ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવ્યા બાદ 6 એપ્રિલ સુધી આન્સર કીને લઈને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતો મળ્યા બાદ તજજ્ઞો પાસે તેની ચકાસણી કરાવવામાં આવી હતી. ચકાસણીના અંતે કેમિસ્ટ્રીના એક પ્રશ્નમાં એકના બદલે બે વિકલ્પ સાચા હોવાનું જણાતા તેના ફેરફાર સાથે ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય પ્રશ્નો માટે પ્રોવિઝનલ આન્સર કીને જ ફાઈનલ આન્સર કી નક્કી કરાઈ છે. જેથી મેથ્સ અને કેમિસ્ટ્રીમાં એક- એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા વિદ્યાર્થીઓને તેના માટે એક-એક ગુણ આપવામાં આવશે.
બોર્ડ દ્વારા 31 માર્ચના રોજ લેવામાં આવેલી ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પેપર તજજ્ઞો પાસે ચેક કરાવી પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી હતી. પ્રોવિઝનલ આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો બોર્ડને ઈ-મેઈલ દ્વારા 6 એપ્રિલ સુધી મોકલવા પણ જણાવાયું હતું. પ્રોવિઝનલ આન્સર કી અનુસાર, ગણિતમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા દરેક વિદ્યાર્થીને એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. જ્યારે કેમિસ્ટ્રીમાં પણ એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નક્કી કરાયું છે.
આ ઉપરાંત બાયોલોજીમાં એક પ્રશ્નના બે ઓપ્શન સાચા હોવાનું જણાતા બે પૈકી ગમે તે ઓપ્શન લખ્યું હશે તેને ગુણ આપવામાં આવશે. આમ, ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાયા બાદ તે અંગે વિદ્યાર્થીઓ તરફથી બોર્ડને રજૂઆતો મળી હતી. આ રજૂઆતો બોર્ડ દ્વારા તજજ્ઞો પાસે તપાસવા માટે મોકલી હતી. જેથી તમામ રજૂઆતો પૈકી એક રજૂઆત સાચી હોવાનું જણાતા તે અનુસાર આન્સર કીમાં ફેરફાર કરી ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જે રજૂઆતના આધારે આન્સર કીમાં ફેરફાર કરાયો છે, તેમાં કેમિસ્ટ્રીમાં પેપર સેટ નંબર-1માં પ્રશ્ન નંબર- 77માં પ્રોવિઝનલ આન્સર કીમાં ઈ જવાબ સાચો બતાવાયો હતો, પરંતુ તેમાં ફેરફાર બાદ અ અને ઈ બંને વિકલ્પ સાચા હોવાથી બંને પૈકી જે પણ વિકલ્પ લખ્યું હશે તે સાચુ ગણાશે.