- ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ લાભ મળી રહેશે:રાજ્યપાલ
- ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ.
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
રાજભવન ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ – ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, હાલોલ વચ્ચે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ- વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે એ બાબતે એમ ઓ યું કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઉપાધ્યક્ષ બિપીનભાઈ ગોતા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અંગેના રિસર્ચ અને એજ્યુકેશનમાં ખૂબ સારું યોગદાન આપી રહી છે, ત્યારે હવે આ યુનિવર્સિટીના સહયોગથી ગુજકોમાસોલના માધ્યમથી રાજ્યના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ લાભ મળી રહેશે.