સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨૦૦ બેઠકો સામે ૨૪૧ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા જયારે ગુજરાતમાં ૫૫૦ પૈકી ૪૧૧ બેઠકો ખાલી-ખમ
બી.એડ.-એમ.એડ.નો એક વર્ષનો કોર્સ બે વર્ષનો કરવામાં આવતા મોટાભાગની કોલેજોમાં ગણતરીના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન માસ્ટર ઓફ એજયુકેશન (એમ.એડ) જેવા કોર્સમાં વિદ્યાર્થીઓનો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ રાજયભરમાં ૫૧૧ બેઠકમાં ફકત ૧૩૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જો કે ૪૧૧ જેટલી બેઠકો ખાલી પડી છે.
વિદ્યાર્થીઓએ પણ સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવવાનો આગ્રહ ઓછો રાખ્યો છે અને સરકારી કોલેજ પ્રવેશ મેળવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતભરની તુલનાએ સૌરાષ્ટ્રમાં એમ.એડ કોર્સની ૨૦૦ બેઠક સામે ૨૪૧ ફોર્મ ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજયની તમામ ખાલી બેઠકો સ્વ.નાણાકીય એટલે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં છે. ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ ભવનમાં તમામ બેઠકો ભરવામાં આવી છે.
જયારે અન્ય ખાનગી કોલેજોમાં બેઠકો ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખાનગી કોલેજોમાં ધોરણો અનુસાર તેઓ પાસે પુરતો સ્ટાફ હોવો જરૂરી છે અને ફીનું ધોરણ પણ ઊંચુ હોવાથી ખાનગી કોલેજોમાં એમ.એડ કોર્સની બેઠકો ખાલી જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ ભવનના ડીન એવા ડો.નિદત બારોટે ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રભરમાં ૨૦૦ બેઠક પૈકી ૨૪૧ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી ૨૦૦ બેઠકમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ મેળવી લીધો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, એમ.એડમાં પ્રવેશ માટે ફલો ઘટવાનું મુખ્ય કારણ છે કે અગાઉ બી.એડ અને એમ.એડ ફકત બે વર્ષમાં પૂરું થઈ શકતું હતું. જો કે હવેના નિયમ મુજબ બી.એડના બે વર્ષ અને એમ.એડના બે વર્ષ એમ ૪ વર્ષ અભ્યાસ કર્યા બાદ એમ.એડનાં કોર્સ સમાપ્ત થાય છે.
જો કે રાજયભરમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, એમ.એડમાં પ્રવેશનો ફલો યથાવત જોવા મળી રહ્યો છે.