ખેડૂતો માટે એરંડો ચાંદી સમાન: ઉત્પાદન ૧૨ લાખ ટને આંબ્યું
ઉજજળ ગામમાં એરંડો પ્રધાન કહેવતને ગુજરાતનાં ખેડુતોએ ખોટી પાડી છે. છેલ્લા વર્ષમાં રાજયમાં ખેડુતોએ એરંડાનું વિક્રમી ઉત્પાદન કરી સમગ્ર દેશમાં જ નહી બલ્કે વિશ્ર્વમાં ડંકો વગાડી દીધો છે. અને ચાલુ વર્ષે એરંડાના ઉત્પાનમાં ૮૦ ટકાના વધારા સાથે અધધ… કહી શકાય તેટલું ૧૨ લાખ ટન એરંડાનું ઉત્પાદન રાજયમાં થવાની ધારણા એગ્રીબિઝનેશ સીસ્ટમ લીમીટેડ ઈન્ડીયાના સર્વેમાં વ્યકત કરવામાં આવી છે.
મગફળી, કપાસ, ઘઉં, ચણાનાં ઉત્પાદનમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવતા ગુજરાતમાં છેલ્લા વર્ષમાં એરંડાના વાવેતરમાં ઉતરોતર વધારો નોંધાઈ રહ્યો છે. એગ્રી બિઝનેશ સીસ્ટમ લીમીટેડ ઈન્ડીયાના સર્વ મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં ૯ લાખ ટન એરંડાનું ઉત્પાદન થયું હતુ જે ચાલુ વર્ષ ૮૦ ટકા વધારા સાથે ૨૦૧૭-૧૭૮માં વધીને ૧૨ લાખ ટન ઉત્પાદન થવાની ધારણા સર્વેક્ષણ બાદ કરવામાં આવી છે.
ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી અને અન્ય ઔદ્યોગીક એકમોમાં વપરાતા લ્યુબ્રિકેન્ટ બનાવવામાં એરંડાનો મોટાપ્રમાણમાં ઉપયોગ થતો હોય ખેડૂતોને એરંડાનો પ્રતિમણ ૭૦૦ થી ૮૦૦ ‚પિયાનો ભાવ મળી રહ્યો છે. વળી એરંડાના પાકમાં વાવેતરથી લઈ જાળવણી સુધીમાં પાણી સિવાય મોટો ખર્ચ આવતો ન હોય ખેડૂતો દિવસે દિવસે વધુને વધુ એરંડાનું વાવેતર કરતા થયા છે. જેના પરિણામ સ્વ‚પ ખેડુતોને એરંડાના વાવેતરથી થઈ પડી છે.
એગ્રી બિઝનેશ ઈન્ડીયા લીમીટેડ અને સરકારનાં સર્વે મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં રાજયમાં એરંડાનું વાવેતર ૫,૯૫,૬૦૦ હેકટર વિસ્તારમાં થયું છે. ગત વર્ષ એરંડાનું વાવેતર ૫,૬૫,૪૦૦ હેકટરમાં થયું હતુ આમ, ગત વર્ષની તુલનાએ રાજયમાં એરંડાનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે.
જંતુનાશક દવા અને બિયારણનો વ્યાપાર કરતા નેશનલ એગ્રો સેન્ટરનાં પરાક્રમસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે પ્રતિ હેકટર વાવેતરમાં એરંડામાં અન્ય પાકોની તુલનાએ ઓછો ખર્ચ આવે છે, વળી દવા અને ખાતર તેમજ અન્ય જાળવણી ખર્ચ ઓછો હોવા ઉપરાંત પ્રતિ વિઘે ૪૦ થી ૪૫ મણ ઉત્પાદન જોતા એકરે ૧૦૦ મણથી વધુ ઉતારો અને પ્રતિમણ એરંડાનાં ભાવ ૭૦૦ થી ૮૦૦ રહેતા ખેડુતોને વિધે ૪૦ હજારથી વધુની ખેત ઉત્પાદકતા મળે છે.જે અન્ય પાકોની તુલનાએ ખૂબજ વધારે છે, જો નબળી જમીન હોય તો પણ એરંડો પ્રતિ વિઘે ૨૦ થી ૨૫ મણ ઉતરતો હોય ખેડુતો વધુને વધુ એરંડો વાવવા પ્રેરાયા છે.
આમ, ગુજરાતનાં ખેડૂતોએ સમગ્ર દેશમાં એરંડાનું વાવેતર અને ઉત્પાદનમાં અવ્વલ સ્થાન હાંસલ કરવાની સાથે સાથે પોતાની આવકમાં પણ વધારો કરતા ઉજજળ ગામમાં એરંડો પ્રધાન કહેવતને ખોટી પાડી છે. નોંધનીય છે કે દેશમાં ગુજરાત સિવાય રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, અને તેલંગાણામાં પણ એરંડાનું વાવેતર થાય છે. પરંતુ ગુજરાતનો હિસ્સો સૌથી મોટો છે.સમગ્ર દેશમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે; વિઘા દીઠ ૪૦ થી ૪૫ મણનો ઉત્તારો: ઓછા ખર્ચ મબલખ ઉત્પાદન