નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા કૈલાશનાથન ૨૦૧૯ સુધી જવાબદારી સંભાળશે
રાજયમાં વહીવટી નિર્ણય જેને પુછયા બાદ જ લેવાય છે તેવા કુનિયીલ કૈલાશનાથન (કે.કે.)ને ફરીથી મુખ્યમંત્રીના ચિફ પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે એકસ્ટેન્શન મળ્યું છે. તેઓ આગામી ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ સુધી પદ પર નિયુકત રહેશે.
કૈલાશનાથન વર્ષ ૨૦૧૩ના મે મહિનામાં નિવૃત થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ ચિફ પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે ફરીથી નિયુકત કરવામાં આવ્યા હતા. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેમને ઓગષ્ટ મહિનામાં છેલ્લુ એકસ્ટેન્શન મળ્યું હતું. કૈલાશનાથનને નરેન્દ્ર મોદીના સૌથી વધુ વિશ્ર્વાસુ ગણવામાં આવે છે. તેઓ વર્ષ ૨૦૦૬થી મુખ્યમંત્રી કાર્યાલયમાં સેવા આપી રહ્યાં છે. મોદી દિલ્હી પહોંચ્યા બાદ પણ તેમને આનંદીબેનના શાસનમાં ચાલુ રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાં તેઓ એક દશકાથી વહીવટ સંભાળી રહ્યાં છે.
છેલ્લા એક દશકામાં કૈલાસનાથન માત્ર ગુજરાતના પાવરફૂલ બ્યુરોક્રેટ નહીં પરંતુ સમગ્ર ભારતના પાવરફૂલ બ્યુરોક્રેટમાં ગણાવવા લાગ્યા છે. તેમને ફરીથી બે વર્ષનું એકસ્ટેન્શન મળતા ગુજરાતના વહીવટમાં કૈલાશનાથનનું પ્રભુત્વ બરકરાર રહેશે તેવી સંપૂર્ણ શકયતા છે.