રાજકોટ સહિત રાજયના લાખો વિદ્યાર્થીઓના ભાવિનો કાલે ફેંસલો: છાત્રોને માર્કશીટ પણ કાલે જ આપી દેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનો આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરીણામ જાહેર થવાનું બોર્ડે સતાવાર જાહેરાત કરી છે.
રાજકોટ સહિત રાજયભરના લાખો વિદ્યાર્થીઓએ ગત તા.૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજકોટના જુદા-જુદા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આવતીકાલે સવારે શિક્ષણબોર્ડ દ્વારા ગુજકેટનું પરીણામ જાહેર થનાર હોય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉતેજનાનો માહોલ છવાયો છે. અગાઉ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરીણામ બંને સાથે ૧૭ મેના રોજ જાહેર થનાર હતા પરંતુ ગુજકેટના પરીણામમાં વિલંબ થતા ધો.૧૨ સાયન્સનું પરીણામ પ્રથમ જાહેર કરી દેવાયું હતું.
તાજેતરમાં ધો.૧૨ સાયન્સના પરીણામ બાદ આવતીકાલે સવારે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટનું ૨૦૧૭નું પરીણામ સવારે ૧૦ કલાકથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ ૂૂૂ.લતયબ.જ્ઞલિ ઉપર ઓનલાઈન મુકવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનું વ્યકિતગત પરીણામ આવતીકાલે સવારે ૮:૦૦ કલાકથી બોર્ડની વેબસાઈટ ઉપર પોતાના સીટ નંબર દાખલ કરી જોઈ શકશે.
શિક્ષણ બોર્ડના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ધો.૧૨ સાયન્સના પરીણામના દિવસે જ માર્કશીટ પણ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી હતી. ત્યારે આવતીકાલે જાહેર થનારા ગુજકેટના પરીણામની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ દરેક જિલ્લા કક્ષાએથી આપી દેવામાં આવશે.