પોલીસે આરોપી પર ગોળીબાર કરતા એકનું એન્કાઉન્ટર, એકને પગમાં ગોળી વાગી: સરકારે શહીદ ડીએસપીના પરિવારજનોને સરકારે રૂ.1 કરોડ સહાયની કરી જાહેરાત,એક સભ્યને મળશે સરકારી નોકરી
હરિયાણામાં ખનિજ માફીયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ ખનન રોકવા ગયેલા ડીએસપીને ખનિજ માફીયાઓએ ટ્રક નીચે કચડી મોતને ઘાટ ઉતાર્યા છે. હરિયાણાના નુહ જિલ્લામાં ગેરકાયદે માઇનિંગની તપાસ કરી રહેલા ડીએસપીની માઇનિંગ માફિયાઓએ ટ્રક નીચે કચડી નાંખી ક્રૂર હત્યા કરી હતી. ડીએસપીએ ટ્રકને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના બની છે. ડીએસપીના મોત બાદ પોલીસે જણાવ્યું હતું કે પોલીસ કાર્યવાહીમાં એકાઉન્ટરમાં એકનું મોત થયું છે જ્યારે કલીનરને પગમાં ગોળી વાગતાં તેનું ધરપકડ કરવામાં એવી છે. સરકારે શહીદ ડીએસપીના પરિવારજનોને રૂ.1 કરોડની સહાય અને એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તૌરાના ડીએસપી સુરેન્દ્ર સિંહે આ ટ્રકને ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો. તેઓ ડોક્યુમેન્ટની ચકાસણી કરવા આગળ વધ્યાં ત્યારે ટ્રક તેમની ઉપર ફેરવી દેવામાં આવ્યો છે. ડીએસપીના ગનમેન અને ડ્રાઇવર કુદકો મારીને બાજુમાં જતાં રહ્યાં હતા. સુરેન્દ્ર સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
ડીએસપી અરવલ્લી પર્વતોમાં ગેરકાયદે માઇનિંગને અટકાવવાની રેડ પાડવા માટે તૌરા નજીકના પાંચગાંવ વિસ્તારમાં ગયા હતા. હરિયાણાના પોલીસ મહાનિર્દેશક પી કે અગ્રવાલે નુહમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હત્યાનો કેસ દાખલ કરાયો છે. પોલીસે ઇક્કર નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. બીજા આરોપીઓની પણ ટૂંકસમયમાં ધરપકડ કરવામાં આવશે.રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગેરકાયદે માઇનિંગને અંકુશમાં લેવા તે આકરા પગલાં લઈ રહી છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે કોઇ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. તૌરા ડીએસપી સુરેન્દ્ર સિંહની હત્યાના કેસમાં કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે ડીએસપીના પરિવારને એક કરોડની સહાય અને એક સરકારી નોકરીની જાહેરાત કરી હતી. હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વીજે જણાવ્યું હતું કે આ ઘાતકી કૃત્ય માટે જવાબદાર તમામ ગુનેગારો સામે કડક પગલાં લેવાનો તેમણે આદેશ આપ્યો છે.
હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને એએસઆઇનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.