- આજે 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા
- 6549 બ્લોકમાં પરીક્ષા લેવાશે
- રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ મળીને કોમન મેરીટ તૈયાર થતું હોય છે
- જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે
GUJCET Exam : ધો.12 વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા, રાજ્યમાં 35 કેન્દ્રો પર પરીક્ષાનુ આયોજન
આજે રાજ્યભરના અનેક સેન્ટરોમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. ધો.12 વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓ માટે અંગે યોજાનાર ગુજકેટ પરીક્ષા અંતર્ગત આજે 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્વનું છે કે, ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા માટે રાજ્યમાં 35 કેન્દ્રો પર પરીક્ષાનુ આયોજન કરાયુ છે. 638 સ્કૂલ અને 6549 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
ગુજકેટ પરીક્ષાને લઈ કડક નિયમો
આ પરીક્ષાને લઈને બોર્ડે કેટલાક કડક નીતિ-નિયમો પણ બનાવ્યા છે વિદ્યાર્થીઓ-સુપરવાઈઝર સહિતના માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ સાદું કેલ્ક્યુલેટર, કાળી શાહીવાળી પેન અને હોલટિકિટ સિવાય અન્ય વસ્તુ લઇ જશે તો ગેરરીતિ ગણાશે! વિદ્યાર્થીઓએ હોલટિકિટ સાથે ID પ્રૂફ તરીકે આધારકાર્ડ, લાઇસન્સ કે ધો.12ની હોલટિકિટ સાથે રાખવી ફરજિયાત હોવાનું બોર્ડે જણાવ્યું છે. આ પરીક્ષા સવારે 10.00 કલાકથી બપોરના 16.00 કલાક દરમિયાન જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
NCERT આધારિત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2025ની પરીક્ષા માટે રહેશે તેવું બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવાયું છે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે.
સુરતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ
ગુજરાતમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી બેઠકો ઉપરાંત ફાર્મસીની 10,752, એગ્રીકલ્ચરની 678 અને વેટરનરીની 315 બેઠકો છે. કૂલ 1,39,283 બેઠકો પર મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે, ગુજકેટની પરીક્ષા માટે 1,29,706 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યમાં સુરતમાં સૌથી વધુ 19,067 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640, રાજકોટમાં 9,439, વડોદરામાં 8,351 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
કેવી રીતે અપાશે માર્ક
ધોરણ 12 સાયન્સના A ગ્રુપના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તો B ગ્રુપના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયની પરીક્ષા આપશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર પ્રથમ સેશનમાં 2 કલાકનું હશે. જેના 80 માર્ક તો બાયોલોજી અને મેથ્સનું પેપર 40-40 માર્કનું હશે. જેમાં કુલ 120 માર્કના પેપરમાં 120 MCQ હશે. દરેક MCQનો 1 માર્ક હશે પરંતુ કોઈ MCQ ખોટો લખાઈ ગયો તો 25 કપાશે. એટલે કે 4 MCQ ખોટા પડશે તો 1 માર્ક કપાશે.
આ રીતે ગણાશે મેરીટ
બોર્ડની પરીક્ષાના સાયન્સ પર્સન્ટાઇલના 50 ટકા ગુણ મેરીટ માટે ગણવામાં આવશે. એટલે કે A ગ્રુપના વિદ્યાર્થીઓના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના કુલ પર્સન્ટાઇલના 50 ટકા તો B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના કુલ પર્સન્ટાઇલના 50 ટકા ગુણ ગણતરીમાં લેવામાં આવશે અને બાકીના ગુજકેટમાં આવેલા કુલ ગુણના 50 ટકા ગણતરીમાં લેવામાં આવશે અને તેના આધારે મેરિટ બનશે. જોકે આ વખતે પણ એન્જિનિયરિંગમાં 50 ટકા જેટલી સીટ ખાલી રહે તેવી શક્યતા છે.