ગુંડાઓને કાયદાનું ભાન કરાવવા પોલીસ ગુજસીટોકના ‘શસ્ત્ર’ સાથે એકશનમાં
સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જામનગરના જયેશ પટેલ, સુરેન્દ્રનગરની ‘ગેડીયા ગેંગ’, અમરેલીની સોનું ડાંગર, રાજકોટના ભીખુ રાઉમાં બાદ રાજકોટ ગ્રામ્યના નિખિલ દોંગાની ગેંગને પરાસ્ત કરવા કાર્યવાહી
ખૂન, ખૂનની કોશિષ, ફાયરિંગ, ધાક-ધમકી દઇ મિલકત હડપ કરવાના ગુનામાં સંડોવાયેલા ૧૨ શખ્સોના ૧૧૭ ગુના ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ગોંડલ જેલને ‘મહેલ’ બનાવી અનેક ગંભીર ગુના આચરતા ગેંગસ્ટર નિખિલ દોંગા સહિત નવની ધરપકડ :રેન્જ આઇજી સંદિપસિંઘની સફળતામાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો
રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટ (ગુજસીટોક)ની અમલવારી શરૂ કરાયા બાદ છેલ્લા એક દાયકામાં ગુંડાગીરી આચરતી ગેંગ સામે કડક કાર્યવાહી કરી રાજયની પ્રજાને ભય મુકત અને નિભર્ય બનાવવા પોલીસને ગુજસીટોકનું ‘શસ્ત્ર’ આપ્યું હોય તેમ રાજકોટ રેન્જના આઇજી સંદિપસિંહે જામનગરની જયેશ પટેલ, સુરેન્દ્રનગરની ‘ગેડીયા ગેંગ’ અને ગોંડલની નિખિલ દોંગા ગેંગ સામ ગુજસીટોક હેઠળ કાયદાકીય કાર્યવાહી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી ગયો છે. ગોંડલના નિખિલ દોંગા ગેંગના ૧૨ શખ્સો દ્વારા છેલ્લા એક દાયકામાં ૧૧૭ જેટલા આચરેલા ખૂન, ખૂનની કોશિષ, ફાયરિંગ અને ધાક ધમકી દઇ મિલકત હડપ કરવા સહિતના ગુના ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી છે અને બે શખ્સોનો જેલમાંથી કબ્જો મેળવી લીધો છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.
ખૂન, ખૂનની કોશિષ અને ધાક ધમકી દેવાના અનેક ગુનામાં સંડોવાયેલા ગોંડલના નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં હિન્દી ફિલ્મના વિલન જેવો દબદબો ઉભો કરી જેલ કર્મચારીઓ પાસે પોતાની મનમાની કરાવી જેલમાં મહેફીલ સહિત વૈભવી સગવડ ભોગવતા હોવાનો પર્દાફાસ થયા બાદ પોલીસ સફાળી જાગી હોય તેમ ગોંડલ જેલમાં મનમાની ચલાવતા કેદીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કર્યા બાદ નિખિલ દોંગા સાથે સંકળાયેલા ૧૨ શખ્સો સામે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ગોંડલ ડીવાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા, એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ, એમ.એન.રાણા, ગોંડલ પી.આઇ. સંજયસિંહ જાડેજા અને પી.એસ.આઇ. હિતુભા રાણા સહિતના સ્ટાફે નિખિલ દોંગાની ગેંગના ગોંડલના પૃથ્વી યોગેશ જોષી, અક્ષય ઉર્ફે ગીરી સુર્યકાંત બાવાજી, દેવાંગ જયંતીલાલ જોષી, નરેશ રાજુ ઝાપડા, દર્શન ઉર્ફે ગોલુ પ્રફુલ સાકરવાડીયા, વિજય ભીખા જાદવ, રાજકોટના નવઘણ વરજાંગ ભરવાડ, મહારાષ્ટ્રના વિશાલ આત્મરામ પાટકર અને જામકંડોરણાના ચરેલ ગામના શક્તિસિંહ જશુભા ચુડાસમા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી બે શખ્સોનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો છે. બાકીના ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.
નિખિલ દોંગાની ગેંગ દ્વારા ગોંડલ સિટી, ગોંડલ તાલુકા, લોધિકા, કોટડા સાંગાણી, વિરપુર, ભાયાવદર, જેતપુર, રાજકોટના જુદા જુદા છ પોલીસ મથકમાં, લીંબડી, થાન જોરાવરનગર અને કેશોદમાં કુલ ૧૧૭ જેટલા ગુના નોંધાયા છે
તે તમામ ગુનાની વિગતો એકઠી કરી ગુજરીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવ્યાનું રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
નિખિલ દોંગાએ પેરોલ મંજુર કરાવી છ ગંભીર ગુના આચર્યા
નિખિલ દોંગાએ ૨૦૦૩થી ગુનાખોરી શરૂ કર્યા બાદ ૨૦૧૩માં પીઠડીયા ટોલનાકાનો હવાલો સંભાળતા જેતપુરના કાઠી યુવાન વનરાજ ધાધલની સરાજાહેર કરપીણ હત્યા કરવા સહિત કુલ ૧૪ ગુના નોંધાયા છે. જુદા જુદા ગુનામાં જેલ હવાલે થતા નિખિલ દોંગા ૧૯ વખત પેરોલ મંજુર કરાવી જેલ બહાર આવી પોતાના સાગરીતો સાથે મિલકત સંબંધી ગુના આચરી ફરી જેલમાં હાજર થઇ જતો નિખિલ દોંગાએ ૨૦૧૬માં પેરોલ મેળવી એક વર્ષ અને ચાર માસ સુધી વોન્ટેડ રહી ખૂનની કોશિષ અને બળજબરીથી મિલકત પડાવવા તેમજ મનુષ્ય સાપરાધ વધ સહિત અનેક ગુનાને અંજામ આપ્યો છે.
‘યુધ્ધ એજ કલ્યાણ ગૃપે’ સામાજીક પ્રવૃતિની સાથે ‘અસામાજીક’ પ્રવૃતિ કરી
અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા નિખિલ દોંગાએ સમાજમાં પ્રભુત્વ અને પ્રતિષ્ઠા વધારવા માટે ‘યુધ્ધ એજ કલ્યાણ’ ગુપના ફાઉન્ડર બની ગોંડલ, સુરત અને રાજકોટમાં સામાજીક પ્રવૃતિ શરૂ કરી
રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે નજીકનો નાતો ગોઠવી પોતાનું ધાર્યુ નિશાન પાર પાડવા માહીર ગણવામાં આવે છે. એટલે જ નિખિલ દોંગાને વારંવાર પેરોલ મંજુર થતી અને જેલમાં વૈભવી સગવળ ભોગવતો હોવાનું જાણકારો કહે છે.
જામનગરના ટવિટર યુધ્ધની જેમ સૌરાષ્ટ્રના અન્ય રાજકીય આકાઓને ભોભીતર કરતા રેન્જ આઇજી સંદિપસિંઘ
જામનગર પંથકના ખનિજ માફિયા, બિલ્ડરો, વકીલો, રાજકીય આકાઓ સામે રેન્જ આઇજી સંદિપસિંહ અને જામનગર જિલ્લા પોલીસ ટીમના સપાટો બોલાવી ટવિટર યુધ્ધ સમાપ્ત કર્યુ તેમ સૌરાષ્ટ્રના અન્ય રાજકીય આકાઓને ભોભીતર કરવા આઇજી સંદિપસિંહ દ્વારા કાર્યવાહી હાથધરી છે. રાજકીય ઓથ નીચે ગુંડાઓ, બિલ્ડરો, વકીલોને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દીધા તેવી રીતે ફરી એક વખત રાજકોટ રેન્જ આઇજી રાજકોટ જિલ્લા સહિત રાજકીય આકાઓના ઇશારે અને ગુડાઓને પન્હા આપનાર સામે ત્રાટકી રાજકીય નેતા, વ્હાઇટ કોલર અને ગુંડાઓના નેટવર્કને તોડી પાડી ભોભીતર કરવા કટ્ટીબધ હોય તે રીતે રેન્જ આઇજી સંદિપસિંહ આગળ વધી રહ્યા છે. વેલ ડન સંદિપસિંહ
નિખિલ દોંગા જેલમાં ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો
ખૂન સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ગેંગસ્ટરન નિખિલ દોંગા સામે ૨૦૦૩થી અત્યાર સુધીમાં કુલ ૧૪ ગુના નોંધાયા છે. તે પૈકીના છ ગુના તેને પેરોલ પર છુટીને કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ગોંડલ સબ જેલને પોતાના વૈભવી મહેલ બનાવ્યાની ફરિયાદ છેક જેલ વડા સુધી પહોચતા તાજેતરમાં જ ચેકીંગ સ્કવોર્ડ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં પાંચ મોબાઇલ, એક ડોંગલ, રોકડ મળવા ઉપરાંત જેલમાં તેના સાગરીતો મહેફીલ કરવા આવી મિલકતના હવાલા પતાવવા તેમજ નાણાની લેતી-દેતી પતાવવા આવ્યાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આથી નિખિલ દોંગાને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયો છે.