસ્કફોર્સ રચાઈ હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ હતી.