રાજયમાં નકકી કરાયેલા ૪૨ વિતરણ કેન્દ્રો પરથી માહિતી પુસ્તિકા અને પીન નંબર મળશે: રાજકોટમાં એસ.જી.ધોળકિયા સ્કુલમાં વ્યવસ્થા: બોર્ડની વેબસાઈટ પર પણ સુવિધા ઉપલબ્ધ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) ૧૧ મે-૨૦૧૭ના રોજ યોજવામાં આવનાર છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું નકકી કરવામાં આવેલ છે. શાળાઓ અને ઉમેદવારોએ માહિતી પુસ્તિકા અને પીન નંબર રાજયભરમાં નકકી કરાયેલ ૪૨ વિતરણ કેન્દ્રો પરથી તા.૩૦/૩ ના રોજ ઉમેદવાર દીઠ પરીક્ષા ફી રૂ.૩૦૦/-નો રાષ્ટ્રીયકૃત બેંકનો અમદાવાદ ખાતે ચુકવવાપાત્ર ‘સચિવ, ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ સેલ, ગાંધીનગરના નામનો ડી.ડી. આપવાથી મળી શકશે.
આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા બોર્ડની કચેરી ખાતે તથા ટી એન્ડ ટી.વી.હાઈસ્કૂલ, નાનપુરા, સુરત અને એસ.જી.ધોળકિયા હાઈસ્કુલ, રાજકોટ ખાતેથી તા.૩૦/૩ થી તા.૧૫/૪ દરમ્યાન માહિતી પુસ્તિકા અને પીન નંબર મેળવી શકશે. માહિતી પુસ્તિકા અને પીન નંબર વિતરણ કેન્દ્રની યાદી બોર્ડની વેબસાઈટ www.gsed.org ઉપર મુકવામાં આવેલ છે. વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓએ તેમની શાળાના તમામ ઉમેદવારોનો પરીક્ષા ફીનો સંયુકત ડી.ડી કઢાવીને પણ માહિતી પુસ્તિકા અને પીન નંબર મેળવી શકશો. યુઝર્સ આઈ.ડી. પાસવર્ડ નો ઉપયોગ કરી વેબસાઈટ www.gseb.org પર લોગ ઈન કરી ગુજકેટ-૨૦૧૭નું રજીસ્ટ્રેશન કરાવી શકશે. (ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. તા.૩૦/૩ થી તા.૧૬/૪ દરમ્યાન ઓનલાઈન થઈ શકશે. ઉમેદવારે ફોટો અને હસ્તાક્ષર પણ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરની વિગતો પણ ફરજીયાત માંગવામાં આવેલ છે.