લોકડાઉન સમયમાં ઘરે રહી સર્જી ‘કલાકૃતિ’
ભારત સહિત ૧૫ દેશોના ૧૨૦૦ કલાકારોમાં ડંકો વગાડતા ગુજરાતના કલાકારો
આંતરરાષ્ટ્રીય ઓનલાઈન કલા પ્રદર્શનમાં વડોદરાના કલાકારબંધુ કૃષ્ણ પડિયા અને અતુલ પડિયાની કૃતિને સિલ્વર અને બ્રોન્ઝ એવોર્ડ મેળવ્યા છે. ભારત સહિત ૧૫ દેશોના ૧૨૦૦ કલાકારોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કોરોનાને લીધે સમગ્ર વિશ્વ ચિંતિત છે. તેવા સમયે જનસુરક્ષા માટે લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે તેવા સમય માં કલાકારો તેમના ઘરમાં રહી કલાત્મક કૃતિઓનું નિર્માણ કરી પોતાની આંતરિક શક્તિઓને અનોખો માર્ગ આપી રહ્યા છે. પોતાને હાથવગી વિવિધ કળાઓને રચનાત્મક શૈલીમાં ઢાળી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પરની સ્પર્ધાઓ અને પ્રદર્શનોમાં મોકલી પોતાના વિસ્તારનું, રાજ્યનું, તેમજ રાષ્ટ્રનું નામ રોશન કરે છે. ઓનલાઇન કલા પ્રદર્શનમાં ભારત ઉપરાંત મલેશિયા, કેન્યા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, યુક્રેન, ઈરાન, શ્રીલંકા, આફ્રિકા, યુગાન્ડા, મ્યાન્માર, ફિલીપીન્સ, હોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, નેપાળ, ઓસ્ટ્રેલિયા, બહેરિન, યુએસએ, ઇજિપ્ત સહિત ૧૫ દેશોના ૧,૨૦૦ કલાકારોએ ભાગ લીધો હતો.
તે તમામની આ કલાકૃતિઓમાંથી ગુજરાત રાજયના વડોદરા શહેરના બે કલાકાર પડિયાબંધુઓએ કલાક્ષેત્રે આગવું નામ બનાવ્યું છે. આ કલાકાર બંધુઓએ કલાક્ષેત્રે સતત સર્જનાત્મક કાર્ય કરી કલા સાથે સકારાત્મક કાર્યો કર્યા છે. પડિયાબંધુઓએ પોતાની સર્જનાત્મકતા અભિવ્યક્તને લોકાભિમુખ કરવા ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમને પ્લેટફોર્મ બનાવી પોતાના સર્જન દેશ-વિદેશમાં પહોંચાડ્યા છે અને લોકચાહનાની સાથે સાથે ઈનામો પણ પ્રાપ્ત કર્યા છે. ઓનલાઈન આર્ટ ગેલેરી અને બુંદેલખંડ આર્ટ સોસાયટી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ઓનલાઈન કલા પ્રદર્શન અને સ્પર્ધા-૨૦૨૦માં આ કલાકાર બંધુઓએ પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ સ્પર્ધામાં કુલ આઠ દેશોના ૫૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.
આખરી તબક્કાના પરિણામમાં કૃષ્ણ પડિયાને પોતાની ડિઝીટલ કૃત્તિ માટે સિલ્વર એવોર્ડ તેમજ અતુલ પડિયાને પોતાના ડ્રોઈંગ્સ માટે બ્રોન્ઝ એવોર્ડ મળ્યો હતો. તેવી જ રીતે ડ્રીમ આર્ટ વર્લ્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ઓનલાઈન કલા સ્પર્ધા-૨૦૨૦ માટે પણ આ કલાકાર બંધુઓએ પોતાની ભાગીદારી નોંધાવી હતી. વડોદરાના કલા ગૌરવ પુરસ્કાર વિજેતા કૃષ્ણ પડિયાને પોતાની ફોટોગ્રાફી માટે સિલ્વર એવોર્ડ તેમજ અતુલ પડિયાને પોતાની ડિઝીટલ વર્ક માટે બ્રોન્ઝ એવોર્ડ પ્રાપ્ત કરેલ આ સ્પર્ધામાં વિશ્વના પંદર જેટલા દેશોમાંથી ૧,૨૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.