મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ આઈ–વે પ્રોજેકટનું લોકાર્પણ: અક્ષય ઉર્જા વેબસાઈટનું તથા બીઆરટીએસ–આરએમટીએસની નવી વેબસાઈટનું લોન્ચીંગ: હેકાથોન–૨૦૧૭ની હેન્ડબુકનું વિમોચન
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આઈ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરભરમાં રૂ.૬૯ કરોડના ખર્ચે ૧૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. પ્રથમ ફેઈસમાં રૂ.૪૭ કરોડના ખર્ચે શહેરના ૧૦૭ સ્થળોએ ૪૮૬ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે રાજકોટ આઈ-વે પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથો સાથ બીજા ફેઈસમાં વધુ ૫૦૦ સીસીટીવી કેમેરાની કામગીરી શ‚ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સીએમના હસ્તે રાજકોટ મહાપાલિકાની અક્ષય ઉર્જા વેબસાઈટનું લોન્ચીંગ, રાજકોટ રાજપથ લી. દ્વારા બીઆરટીએસ તથા આરએમટીએસની જાહેર પરિવહન સેવા માટે બનાવવામાં આવેલી નવી એન્ડ્રોઈડ એપ્લીકેશન અને વેબસાઈટ તથા હેકાથોન-૨૦૧૭ની હેન્ડબુક અંગેની ટૂંકી નોંધનું વિમોચન કરવામાં આવ્યું હતું.તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શહેરના હેમુગઢવી હોલ ખાતે સંબોધન આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, હું જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યો ત્યારે મારા ભાગે માત્ર સવા વર્ષ બાકી હતું અને મારે ૨૦-૨૦ મેચમાં જેમ બેટીંગ કરે તે રીતે ઝડપથી કામ કરવાનું હતું. નિર્ણાયક ઝડપી અને ગુજરાત ઓન ફાસ્ટટ્રેકની લક્ષ્યાંક સાથે કામ કર્યું. મુખ્યમંત્રી બન્યા ત્યારે મેં રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી. પ્રજાની પિડા અને સમસ્યાના નિરાકરણ માટે રાજય સરકાર દ્વારા દરેક વિભાગના અતિમહત્વના એવા ૪૭૫ નિર્ણયો ૩૬૫ દિવસમાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતને ભારત દેશનું રોલ મોડેલ અને રાજકોટને ગુજરાતનું પાવર હાઉસ ગણાવ્યું હતું. સાથો સાથ તેઓએ તંત્રને એવી પણ ખાતરી આપી હતી કે, ઝડપથી કામ શરૂ કરી દો, પૈસાની ચિંતા ન કરો, સરકાર બેઠી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉની સરકારોમાં જે રાજયમાં પોતાની સરકાર હોય તેને લાભ આપવામાં આવતા હતા. લાલુ અને મમતા જયારે રેલવે મંત્રી હતા ત્યારે મોટાભાગની ટ્રેનો પશ્ર્ચિમ બંગાળ કે બિહારને ફાળવી દેવામાં આવતી હતી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ તેઓએ મેરીટ મુજબ પ્રોજેકટ આપવાની પ્રણાલી શ‚ કરી છે. ગુજરાતના ૬ શહેરોનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે ખુબ મહત્વની બાબત છે. હાલ રાજયને એઈમ્સ મળવાની પણ છે. ત્યારે એઈમ્સ કોઈ રાજનીતિક દબાણને કારણે નહીં મળે પરંતુ મેરીટ અને નોમ્સના આધારે મળશે. જો વિકાસ કરવો હોય તો તંત્રએ પણ મેરીટમાં ઉભુ રહેવું પડશે. આજ સુધી સરકાર ચાલતી હતી, દેશ ચાલતો ન હતો પરંતુ હવે દેશ ચાલી રહ્યો છે.તેઓએ રાજકોટ આઈ-વે પ્રોજેકટને ખુબજ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો સાથો સાથ જણાવ્યું હતું કે, રાજકોટમાં ગુનાખોરી ડામવા રાજય સરકારનો કડક નિર્ધાર છે. હવે રાજકોટના ખુણે-ખુણે ચકોર નજર રાખશે. ગુનો કરનાર કે નિયમોનું પાલન ન કરનારને દંડ કરવામાં આવશે. હવે મહિલાઓના ગળામાંથી સમડીઓ ચેન ઝુંટવી જતી હતી તે ઘટના પણ બંધ થઈ જશે. ગુજરાત કે દેશ સામે કોઈ નજર ન ઉઠાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી રહ્યાં છીએ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને આતંકી હુમલા સરકાર માટે સૌથી મોટો પડકાર છે. આઈ-વે પ્રોજેકટ અંતર્ગત હવે એક દિવાલ પર આખુ રાજકોટ દેખાશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૧૯૯૫ પહેલા જે સરકાર હતી તેનું વાર્ષિક બજેટ માત્ર સાડા સાત હજાર કરોડનું હતું. ૨૦૦૧ પછી નરેન્દ્રભાઈ મોદીની સરકારે બજેટના કદમાં તોતીંગ વધારો કર્યો જયારે ૧૧ હજાર કરોડ સૌની યોજનાની જાહેરાત કરાઈ ત્યારે વિપક્ષ એવી હાસી ઉડાવતો હતો કે, સૌની યોજનાની પાઈપ લાઈનમાંથી માત્ર હવા નિકળશે. આજે આ યોજના થકી જળાશયો ભરાઈ રહ્યાં છે ત્યારે વિપક્ષની હવા નિકળી ગઈ છે. ચાલુ સાલ ફેબ્રુઆરી મહિનામાં મારી સરકારો રેકોર્ડબ્રેક રૂ.૧,૭૨,૦૦૦ કરોડનું તોતીંગ બજેટ આપ્યું. માર્ચમાં બજેટ સત્ર પૂર્ણ થયું અને એપ્રિલ માસથી બજેટની અમલવારી શરૂ થઈ ગઈ છે. આજે સપ્ટેમ્બર માસના અંતમાં હું એવો દાવો કરું છું કે, બજેટની ૧૦૦ ટકા રકમ વપરાઈ રહી છે અને મોટાભાગના પ્રોજેકટો હાલ પુરજોશમાં ધમધમી રહ્યાં છે. રાજયના ૪૦ શહેરો અને ૬ તીર્થધામોમાં સીસીટીવી સર્વેન્સ લગાવવાની કામગીરી પણ પૂર્ણતાના આરે છે. ૨જી ઓકટોબરે રાજય સરકાર દ્વારા ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતા રાજયના ૩૩૦૦ શહેરોમાં સધન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે બપોરે ૪ કલાકે મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કુલ પાસે બનાવવામાં આવનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.રાજકોટ આઈ-વે પ્રોજેકટનું લોકાર્પણ સહિતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.