ભોઈ સમાજ હંમેશા ભાજપ સરકારને પડખે જ રહ્યો છે: ઉદયભાઈ કાનગડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભોઇ સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું હતુ જેમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ભોઇ સમાજના 75 વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠોનું સન્માન કરાયું હતુ.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્ય હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે સૌ સમાજને સાથે લઈ ચાલવાની નીતિ-રીતિ અપનાવી રાજ્યના વિકાસની કેડી કંડારી છે. સામાજીક ઉત્કર્ષ માટે સરકાર વધુ અસરકારક અને મોટા પાયે કાર્ય કરી શકે તેનું આગવું દ્રષ્ટાંત ગુજરાતની ભાજપા સરકાર અને રાજ્યના વિવિધ સમાજ-વર્ગો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ભોઈ સમાજના 75 વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકોનું આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ, જનહિતકારી અભિયાનો અને વિકાસકામો નાગરિકોના ઉત્કર્ષ અને કલ્યાણ માટેનાં મહત્વનાં સાધન છે.
ગુજરાતની ભાજપા સરકારે યોજનાઓ-વિકાસકામોના માધ્યમથી સમાજના વંચિત અને છેવાડાના વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાના સફળ પ્રયાસ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, 20 વર્ષ પહેલાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો 33 ટકા જેટલો હતો, જે આજે ઘટીને 3 ટકાથી પણ નીચે આવી ગયો છે. એક સમયે પીવાના પાણી માટે વલખાં મારતા ગુજરાતનાં ગામડાઓમાં આજે 96 ટકાથી વધુ ઘરોમાં નળથી જળ પહોંચાડી દીધું છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરી ભાજપા સરકારે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે.
બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડે જણાવ્યું કે વર્ષો પહેલાં રાજસ્થાનથી આવીને વસેલા ભોઈ સમાજના લોકોએ અન્ય સમાજની સાથે કદમથી કદમ મિલાવી ગુજરાતની વિકાસયાત્રામાં સહયોગ કર્યો છે. ગુજરાતની ભાજપા સરકારના સુશાસનને પરિણામે ભોઈ સમાજ હંમેશાં ભાજપા સરકારની પડખે જ રહ્યો છે.
આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ, ભોઈ સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ, જયંતિભાઈ, હસમુખભાઈ સહિતના અગ્રણી ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.