ગુજકેટની હોલ ટિકિટ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે: શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટનું સમયપત્રક અને ગ્રુપવાઈઝ વિદ્યાર્થીઓ જાહેર કરાયા
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનાર ગુજકેટની પરીક્ષાનું સમયપત્રક અને ગ્રુપવાઈઝ વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ જો વાત કરીએ તો આ વર્ષે ગુજકેટની પરીક્ષા ૧.૩૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપનાર છે અને આ પરીક્ષાનો પ્રારંભ ૨૬મી એપ્રીલથી થનાર છે. ગુજકેટની પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે. ગત વર્ષની વાત કરીએ તો આ વર્ષે ગુજકેટમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
આગામી ૨૬મી એપ્રીલે રાજયભરમાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. ત્રણ સેશનમાં લેવાનારી આ પરીક્ષામાં પ્રથમ સેશનમાં સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ભૌતિક વિજ્ઞાન-કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ બીજા સેશનમાં ૧ થી ૨ દરમિયાન જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે તેમજ ત્રીજા સેશનમાં બપોરે ૩ થી ૪ ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ ગુજકેટની હોલ ટિકિટ થોડા જ દિવસોમાં વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટમાં દર્શાવ્યા મુજબના સમય પ્રમાણે પરીક્ષાખંડમાં પ્રવેશ લેવાનો રહેશે. આ વર્ષે ગુજકેટમાં ગ્રુપવાઈઝ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એ ગ્રુપમાં-૫૬૯૧૩, બી ગ્રુપમાં-૭૭૪૭૮ અને એબી ગ્રુપમાં-૪૫૫ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧,૩૪,૮૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૩૬ લાખ જેટલી હતી. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૧.૩૪ લાખ જેટલી થઈ છે.