- કોલસા અને લિગ્નાઇટ આધારિત વીજ મથકોના વિકાસ માટે કરાયા કરાર
ભારત માટે વિકાસ મોડેલ બની ગયેલા ગુજરાત રાજ્યમાં વીજળીની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી વર્ષ-2031/32 સુધીમાં વીજ માંગ 36 હજાર મેગવોટ પહોંચી શકે છે. દરમિયાન ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઉર્જા સુરક્ષા માટે કોલેસા અને લિગ્નાઇટ આધારિત વીજ મથકોના વિકાસ માટે કરાર કરાયા છે.
રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા 5 વર્ષો દરમિયાન 6% થી વધુના વાર્ષિક દરે વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ 2023-24 દરમિયાન 24544 મેગાવોટની મહત્તમ વીજ માંગ નોંધાયેલ છે. રિપોર્ટના અંદાજ મુજબ વર્ષ 2031-32 માં 36000 મેગાવોટ સુધી પહોચી શકે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વ હેઠળ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અન્વયે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ તથા ઉદ્યોગ અને ખનીજ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એમઓયુ કરેલ છે. ઉર્જામંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર કરેલ છે. જે અન્વયે ઉર્જા અને ખનીજ વિભાગની કંપનીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન રાજ્યની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાને સંબોધવા હાથ મિલાવ્યા છે. વીજ એકમોની નવી ક્ષમતાઓ ઉમેરવા ઉપરાંત જૂના કાર્યરત વીજ મથકોને બદલવાની જરૂરિયાતને ધ્યાને લઇ, જીયુવીએનએલ અને જીએમડીસી શીર્સ નેતૃત્વએ સાથે મળી કોલસા અને લિગ્નાઈટ આધારિત વીજ મથકોના વિકાસ થકી રાજ્યની ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સહયોગ કર્યો છે. આ વ્યૂહાત્મક ભાગીદારી કોલસા અને લિગ્નાઈટના ઉપયોગથી ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટેનો એક સહયારો પ્રયાસ છે.
ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ભવિષ્યની ઉર્જા જરૂરિયાતને સુનિશ્ચિત કરવાની દિશામાં આ એમઓયુ પરના હસ્તાક્ષર એક ઐતિહાસિક અને માર્ગસૂચક પગલું બની રહેશે. જીયુવીએનએલ અને જીએમડીસીનો આ લેન્ડમાર્ક એગ્રીમેન્ટ ઉર્જા શ્રેષ્ઠતા પ્રત્યે આપણા સહયારા સમર્પણનું પ્રતિક છે. સામુહિક સમજદારી અને વ્યુહાત્મક ભાગીદારી વડે બધાને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમે કટિબદ્ધ છીએ જેથી રાજ્યની સમૃદ્ધિ અને વૃદ્ધિ થતી રહે. આત્મ-નિર્ભર અને વાઈબ્રન્ટ ગુજરાત દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ આપવાનું કામ કરશે. માઈનીંગ અને વીજ ક્ષેત્રમા નોંધનીય રોકાણ અને સકારાત્મક પરિણામો થકી ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવું એ આપણા પ્રયાસોમાં છે.
રાજ્ય સરકારના વિભાગો કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાની જરૂરિયાતને લઇ સજાગ છે અને સાથે સાથે બિન-પરંપરાગત વીજ સ્ત્રોતોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. પરંતુ, હયાત પગલાઓ રાજ્યની વધી રહેલી વીજ માંગ તથા લોડ બેલેન્સીંગમા અને પીક સમયગાળાની વીજ માંગને પહોચી વળવામાં ઉપયોગી બની રહેશે. જીએમડીસી કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ રાજ્યની લિગ્નાઈટ ખાણોને વિકસાવવા માટે આ દિશામાં નોંધનીય પગલાઓ લઇ રહી છે. આ પહેલના ભાગરૂપે, ભારત સરકારે ઓડીશા રાજ્ય ખાતે સ્થિત બેત્રણી-પશ્ચિમ (જીલ્લો: અંગુલ) અને બુરાપહર (જીલ્લો: સુંદરગઢ) કોમર્શીયલ ખાણોની ફાળવણી કરેલ છે. બંને ખાણોમાં આશરે કુલ 660 મીલીયન મેટ્રિક ટન કોલસાનો રીઝર્વ મેળવી શકાશે. જેના થકી 4400 મેગાવોટ ક્ષમતાના થર્મલ વીજ ઉત્પાદનને સહાય મળી રહેશે. તદુપરાંત, જીએમડીસી રાજ્યમાં સ્થિત લિગ્નાઈટ ખાણોને પણ કાર્યરત કરવાની પ્રક્રિયામાં છે જેના થકી વધુ 1250 મેગાવોટ લિગ્નાઇટ આધારિત વીજ સ્ત્રોતને સમર્થન મળી રહેશે. રાજ્યના વીજ ગ્રાહકોને 24ડ7 સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સ્પર્ધાત્મક અને વિશ્ર્વસનીય રીતે મળી રહે તે સુનિશ્ર્ચિત કરશે.