બિયારણમાં ભેળસેળ હોવાની રાવ: કંપની સામે આંદોલનની ચીમકી
જેતપુરના સાંકળી ગામના ખેડૂતે ગુજકોમાસોલમાંથી ખરીદી વાવેલા ઘઉંમાં ભેળસેળ કે નબળી ગુણવત્તાવાળા હોવાનું પાક તૈયાર થયો ત્યારે બહાર આવ્યું છે. આ અંગે સરકારી કંપનીમાં જાણ કરવા છતાં કોઈ હૈયા ધારણા કે કોઈ પગલા નહીં લેવાતા આ અંગે ખેડૂતોને જાગૃત કરવા નિર્ણય કરાયો છે. આવું જે ખેડૂતોને થયું છે તે ખેડૂતો કંપની સામે આંદોલન છેડશે.
તાલુકાના જૂની સાંકળી ગામના ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે ચોમાસું પાક ધોવાઈ ગયો હતો. પરંતુ ખૂબ સારા વરસાદને કારણે નદી, નાળા તેમજ કુવાઓમાં પણ પાણી હોવાથી ખેડૂતોને શિયાળું પાક સારો ઉતરવાની ખૂબ આશા હતી. જેથી આ ખેડૂતોએ ઉધાર ઉછીના કરીને ઘઉંના વાવેતર માટે ગુજકોમસોલ સરકારી કંપની પાસેથી મોંઘા ભાવનું બિયારણ ખરીદીને વાવેતર કરી દવા, ખાતરનો છંટકાવ પણ કરી પાકનું ખૂબ મહેનતથી જતન કર્યું. પરંતુ ઘઉંના પાકમાં ઘઉંના ડુંડા આવતા ખેડૂતોને હર્ષ થવાને બદલે ફાળ પડી. કેમ કે, મોંઘા બિયારણમાં ડુંડા બધા સમથળ એટલે કે એકસરખી ઉંચાઈમાં આવતા હોય છે. પરંતુ અહીં તો, ઘઉંના છોડથી વીસ, પચીસ ત્રીસ ઇંચની ઉંચાઈએ ડુંડા આવ્યા. આ અસમથળ ડુંડાને કારણે જ્યારે તેમાં ઘઉં પાકે તો એક વકકલને સોનેરીને બદલે લાલ અને સોનેરી એમ બે વકકલના થાય. જેને ખેડૂતો ક્યાંય પણ વેચવા જાય તો તે મિશ્ર ઘઉં ગણાય અને તેનો ભાવ વાવેતરના ખર્ચ કરતા પણ ઓછો મળે. ખેડૂતોને સરકારી કંપનીએ છેતર્યા હોય, મિશ્ર બિયારણ ધાબળી દીધાનું લાગતા મુકેશભાઈ સિદપરા નામના ખેડૂતે ગુજકોમસોલમાં ફરિયાદ કરતા ત્રણેક દિવેસ પૂર્વે કંપનીમાંથી કર્મચારી આવીને ઘઉંના પાકને જોઈને બિયારણમાં કોઈ ખામી ન હોવાનું ખેડૂતોને જણાવીને ચાલ્યો ગયો હતો. કંપનીના આ બેજવાબદાર ભર્યા વર્તનને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. અને કંપની સામે આંદોલનનું રણશીંગુ ફુંક્યું છે. છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂતો ખેતરે જ ખેડૂત આગેવાન ચેતનભાઈ ગઢીયાની આગેવાનીમાં એકઠા થઈ બેઠક કરી. અને આ ઘઉં જ્યારે પાકી જાય ત્યારે બજારમાં વેચવા જશે ત્યારે કોઈ વેપારી તો પૂરો ભાવ આપશે નહીં જેથી કંપની પાસેથી જેટલા પણ ખેડૂતોએ બિયારણ ખરીદયું હોય તે ખેડૂતના ઘઉં કંપની જ ખરીદી લ્યે, તેવું કંપનીને રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ બાબતે કંપની આંડોડાઈ કરે તો કંપની સામે આંદોલનનું રણશીંગૂ ફૂંકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.